Nasa Osiris rex asteroid bennu: ઈસરોના મૂન મિશન બાદ હાલમાં નાસાનું અંતરિક્ષ યાન ઓસિરિસ રેક્સ અને ક્ષુદ્રગ્રહ બેન્નૂ ચર્ચામાં છે. વિશ્વની નજર નાસાના અંતરિક્ષ યાન પર ટકી છે. જે ક્ષુદ્રગ્રહ બેન્નૂ પરથી પરત ફરી રહ્યું છે. ક્ષુદ્રગ્રહ બેન્નૂ એકાએક કેમ ખાસ બની ગયો કે નાસાએ એના પૃથ્થકરણ માટે ખાસ મિશન હાથ ધર્યું. નાસાનું સાત વર્ષિય આ મિશન પૂર્ણતાના આરે આવ્યું છે. આગામી 24 સપ્ટેમ્બર ની એ પળ ખાસ બની રહેવાની છે. આ દિવસે બેન્નૂ પરથી નમૂના એકત્ર કરી લાવનાર એસઆરસીનું લેન્ડિંગ થવાનું છે. જો આ લેન્ડિંગ સફળ રહે તો પૃથ્વી સામેના ખતરાને ટાળી શકાશે તેમજ સૌર મંડળની રચના અંગે ઘણી જાણકારી મળી શકે એમ છે. તો આવો જાણીએ કે કેમ ખાસ છે નાસાનું મિશન બેન્નૂ.
ક્ષુદ્રગ્રહ બેન્નૂ અંગે ત્રણ દાયકા પૂર્વે કોઇ જાણતું ન હતું. પરંતુ વર્ષ 1999 માં નાસાની એક ટીમે આ લઘુગ્રહ અંગે શોધ કરી તો ચોંકાવનારી વિગતો જાણવા મળી. દર છ વર્ષે આ લઘુગ્રહ પૃથ્વીની એકદમ નજીકથી પસાર થઇ રહ્યો છે અને આગામી વર્ષોમાં પૃથ્વી માટે ખતરારૂપ બની શકે એવી પ્રબળ સંભાવનાઓ જોતાં પૃથ્વી સામેના ખતરાને ટાળવા તેમજ અન્ય જરૂરી માહિતી મેળવવાના ભાગરૂપે અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસા દ્વારા ખાસ મિશન બેન્નૂ શરૂ કરાયું.
નાસા દ્વારા અંતરિક્ષયાન ઓસિરિસ રેક્સને ( OSIRIS-REX) 8 સપ્ટેમ્બર, 2016ના ફ્લોરિડામાં કેપ કેનાવેરલ એર ફોર્સ સ્ટેશનથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ અંતરિક્ષ યાન વર્ષ 2018 માં લઘુગ્રહ બેન્નુ (asteroid Bennu) પર પહોંચ્યું હતું. 31 ડિસેમ્બર, 2018ના રોજ પ્રથમ વખત એસ્ટરોઇડની પરિક્રમા કરવાનું શરૂ કર્યું હતું. આ અંતરિક્ષયાને આ લઘુગ્રહની ચારે બાજુ બે વર્ષ સુધી ઉડાન ભરી અને ઘણા નમૂનાઓ એકત્ર કર્યા છે જે હવે પૃથ્વી પર પરત આવવા માટે સજ્જ છે.
OSIRIS-REX લેન્ડિંગ કાઉન્ટડાઉન
ઓસિરિસ રેક્સ (OSIRIS REX) સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાનું પ્રથમ ક્ષુદ્રગ્રહ સેમ્પલ રિટર્ન મિશન (Sample Return Mission) છે. જેનો ઉદ્દેશ્ય વૈજ્ઞાનિક અધ્યયન માટે ક્ષુદ્રગ્રહ પરથી માટી સહિતના નમૂનાઓ એકત્ર કરી પૃથ્વી પર લાવી પૃથ્થકરણ કરવાનો છે. આ અવકાશયાન 24 સપ્ટેમ્બર, 2023ના રોજ પૃથ્વી પર પરત આવવાનું છે અને SRCને પેરાશૂટ દ્વારા ઉટાહના પશ્ચિમ રણમાં લેન્ડિંગ કરાવાશે.

જ્યાં વૈજ્ઞાનિકો તેને એકત્રિત કરવા માટે રાહ જોઈ રહ્યા છે. મિશનના ટીમના સભ્યો 17-19 જુલાઇના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ ઉટાહ ટેસ્ટ એન્ડ ટ્રેનિંગ રેન્જ ખાતે સેમ્પલ રીટર્ન ઇવેન્ટનું રિહર્સલ કરવા માટે એકત્ર થયા હતા.તેઓએ સેમ્પલ રીટર્ન કેપ્સ્યુલના એન્જીનિયરીંગ મોડલને બેગ કરવાની અને સ્ટેજ્ડ લેન્ડિંગ એરિયામાંથી સ્વચ્છ ટેન્ટમાં ખસેડવાની પ્રેક્ટિસ કરી હતી જ્યાં સપ્ટેમ્બરમાં નમૂનાની પ્રારંભિક પ્રક્રિયા કરવામાં આવશે.
નાસાના બેન્નૂ મિશન મહત્વનું કેમ છે?
નાસા દ્વારા આ મિશનને ક્ષુદ્રગ્રહ બેન્નુનો અભ્યાસ કરવા માટે લોન્ચ કરાયું હતું. આ અંતરિક્ષ યાનમાં બેન્નૂના અધ્યયન માટે કેમેરા, એક સ્પેક્ટ્રોમીટર અને એક લેઝર અલ્ટીમીટર સહિત ઉપકરણો હતા. આ અંતરિક્ષ યાનના ટચ એન્ડ ગો સેમ્પલ એક્ઝિશન મિકેનિઝમ (TAGSAM) નામક રોબોટિક આર્મ્સે નમૂના સ્થળેથી નમૂના એકત્ર કર્યા હતા.
આ મિશને બેન્નૂને જાણવા માટે 5 વર્ષ વ્યતિત કર્યા છે. વૈજ્ઞાનિકો દ્વારા ઓસિરિસ રેક્સને 60 કિલો ગ્રામ રેજોલિથ (સપાટી પરની માટી) લાવવાનો નિર્દેશ કરાયો હતો. આ મિશન મહત્વનું એટલા માટે છે કે એકત્ર કરાયેલા નમૂનાનું પૃથ્થકરણ કર્યા બાદ સૌર મંડળની ઉત્પત્તિ અને વિકાસને સમજવામાં મહત્વની મદદ મળી શકે એમ છે.
પૃથ્વી માટે મોટા ખતરા સમાન બેન્નૂ
લઘુગ્રહ બેન્નૂને પૃથ્વી માટે સૌથી મોટા ખતરા રૂપે જોવામાં આવી રહ્યો છે. વર્તમાન સમયમાં આ ક્ષુદ્રગ્રહ પૃથ્વીના કથિત વિનાશ માટે જવાબદાર બની શકે છે એવો સંદેહ છે. આગામી 22મી સદીમાં આ લઘુગ્રહ પૃથ્વી સાથે ટકરાવાની પ્રબળ સંભાવનાને પગલે આ લઘુગ્રહને પૃથ્વી માટે ખતરો માનવામાં આવી રહ્યો છે અને એટલા માટે આ લઘુગ્રહ અંગે વધુ જાણકારી મેળવવામાં આવી રહી છે. આ લઘુગ્રહ છ વર્ષમાં એક વખતે પૃથ્વીની સૌથી નજીક આવે છે. જેને લઇને ખતરાની સંભાવના પ્રબળ જોવાઇ રહી છે.
Asteroid Bennu: ક્ષુદ્રગ્રહ બેન્નૂ કોણે શોધ્યો?
બેન્નૂ એક પ્રાચીન ક્ષુદ્રગ્રહ છે જે હાલમાં પૃથ્વીથી અંદાજે 200 મિલિયન માઇલ દૂર છે. આ લઘુગ્રહ અમેરિકાની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ જેટલો લાંબો છે અને એનું નામ મિસ્રના એક દેવતાના નામ પર રાખવામાં આવ્યું છે. આ ક્ષુદ્રગ્રની શોધ નાસા અનુદાનિત લિંકન નિયર અર્થ એસ્ટેરોયડ રિસર્ચ ટીમના એક સમૂહ દ્વારા વર્ષ 1999 માં કરવામાં આવી હતી. આ ક્ષુદ્રગ્રહને બી ટાઇપ ક્ષુદ્રગ્રહ માનવામાં આવે છે.

બેન્નૂ ક્ષુદ્રગ્રહ પર શું છે?
આ લઘુગ્રહ પર કાર્બન અને અન્ય ખનિજનો જથ્થો વિપુલ માત્રામાં છે.આ ક્ષુદ્રગ્રહ પર ઉપસ્થિત વિપુલ માત્રાના કાર્બનને લીધે તે માત્ર 4 ટકા જ પ્રકાશને પરાવર્તિત કરી શકે છે જોકે આ માત્રા શુક્ર જેવા ગ્રહ કરતાં ઘણી ઓછી છે. શુક્ર ગ્રહ પ્રકાશને અંદાજે 65 ટકા સુધી પરાવર્તિત કરી શકે છે. પૃથ્વી પ્રકાશને 30 ટકા માત્રામાં પરાવર્તિત કરી શકે છે. બેન્નૂ ક્ષુદ્રગ્રહનો અંદાજે 20-40 ટકા અંતરિક્ષ હિસ્સો ખાલી છે અને વૈજ્ઞાનિકોનું માનવું છે કે સૌર મંડળની રચનાના પ્રારંભિક 10 મિલિયન વર્ષો દરમિયાન આ ક્ષુદ્રગ્રહ બન્યો હોઇ શકે છે. જેનો અર્થ એ થાય છે કે આ લઘુગ્રહ અંદાજે 4.5 બિલિયન જૂનો હોઇ શકે છે. બેન્નૂ લઘુગ્રહને પૃથ્વી માટે ખતરો માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો- પૃથ્વી માટે ખતરારૂપ છે આ ક્ષુદ્રગ્રહો
પૃથ્વી પર બેન્નૂની સંભવિત ટક્કર?
બેન્નૂ લઘુગ્રહને પૃથ્વી માટે ખતરો માનવામાં આવી રહ્યો છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, બેન્નૂ કે જેને નિયર અર્થ ઓબ્જેક્ટ (NEO) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે તે આગામી 2175થી વર્ષ 2199 દરમિયાન પૃથ્વી સાથે ટકરાઇ શકે છે અને મોટો વિનાશ વેરી શકે એમ છે. નિયર અર્થ ઓબ્જેક્ટ એમને કહેવામાં આવે છે જે એવા ધૂમકેતુ કે ક્ષુદ્રગ્રહ છે જે નજીકના ગ્રહોના ગુરુત્વાકર્ષણને લીધે એમની ઓર્બિટમાં આવી શકે છે. કહેવાય છે કે, બેન્નૂની ઉત્પત્તિ મંગળ અને ગુરૂ વચ્ચે મુખ્ય ક્ષુદ્રગ્રહ બેલ્ટમાં થઇ છે અને અન્ય ખગોળીય પિંડોના ગુરૂત્વાકર્ષને લીધે તે પૃથ્વીની નજીક આવી રહ્યો છે. જે ખતરા તરીકે જોવામાં આવે છે.