Moon Mission updates: બાળકોના મામા એવા ચંદામામા શીતળ અને સૌમ્ય છે પરંતુ ઘણા રહસ્યો સમાવી બેઠા છે. પૃથ્વીથી નજીક હોવાથી ચંદ્રને નરી આંખે પણ સ્પષ્ટ જોઇ શકાય છે. ચંદ્ર ઘણી બધી રીતે બેનમૂન છે. પૃથ્વી અને પૃથ્વીવાસીઓ માટે ચંદ્ર ઘણી બધી રીતે મહત્વ ધરાવે છે. જેને લઇને સૌ કોઇની રૂચી ચંદ્રના રહસ્યો જાણવામાં છે. મોટા દેશો તો ઠીક પણ નાના દેશો પણ ચંદ્ર પર જવા અને ત્યાં બેઝ કેમ્પ બનાવવા ઇચ્છે છે એ હકીકત છે. એ પાછળ પણ ચોંકાવનારા તથ્યો છુપાયેલા છે.
ભારતે ચંદ્રયાન 3 સફળ રીચે લોન્ચ કરી વિશ્વને મેસેજ આપ્યો છે કે, ડિયર મુન, વી આર કમિંગ. આ અગાઉ ભારત સહિત અન્ય દેશોએ પણ મિશન મુન કર્યું છે. પરંતુ કેટલાક સફળ રહ્યા છે તો કેટલાક અસફળ થયા છે. રશિયા, અમેરિકા અને ચીન ચંદ્ર પર સફળતાપૂર્વક મિશન મોકલવામાં સફળ રહ્યા છે. ભારત ચોથા દેશ તરીકે સિધ્ધિ નોંધાવવા માટે મેદાનમાં ઉતર્યું છે અને ચંદ્રયાન 3 સફળ લોન્ચ કર્યું છે. પરંતુ અહીં સવાલ એ છે કે બધાને ચંદ્ર પર કેમ જવું છે? ચંદ્ર પર એવું તે શું છે કે બધાને એ રહસ્યો પરથી પડદો ઉંચકવો છે. દુનિયાના બધા દેશોની નજર ચંદ્ર પર ટકી છે. ઇસરો પણ મૂન મિશનમાં લાગ્યું છે અને મોટી હરણફાળ ભરી છે.
સૌરમંડળના રહસ્યો જાણી શકાશે
તમે કોઇ રસ્તેથી પસાર થાવ તો અગાઉ તમે અહીંથી પસાર થયા હશો એ નિશાન જોવા નહીં મળે. પરંતુ ચંદ્ર પર આ શક્ય છે. આ કોઇ મજાક નથી પણ હકીકત છે. વર્ષ 1969 માં ચંદ્ર પર સૌ પ્રથમ પગ મુકનાર એસ્ટ્રોનોટ નીલ આમ્સ્ટ્રોન્ગના પગના નિશાન આજે પણ ચંદ્રની સપાટી પર અકબંધ છે. આમ થવાનું કારણ એ છે કે ચંદ્ર પર વાતાવરણ નથી. જેને લીધે અહીં તોફાન કે વાવાઝોડા આવતા નથી અને ઇરોઝનની પ્રક્રિયા થતી નથી.
આ પણ વાંચો: ઈસરોના રોકેટનો ભંગાર મળ્યો બીચ પરથી
અંદાજિત 4 અરબ વર્ષ અગાઉ જ્યારે આપણું સૌરમંડળ રચાયું ત્યારે એસ્ટોરોયડ અને ઉલ્કા પિંડોની તમામ ગ્રહો અને ઉપગ્રહો પર જાણે વરસાદ થઇ રહ્યો હતો. જેને લીધે જ ગ્રહો અને ઉપગ્રહો પર તમામ પ્રકારના ખાડા ટેકરા જેવા આકાર રચાયા.
કહેવાય છે કે, આ ઉલ્કા પિંડોના વરસાદને લીધે જ પૃથ્વી પર પાણી અને માઇક્રો ઓર્ગેનિઝમ્સ પણ આવ્યા અને જેનાથી પૃથ્વી પર જીવનનો વિકાસ થયો.

પરંતુ વાતાવરણના વિકાસના લીધે પૃથ્વી અને અન્ય ગ્રહો પર ધોવાણ થવા લાગ્યું જેને લીધે સમય સાથે પ્રારંભની સ્થિતિ ભૂસાતી ગઇ અને નવી સ્થિતિ આકારનું નિર્માણ થતું ગયું. પરંતુ ચંદ્ર પર વાતાવરણ ન હોવાને લીધે હજુ પણ ત્યાંની સપાટી પર સૌરમંડળના પ્રારંભના તમામ પ્રમાણ હાજર છે કે જેના સંશોધનથી સૌરમંડળ અંગે વધુ જાણકારી મળી શકે એમ છે અને એટલા માટે જ ચંદ્ર પર જવાની સૌ કોઇને ઇચ્છા છે અને બધાની નજર ચંદ્ર પર ટકી છે.