અમેરિકાના ન્યૂયોર્કમાં પ્રવાસી ભારતીયોને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઓડિશાના બાલાસોરમાં થયેલી દુર્ઘટનાને લઇને ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમારા દેશમાં એક સમસ્યા છે. ભાજપ અને આરએસએસ ભવિષ્ય જોવામાં અસમર્થ છે. તેમને જો પૂછવામાં આવે કે ટ્રેન દુર્ઘટના કેમ થઈ તો તે કહેશે કે કોંગ્રેસે 50 વર્ષ પહેલા આ કર્યું હતું. તેમની પહેલી પ્રતિક્રિયા પાછળ જોનારી હોય છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસના સમયમાં જ્યારે ટ્રેન દુર્ઘટના થતી ત્યારે એ સમયે કોંગ્રેસ એવું ન્હોતી કહેતી કે આ અંગ્રેજોની ભૂલ હતી એટલા માટે થઈ. પરંતુ તત્કાલિન રેલવે મંત્રી લાલ બહાદુર શાસ્ત્રએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા લખ્યું હતું કે 270 + મોતો બાદ કોઈ જવાબદારી નથી, મોદી સરકાર આટલી દર્દનાક દુર્ઘટનાની જવાબદારી લેવાથી ભાગી શકે નહીં. વડાપ્રધાને તરત જ રેલવે મંત્રી રાજીનામું લેવું જોઈએ.
પ્રવાસી ભારતીઓને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે મારો ઇરાદો તમારી સાથે સંબંધ બનાવવાનો છે. જ્યાં તમે મને કહી શકો કે રાહુલ અમે આવું વિચારીએ છીએ. રાહુલ તમને અમેરિકાની સાથે આ પ્રકારના સંબંધો બનાવવા જોઈએ. મારે તમને એ જણાવવામાં કોઈ રસ નથી કે હું શું માનું છું. હું તમારી સાથે મનની વાત કરવા માંગતો નથી. તમારા મનમાં શું છે એ જાણવામાં મને રસ છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં બે વિચારધારાઓ વચ્ચે લડાઇ ચાલી રહી છે. એક જેનું અમે પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ અને બીજું જેનું ભાજપ અને આરએસએસ પ્રતિનિધિત્વ કરે છે. સરળ શબ્દોમાં આ લડાઇને સમજાવવામાં આવે તો એક તરફ અમારી વિચારધારા મહાત્મા ગાંધીની છે અને બીજી તરફ નાથૂરામ ગોડસેની છે.
મમતા બેજનર્જીએ પણ મોદી સરકાર ઉપર સાધ્યું નિશાન
ઓડિશાના બાલાસોરમાં 3 જૂનના રોજ થયેલી ટ્રેન દુર્ઘટના બાદ વિપક્ષી દળો સતત કેન્દ્ર સરકાર ઉપર હુમલો કરી રહી છે. વિપક્ષી દળના નેતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના રાજીનામાની માંગ કરી રહી છે. સંજય રાઉત અને શરદ પવારે પણ લાલ બહારદુર શાસ્ત્રીનું ઉદાહરણ આપતા તેમને રેલવે દુર્ઘટના બાદ અશ્વિની વૈષ્ણવ પાસે રાજીનામાની માંગ કરી હતી.
રવિવારે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જએ પણ કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધ્યું હતું. બેનર્જીએ કહ્યું હતું કે દાળમાં કંઈક કાળું છે. રેલવેનું ચરિત્ર ખોવાઈ ગયું છે. આ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયા છે. જ્યારે 1100થી વધારે ઘાયલ થયા છે.
બેનર્જીએ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર વધારે બોલે છે અને કામ ઓછું કરે છે. તેમણે કહ્યું કે બચાવ કાર્ય મુખ્યરૂપથી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. જે મારી સરકારે ઓડિશા સરકાર સાથે મળીને કર્યું છે.