ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-20 સમિટમાં ભાગ લેવા માટે 14 નવેમ્બર સોમવારે, ઈન્ડોનેશિયાના પ્રવાસે રવાના થયા છે. ઇન્ડોનેશિયાના બાલી ખાતે પીએમ મોદી લગભગ 20 કાર્યક્રમોમાં હાજરી આપશે અને આ મુલાકાત દરમિયાન તેઓ 10 દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. જાણો આ કોન્ફરન્સ સાથે જોડાયેલી 10 મહત્વપૂર્ણ બાબતો…
PM નરેન્દ્ર મોદીની G-20 સમિટની મુખ્ય 10 બાબતો
- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જણાવ્યું કે, તેઓ બાલીમાં G-20 સમૂહના અન્ય નેતાઓ સાથે વૈશ્વિક પડકારોના મુખ્ય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરશે. આ મુદ્દાઓમાં વૈશ્વિક વૃદ્ધિને પુનર્જીવિત કરવી, ખાદ્ય અને ઉર્જા સુરક્ષાની ખાતરી કરવી તેમજ આરોગ્ય અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સંબંધિત મુદ્દાઓનો સમાવેશ થાય છે.
- વડાપ્રધાન મોદીએ એવું પણ કહ્યું કે, તેઓ વિવિધ સહભાગી દેશોના નેતાઓને મળશે અને તેમની સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિની સમીક્ષા કરશે.
- પીએમ મોદી બાલીમાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. તેમણે જણાવ્યુ કે, “હું 15 નવેમ્બરના રોજ રિસેપ્શન દરમિયાન બાલીમાં ભારતીય સમુદાયને સંબોધવા માટે ઉત્સુક છું.”
- નોંધનિય છે કે, ભારત G-20ની આગામી યજમાની કરશે. આથી આગામી G-20 શિખર સમ્મેલન 2023 નવી દિલ્હી ખાતે જ યોજાશે.
- પીએમ મોદીએ કહ્યું કે “આ આપણા દેશ માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે કારણ કે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ બાલી સમિટના સમાપન સમારોહમાં ભારતને G-20 અધ્યક્ષપદ સોંપશે. ભારત 1 ડિસેમ્બરે સત્તાવાર રીતે G-20 નું પ્રમુખપદ ગ્રહણ કરશે. હું આવતા વર્ષની સમિટ માટે તમામ G-20 સભ્યોને મારું વ્યક્તિગત આમંત્રણ આપીશ.”
- PM મોદીએ કહ્યુ કે, ભારતની G-20ની અધ્યક્ષતા ‘વસુધૈવ કુટુંબકમ્’ એટલે કે એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્યની થીમ પર આધારિત હશે.
- G-20 દેશોનું સમૂહ વિકસિત અને વિકાસશીલ અર્થતંત્રોનું એક મંચ છે. આમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુકે, અમેરિકા અને યુરોપિયન યુનિયનના દેશોનો સમાવેશ થાય છે.
- બાલી જી-20 સમિટમાં પીએમ મોદી ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, અમેરિકાના પ્રમુખ જો બિડેન, બ્રિટિશના વડાપ્રધાન ઋષિ સુનાક અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સહિત ઘણા દેશોના વડાઓ ભાગ લેશે.
- ઇન્ડોનેશિયામાં ભારતીય રાજદૂત મનોજ કુમાર ભારતીએ સોમવારે એક ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા જણાવ્યુ કે, “ભારત તેની (G-20)ની અધ્યક્ષતાની ઇન્ડોનેશિયાની નીતિના મુખ્ય મુદ્દાઓને આગળ લઈ જશે. જો કે, તે આપણા વડાપ્રધાન માટે ભારતની G-20ની અધ્યક્ષતાની મુખ્ય થીમ વિશે વિશ્વના નેતાઓને માહિતી આપવાની પણ સારી તક હશે.”
- G-20 એ આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટેનું મુખ્ય મંચ છે, જે વૈશ્વિક જીડીપીના આશરે 85 ટકા, વૈશ્વિક વેપારના 75 ટકાથી વધુ અને વિશ્વની લગભગ બે તૃતીયાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે.