Pathankot Attack Shahid Latif Dead: પઠાણકોટ હુમલાના માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફની પાકિસ્તાનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આતંકવાદી લતીફને સિયાલકોટમાં અજાણ્યા હુમલાખોરોએ બોમ્બ ફેંકીને માર્યો હતો. શાહિદ લતીફ NIAની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો. આતંકીઓને મોકલવામાં શાહિદ લતીફની મહત્વની ભૂમિકા હતી.
શાહિદ લતીફ જૈશના આતંકીઓને ભારત મોકલતો હતો. પાકિસ્તાની મીડિયા અનુસાર, સિયાલકોટની બહારની એક મસ્જિદમાં આતંકી શાહિદની હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરો મોટરસાઇકલ પર આવ્યા હતા અને ગોળીબાર કરીને ફરાર થઇ ગયા હતા. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.
લતીફ ભારતમાં મોસ્ટ વોન્ટેડ હતો
NIAએ શાહિદ વિરુદ્ધ UAPA હેઠળ કેસ નોંધ્યો હતો. તે ભારત સરકાર દ્વારા સૂચિબદ્ધ આતંકવાદી હતો. શાહિદ તાલિફ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગુજરાનવાલાના રહેવાસી હતા. તે જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હતો. તે સિયાલકોટ સેક્ટરનો કમાન્ડર હતો, જે ભારતમાં આતંકવાદીઓના પ્રવેશ પર નજર રાખવામાં અને આતંકવાદી હુમલાની યોજના બનાવવામાં સામેલ હતો.
પઠાણકોટ હુમલાનો મુખ્ય સૂત્રધાર
શાહિદ લતીફની 12 નવેમ્બર, 1994ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને 16 વર્ષ ભારતીય જેલમાં રહીને 2010માં વાઘા મારફતે દેશનિકાલ કરવામાં આવ્યો હતો. 41 વર્ષીય શાહિદ લતીફ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો સભ્ય હતો અને 2 જાન્યુઆરી, 2016ના રોજ પઠાણકોટ હુમલાનો મુખ્ય ષડયંત્રકાર હતો. તેણે સિયાલકોટથી હુમલાનું સંકલન કર્યું હતું અને તેને અંજામ આપવા માટે જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદીઓને પઠાણકોટ મોકલ્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં જૈશના આતંકીઓએ પઠાણકોટ એરબેઝ પર હુમલો કર્યો હતો. જેમાં સાત જવાનો શહીદ થયા હતા.
જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો આ આતંકવાદી ભારતમાં ઘણા હુમલાઓમાં સામેલ હોવાનું કહેવાય છે. લતીફ પર 1999માં ઈન્ડિયન એરલાઈન્સનું વિમાન હાઈજેક કરવાનો પણ આરોપ હતો. કંદહાર પ્લેન હાઇજેક વખતે પણ આતંકીઓએ તેની મુક્તિની માંગ કરી હતી. તે સમયે 189 મુસાફરોના બદલામાં મસૂદ અઝહરને મુક્ત કરવામાં આવ્યો હતો.