PM Narendra Modi US visit : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં વોશિંગ્ટન ડીસીની મુલાકાત દરમિયાન અમેરિકન કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધન કરશે. ગૃહના સ્પીકર કેવિન મેક્કાર્થીએ ભારતના પ્રધાનમંત્રીને 22 જૂને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટની સંયુક્ત બેઠકને સંબોધન કરવા આમંત્રણ આપ્યું છે. આ વોશિંગ્ટન દ્વારા કોઇ વિદેશી નેતાને આપવામાં આવતા સર્વોચ્ચ સન્માનોમાંથી એક માનવામાં આવે છે. વડાપ્રધાન મોદીના સંબોધનનો વિષય ભારતના ભવિષ્ય અને બંને દેશો સામે રહેલા વૈશ્વિક પડકારો સાથે સંબંધિત હશે.
બંને દેશો વચ્ચેના સંબંધો ગાઢ બનશે
પ્રધાનમંત્રી મોદીના આ કાર્યક્રમની જાણકારી આપતા કેવિન મેક્કાર્થીએ ટ્વિટર પર લખ્યું કે પ્રધાનમંત્રી મોદીને 22 જૂનને ગુરુવારે કોંગ્રેસની એક સંયુક્ત બેઠકને સંબોધિત કરવા માટે આમંત્રણ આપવું એ મારા માટે સન્માનની વાત છે. તેમણે પ્રધાનમંત્રી મોદીને ઇનવાઇટ કરતા એક લેટર પણ જાહેર કર્યોછે. જેમાં લખ્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચેની સ્થાયી મિત્રતાની ઉજવણી કરવા અને આપણા બંને દેશો સામે આવનાર વૈશ્વિક પડકારો પર વાત કરવાનો અવસર હશે.
આ પણ વાંચો – વ્યક્તિગત અને રાજકીય: નેપાળના પ્રધાનમંત્રી પ્રચંડની ભારત યાત્રાનો શું છે અર્થ
તેમણે કહ્યું કે આપણે સહિયારા મૂલ્યો, વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે ઝનૂન સાથે કટિબદ્ધ છીએ. તમારા સંબોધન દરમિયાન તમારી પાસે તક રહેશે કે ભારતના ભવિષ્ય માટે તમારા દ્રષ્ટિકોણને શેર કરી શકો અને દુનિયા સામે રહેલા પડકારો વિશે વાત કરી શકો.
સાત વર્ષ પહેલાં કોંગ્રેસની સંયુક્ત બેઠકમાં તમારા ઐતિહાસિક સંબોધને અહીં સ્થાયી પ્રભાવ છોડ્યો હતો અને અમેરિકા-ભારત વચ્ચેની મિત્રતાને ખૂબ જ ગાઢ બનાવી હતી. તમે તે સમયે કહ્યું હતું કે આપણા સંબંધો મહત્વપૂર્ણ ભવિષ્ય માટે તૈયાર છે.
એક મહિનામાં બાઇડેન અને મોદી વચ્ચે આ ચોથી મુલાકાત બનશે
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન 21-24 જૂન દરમિયાન અમેરિકાની પ્રથમ રાજકીય યાત્રા માટે વ્હાઇટ હાઉસમાં પીએમ મોદીની યજમાની કરવાના છે. પીએમ મોદી પોતાના કાર્યકાળમાં અગાઉ પણ ઘણી વખત અમેરિકાની મુલાકાતે આવી ચૂક્યા છે પરંતુ 2014માં કાર્યભાર સંભાળ્યા બાદ આ તેમની પહેલી રાજકીય યાત્રા રહેશે. એક મહિનામાં બાઇડેન અને મોદી વચ્ચે આ ચોથી મુલાકાત હશે.