Qin Gang : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મંગળવારે વિદેશ મંત્રી કિન ગેંગને પોતાના પદ પરથી હટાવી દીધા છે. તેમની જગ્યાએ વાંગ યીને નવા વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. છેલ્લા એક મહિનાથી કિન ગેંગ કામ પર આવી રહ્યા ન હતા. આ પછી તે અંગે પણ અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેમની સાથે શું થયું છે.
ડિસેમ્બર 2022માં કિન ગેંગ મંત્રી બન્યા હતા
ચીનના નવા વિદેશ મંત્રી વાંગ અગાઉ પણ વિદેશ મંત્રી રહી ચૂક્યા છે. ડિસેમ્બર 2022માં કિન ગેંગ ચીનના નવા વિદેશ મંત્રી બન્યા હતા, પરંતુ 25 જૂન પછી તે સાર્વજનિક સ્થાનો પર જોવા મળ્યા નથી. ચીનના વિદેશ મંત્રી કિન ગેંગ 4 જુલાઈએ યુરોપિયન યુનિયનના ફોરેન પોલિસી ચીફ સાથે મુલાકાત કરવાના હતા. પરંતુ તેમની ગેરહાજરીના કારણે આ બેઠકને મુલતવી રાખવામાં આવી હતી.
ચીનના પત્રકારો પણ જાણતા નથી
ચીની પત્રકારોને પણ વિદેશ મંત્રી વિશે કોઈ જાણકારી ન હતી અને તેમણે 7 જુલાઈએ આ વિશે પૂછ્યું પણ હતું. 10 અને 10 જુલાઈએ ચીનના વિદેશ મંત્રી ઈન્ડોનેશિયામાં એક શિખર સંમેલનમાં ભાગ લેવાના હતા પરંતુ તેઓ પહોંચી શક્યા ન હતા.
વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે તબિયત ખરાબ હોવાને કારણે તેઓ આ બેઠકમાં ભાગ લઈ શકેશે નહીં. આ પછી ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ સાથે બેઠક થઈ હતી પરંતુ ત્યાં પણ પહોંચી શક્યા ન હતા. આ પછી તેમને વિદેશ મંત્રીના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – ટ્વિટર પર જોવા મળી રહ્યો છે નવો X લોગો, એલોન મસ્કે કેમ કર્યું રી બ્રાન્ડિંગ? વાંચો In-Depth સ્ટોરી
વિશ્લેષકો અને રાજદ્વારીઓએ જણાવ્યું હતું કે આનાથી દેશના નેતૃત્વમાં પારદર્શિતા અને નિર્ણય લેવાની શંકા પણ વધુ ઘેરી બની છે. નવા વિદેશ મંત્રી બનેલા 69 વર્ષીય વાંગે 2018થી 2022 સુધી આ પદ સંભાળ્યું હતું. ચીનના વિદેશ મંત્રાલયે આ ફેરફાર અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
કોણ છે કિન ગેંગ?
1966માં ચીનના તિયાનજિનમાં જન્મેલા કિન ગેંગને જુલાઇ 2021માં શી જિનપિંગે અમેરિકામાં ચીનના રાજદૂત નિયુક્ત કર્યા હતા. તેમણે 2018થી 2021 સુધી ચીનના વિદેશ મામલાના ઉપ મંત્રી અને 2015થી 2018 સુધી વિદેશ મંત્રાલયમાં પ્રોટોકોલ નિર્દેશકનું પદ સંભાળ્યું હતું. કિન ગેંગે 2011 થી 2015 દરમિયાન વિદેશ મંત્રાલયમાં માહિતી નિયામક તરીકે પણ સેવા આપી હતી.
જણાવી દઈએ કે ચીનના પૂર્વ વિદેશ મંત્રી કિન ગેંગની લોકપ્રિયતા ઝડપથી વધી રહી હતી. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેન તેમને બેઇજિંગમાં મળ્યા બાદ ચીન અને અમેરિકા વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો પણ નરમ પડ્યા હતા. આમાં કિન ગેંગની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી કિન ગેંગની સરખામણી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે કરવામાં આવી રહી હતી. પોતાના 8 મહિનાના કાર્યકાળમાં કિને ઘણા મહત્વના નિર્ણયો લીધા જેના કારણે ચીનમાં તેમની લોકપ્રિયતા વધવા લાગી હતી.
છેલ્લા એક મહિનાથી નજર નહીં આવવા પાછળ એક મહિલા પત્રકાર સાથેના તેમના અફેરને પણ જવાબદાર માનવામાં આવી રહ્યું છે. અનેક મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે એક ન્યૂઝ એન્કર સાથે રિલેશનશિપમાં છે. મહિલા પત્રકાર હોંગકોંગમાં કામ કરી રહી છે.