Pakistan nuclear weapons : પાકિસ્તાનની અર્થવ્યવસ્થા હાલમાં પડી ભાંગી છે. ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને છે. વધતી મોંઘવારીને લઈને દેશમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પેટ્રોલના ભાવ 300 રૂપિયાને પાર પહોંચી ગયા છે. આ દરમિયાન, ફેડરેશન ઑફ અમેરિકન સાયન્ટિસ્ટ્સે ખુલાસો કર્યો છે કે, ગંભીર આર્થિક સંકટ છતાં, પાકિસ્તાન સતત તેના પરમાણુ શસ્ત્રોનો ભંડાર વધારી રહ્યું છે અને તેના શસ્ત્રોની સંખ્યા પણ વધી રહી છે.
રિપોર્ટ અનુસાર, વિવિધ સૈન્ય ચોકીઓ અને એરફોર્સ બેઝની તાજેતરની સેટેલાઇટ તસવીરોનું વિશ્લેષણ કર્યા બાદ આ જાણવા મળ્યું છે કે, પાકિસ્તાને હાલમાં જ પરમાણુ હથિયારો માટે નવી લોન્ચર સુવિધાઓ બનાવી છે.
પાકિસ્તાન પાસે લગભગ 170 પરમાણુ હથિયારો છે
અમેરિકન પરમાણુ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, પાકિસ્તાન પાસે લગભગ 170 પરમાણુ હથિયારોનો ભંડાર છે અને 2025 સુધીમાં આ આંકડો વધીને લગભગ 200 થઈ શકે છે. 11 સપ્ટેમ્બરના રોજ બુલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસ્ટ્સમાં પ્રકાશિત ન્યુક્લિયર નોટબુક કોલમમાં વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે, અમારું અનુમાન છે કે પાકિસ્તાન પાસે હવે લગભગ 170 વોરહેડ્સનો પરમાણુ શસ્ત્રોનો ભંડાર છે. યુએસ ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીએ 1999માં અનુમાન લગાવ્યું હતું કે, 2020 સુધીમાં પાકિસ્તાન પાસે 60 થી 80 હથિયાર હશે, પરંતુ ત્યારબાદ ઘણી નવી શસ્ત્ર પ્રણાલીઓ તૈનાત અને વિકસિત કરવામાં આવી છે, તેથી આ સંખ્યામાં વધારો થવાની ધારણા છે.
અમેરિકન વિજ્ઞાનીઓએ પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો શોધવા માટે પહેલાથી જ સાર્વજનિક સામગ્રીનો ઉપયોગ કર્યો હતો. વર્ગીકૃત દસ્તાવેજો, સંરક્ષણ બજેટ ફાળવણી, લશ્કરી પરેડ અને લશ્કરી અધિકારીઓના નિવેદનોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ સિવાય પાકિસ્તાની સૈન્ય ચોકી અને એરફોર્સ બેઝની લેટેસ્ટ સેટેલાઇટ તસવીરોનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાન પરમાણુ હથિયારો ક્યાં રાખે છે?
રિપોર્ટ અનુસાર, ઓછામાં ઓછા 5 એવા સૈન્ય અને એરફોર્સ બેઝ છે, જ્યાં પાકિસ્તાન પોતાના પરમાણુ હથિયારોનો સંગ્રહ કરી રહ્યું છે. આમાં અક્રો, ગુજરાંવાલા, ખુજદાર, પાનો અકીલ અને સરગોધા ગેરીસનનો સમાવેશ થાય છે. અમેરિકન રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન પાસે પરમાણુ હથિયારોનું સ્થાન કરાચીમાં સ્થિત મસરૂર એર બેઝ છે. આ એરબેઝમાં મિરાજની 3 સ્ક્વોડ્રન હાજર છે. અહીંથી 5 કિમી દૂર પશ્ચિમ-ઉત્તર વિસ્તારમાં પરમાણુ હથિયારનો વેરહાઉસ છે.
મસરૂર એરબેઝ સિવાય પાકિસ્તાન મિન્હાસ કામરા એરબેઝ અને શાહબાઝ એરબેઝમાં પણ પરમાણુ હથિયાર રાખે છે. આ સિવાય પાકિસ્તાન પાસે 6 પ્રકારની કિલર મિસાઈલ છે, જે પરમાણુ હથિયારોથી ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે. આમાં ટૂંકા અંતરની અબ્દાલી, ગઝનવી, શાહીન અને નસ્ર મિસાઈલનો સમાવેશ થાય છે. ગૌરી અને શાહીન નામની બે મિડિયમ રેન્જ મિસાઈલ છે. પાકિસ્તાન વધુ બે મિસાઈલ પર કામ કરી રહ્યું છે, જે પરમાણુ બોમ્બ ફેંકી શકે છે. તેમનું નામ શાહીન 3 અને અબાબીલ મિસાઈલ છે, જે અનેક પરમાણુ બોમ્બ લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
2025 સુધીમાં પાકિસ્તાનના પરમાણુ હથિયારોની સંખ્યા 200 સુધી પહોંચી જશે
રિપોર્ટ અનુસાર પાકિસ્તાન 4 નવા પ્લુટોનિયમ પ્રોડક્શન રિએક્ટર પર પણ કામ કરી રહ્યું છે. આ સાથે તે યુરેનિયમ રિએક્ટરની ક્ષમતા પણ વધારી રહ્યું છે અને તેની આસપાસ નવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે. જેના કારણે તેની ક્ષમતા વધુ વધી શકે છે. એવો અંદાજ છે કે, 2025 સુધીમાં પાકિસ્તાનના પરમાણુ હથિયારોની સંખ્યા 200 સુધી પહોંચી જશે.
ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન બે મોરચે કામ કરી રહ્યું છે. એક તરફ, તે પરમાણુ હથિયારોની સંખ્યામાં વધારો કરી રહ્યું છે, તો બીજી તરફ, તે ઝડપથી નવા શસ્ત્રો માટે કાચો માલ પણ એકત્ર કરી રહ્યું છે. રિપોર્ટમાં અનુમાન છે કે, પાકિસ્તાન દર વર્ષે 14-27 હથિયારો માટે કાચો માલ ભેગો કરી રહ્યું છે અને ઓછામાં ઓછા 5 થી 10 પરમાણુ હથિયારોનું ઉત્પાદન પણ કરી રહ્યું છે.