Polaris mission : અમેરિકાના બિઝનેસમેન એલોન મસ્કની કંપની SpaceX એ પોલારિશ ડોન મિશનને લોન્ચ કરી દીધું છે. એક અબજોપતિ બિઝનેસમેન સહિત ચાર અવકાશયાત્રીઓએ મંગળવારે ઉડાન ભરી હતી. આ મિશનમાં 4 એસ્ટ્રોનોટ પૃથ્વીથી લગભગ 700 કિમી ઉપર સ્પેસમાં સ્પેસવોક કરવા માટે જઇ રહ્યા છે. આ દુનિયાની પ્રથમ પ્રાઇવેટ સ્પેસવોક હશે.
આ પહેલા ખરાબ મોસમના કારણે લોન્ચિંગ 2 કલાક માટે ટાળવામાં આવી હતી. બપોરે 1 કલાકે લોન્ચ થવાનું હતું. એક અબજોપતિ ઉદ્યોગસાહસિક, એક નિવૃત્ત લશ્કરી ફાઇટર પાઇલટ અને સ્પેસએક્સના બે કર્મચારીઓ સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ પર ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી રવાના થયા છે.
આ મિશનનો ઉદ્દેશ્ય નવા સ્પેસસૂટ ડિઝાઈનોનું પરીક્ષણ કરવાનું છે. બધા યાત્રીઓએ સ્પેસએક્સના ક્રુ ડ્રેગન કેપ્સૂલથી ઉડાન ભરી હતી. આ એ જ કેપ્સુલ છે જેના માધ્યમથી નાસા સુનીતા વિલિયમ્સને અંતરિક્ષથી પરત લાવવાની યોજના પર કામ કરી રહ્યું છે.
આ મિશન લગભગ પાંચ દિવસ ચાલશે
આ મિશનને પહેલા 27 ઓગસ્ટે લોન્ચ કરવાનું હતું. જોકે હિલીયમ લીક અને ખરાબ મોસમના કારણે આ મિશનને ટાળવું પડ્યું હતું. માત્ર ઉચ્ચ પ્રશિક્ષિત, સારી રીતે ભંડોળ ધરાવતા સરકારી અવકાશયાત્રીઓએ ભૂતકાળમાં સ્પેસવોક કર્યું છે. પોલારિસ ડોન નામનું સ્પેસએક્સ મિશન, અંડાકાર આકારની ભ્રમણકક્ષામાં લગભગ પાંચ દિવસ ચાલશે જે પૃથ્વીની નજીકથી 190 કિમી (118 માઇલ) અને 1,400 કિમી (870 માઇલ) સુધી પસાર થશે.
આ પણ વાંચો – એલન મસ્ક, ગૌતમ અદાણી કે મુકેશ અંબાણી કોણ બનશે દુનિયાનો પ્રથમ ખરબપતિ?
સ્પેસવોકનું આયોજન મિશનના ત્રીજા દિવસે 700 કિમીની ઊંચાઈએ કરવામાં આવ્યું છે અને તે લગભગ 20 મિનિટ ચાલશે. ચારેય અવકાશયાત્રીઓ ઓક્સિજન માટે તેમના સ્લિમ્ડ-ડાઉન, સ્પેસએક્સ-બિલ્ટ સ્પેસસુટ્સ પર આધાર રાખશે.
આ ચાર લોકોએ ભરી ઉડાન
જેરેડ ઇસાકમેન એક પાઇલટ અને ઇલેક્ટ્રોનિક પેમેન્ટ કંપની Shift4 ના અબજોપતિ સ્થાપક છે. જે પોલારિસ મિશનને બેંકરોલ કરી રહ્યા છે. તેમણે મિશન માટે કેટલી ચૂકવણી કરી છે તે કહેવાનો ઇનકાર કર્યો છે, પરંતુ તેઓને કરોડો ડોલરનો ખર્ચ થવાની શક્યતા છે. તેમની સાથે મિશન પાઇલટ સ્કોટ પોટીટ, યુએસ એરફોર્સના નિવૃત્ત લેફ્ટનન્ટ કર્નલ છે. આ સિવાય સ્પેસએક્સના કર્મચારીઓ સારાહ ગિલિસ અને અન્ના મેનન છે. આ બંને કંપનીના વરિષ્ઠ ઇજનેર છે.
સ્પેસવોક માટે ઇસાકમેન અને ગિલિસ ઓક્સિજન લાઇન દ્વારા બંધાયેલા અવકાશયાનમાંથી બહાર નીકળશે જ્યારે પોટીટ અને મેનન કેબિનમાં રહેશે.