North Korea President Kim Jong Un Meer Vladimir Putin in Russia Visit : ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન મંગળવારે વિદેશ પ્રવાસ પર રશિયા પહોંચ્યા હતા. રશિયન સમાચાર એજન્સીઓના જણાવ્યા અનુસાર ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ ઉને ઘેરા લીલા અને રાખોડી રંગની કાર સાથે સશસ્ત્ર ટ્રેનમાં મુસાફરી કરી હતી અને તેમની સાથે અગ્રણી હથિયાર ઉદ્યોગ અને લશ્કરી અધિકારીઓ અને ઉત્તર કોરિયાના વિદેશ પ્રધાન પણ હતા. કિમ જોંગ ઉનના રશિયા પ્રવાસ પર અમેરિકા તરફી પશ્ચિમી દેશો દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે, કારણ કે યુએસ એ તાજેતરમાં ઉત્તર કોરિયાને યુક્રેન સામેના યુદ્ધ માટે રશિયાને સંભવિત હથિયારોનો સોદો કરવા સામે ચેતવણી આપી છે.
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ જણાવ્યું હતું કે, આ એક સંપૂર્ણ મુલાકાત હશે. તેમણે કહ્યું કે બંને પ્રતિનિધિમંડળો વચ્ચે વાતચીત થશે. નિષ્ણાતોના મતે, આ મુલાકાત એક તરફ ઉત્તર કોરિયા, રશિયા અને ચીન અને બીજી તરફ દક્ષિણ કોરિયા, જાપાન અને અમેરિકા સાથેના નવા શીત યુદ્ધના ભણકારા આપે છે. જો ઉત્તર કોરિયા રશિયાને શસ્ત્રો પૂરો પાડવાનું પસંદ કરે છે, તો દેશ સામે પહેલેથી જ લાગુ કરાયેલા પશ્ચિમી પ્રતિબંધો વધુ આકરા બની શકે છે.
ઉત્તર કોરિયાને રશિયામાં કેમ રસ છે?
નિષ્ણાતો દાવો કરે છે કે રશિયા પાસે તે બધુ જ છે, જે સંકટગ્રસ્ત ઉત્તર કોરિયાની અર્થવ્યવસ્થાની માંગ છે. કોરિયા ઇન્સ્ટિટ્યૂટ ફોર નેશનલ યુનિફિકેશનના વરિષ્ઠ રિસર્ચ ફેલો ચો હાન બમે એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, “રશિયા ખાદ્ય નિકાસ કરતો દેશ છે, ખાતરની નિકાસ કરતો દેશ છે, ઊર્જા નિકાસ કરતો દેશ છે.”
તો ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝના સંશોધક જોસેફ ડેમ્પસે જણાવ્યું હતું, કે ઉત્તર કોરિયા તેના શસ્ત્રો ઉદ્યોગને આગળ વધારવા અને તેને વધુ ટકાઉ બનાવવા માટે મુખ્ય ટેકનોલોજી, નોલેજ અને ઉત્પાદન ક્ષમતાના સ્થાનાંતરણની માંગ કરી શકે છે. તેમજ રશિયાની નિકટતાનો અર્થ ઉત્તર કોરિયા માટે રાજદ્વારી લાભ પણ છે, જે ચીન માટે એક સંદેશ છે.
રશિયા ઉત્તર કોરિયા પાસેથી શું ઈચ્છે છે?
રશિયા ખાસ કરીને આર્ટિલરી શેલ્સમાં રસ ધરાવે છે જે સરળતાથી એકીકૃત કરી શકાય છે. જોસેફ ડેમ્પ્સીએ એએફપીને જણાવ્યું હતું કે, “ઉત્તર કોરિયા કદાચ સોવિયેત યુગના વિરાસત વાળા તોપખાનાના ગોળા અને દારૂગોળાના સૌથી મોટા ભંડારનું પ્રતિનિધિત્વ કરે છે જેનો ઉપયોગ યુક્રેનના સંઘર્ષથી નાશ પામેલા રશિયન ભંડારને પુનઃસ્થાપિત કરવા માટે થઈ શકે છે.” તે ઉપરાંત અન્ય દેશોથી વિપરીત, ઉત્તર કોરિયાએ પશ્ચિમી પ્રતિબંધોની ધમકીઓ સામે ઊભા રહેવાની તૈયારી દર્શાવી છે. 2022માં ઉત્તર કોરિયાએ વેગનર જૂથને રોકેટ અને મિસાઇલો ઉપલબ્ધ કરાવી હતી.