ઇજિપ્તનું (Egypt)કન્ટેનરોથી લદાયેલું મોટું માલવાહક જહાજ તુર્કીના (Turkey)ઇસ્કેંડરમ પોર્ટ પર પલટી મારી ગયું છે. આ જહાજ ડુબી રહ્યું હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. વીડિયોમાં જોવા મળે છે કે સી ઇગલ નામનું જહાજ ડુબી રહ્યું છે.
માલ ઉતારતા સમયે બની ઘટના
આંતરરાષ્ટ્રીય રિપોર્ટ પ્રમાણે આ જહાજ તુર્કીના ઇસ્કેંડરમ બંદરગાહ પર ડોક કરવામાં આવ્યું હતું અને ઘટના સમયે માલ ઉતારવાની પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન જહાજ પલટવાથી તેના પર રહેલા કન્ટેનરો દરિયામાં ડુબી ગયા છે. આ માલવાહક જહાજ 1984માં બન્યું હતું.
ચાલક દળના બધા સભ્યો સુરક્ષિત
ઘટનાના વીડિયો પરથી જાણી શકાય છે કે પોર્ટ પર જહાજમાંથી કન્ટેનરને ઉતારવામાં આવી રહ્યા હતા ત્યારે 3120 DWT માલવાહક જહાજ પાણીમાં ડુબ્યું હતું. સીટીનો અવાજ સાંભળીને જહાજ પાસે રહેલા લોકો તાત્કાલિક ત્યાંથી હટી ગયા હતા. જોત જોતામાં જહાજ પાણીમાં ડુબી ગયું હતું. જોકે રાહતની વાત એ છે કે ચાલક દળ સહિત બધા સદસ્યોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
તપાસના આદેશ અપાયા
દુર્ઘટના પછી તુર્કીના ટ્રાન્સપોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મંત્રાલયે ટ્વિટ કરીને કહ્યું કે 24 કન્ટેનર આ દરમિયાન જહાજથી ગુમ થયા છે અને હળવું તેલ રિસાવ પણ થયું છે. રાહતની વાત એ છે કે ચાલક દળ સહિત બધા સદસ્યને સુરક્ષિત બહાર કાઢવા સફળ રહ્યા છીએ, કોઇને ઇજા પહોંચી નથી. તુર્કીના બંદરગાહ અધિકારી આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.