અર્જુન સેનગુપ્તા : યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (ડીઓજે) એ ભારતીય નાગરિક પર યુએસમાં ખાલિસ્તાની નેતાની હત્યાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ મૂક્યો છે. બુધવારે (29 નવેમ્બર) સત્તાવાર પ્રેસ રિલીઝમાં આ જણાવવામાં આવ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આજે, ન્યુયોર્ક સિટીના સધર્ન ડિસ્ટ્રિક્ટમાં 52 વર્ષીય ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા ઉર્ફે નિક વિરુદ્ધ ન્યૂયોર્કમાં એક અમેરિકન નાગરિકની હત્યાના નિષ્ફળ ષડયંત્રમાં તેની સંડોવણી બદલ કેસ શરૂ કરવામાં આવ્યો છે. તેના પર સોપારી લઈ (ભાડેથી) હત્યાનો આરોપ છે.”
શું છે આરોપો?
ન્યાય વિભાગના પ્રકાશન મુજબ, “આ વર્ષની શરૂઆતમાં, એક ભારતીય સરકારી કર્મચારીએ ભારતમાં અને અન્ય સ્થળોએ ગુપ્તા સહિત અન્ય લોકો સાથે મળીને યુએસની ધરતી પર ન્યૂયોર્ક સિટીમાં રહેતા એક વકીલ અને રાજકીય કાર્યકરની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. ગુપ્તા ભારતીય અમેરિકન નાગરિક છે. મૂળ ભારતીય.” અમેરિકા દ્વારા સરકારી કર્મચારીનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી અને તેનું વર્ણન “CC-1” તરીકે કરવામાં આવ્યું છે. ન્યાય વિભાગે જણાવ્યું હતું કે, ગુપ્તા કથિત રીતે CC-1 નો સહયોગી છે.
“CC-1 એ ભારતીય સરકારી એજન્સીનો કર્મચારી છે, જેણે પોતાને ‘સિક્યોરિટી મેનેજમેન્ટ’ અને ‘ઇન્ટેલિજન્સ’માં જવાબદારીઓ સાથે ‘વરિષ્ઠ ફિલ્ડ ઓફિસર’ તરીકે વર્ણવ્યો છે, અને જે અગાઉ ભારતના સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં સેવા આપતો હતો અને ‘યુદ્ધ-ક્રાફ્ટ’ અને ‘હથિયારો’માં ‘ઓફિસર તાલીમ’ મેળવી હતી.” CC-1 એ ભારતમાંથી હત્યાના કાવતરાનું પૂરૂ માર્ગદર્શન આપ્યું હતું. રિલીઝમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેણે યુનાઇટેડ સ્ટેટ્સમાં હત્યાની યોજના બનાવી હતી. ગુપ્તાને કથિત રીતે આ કામ માટે ભરતી કરવામાં આવ્યો હતો.
કેવી રીતે ષડયંત્ર નિષ્ફળ ગયું?
ન્યાય વિભાગે જણાવ્યું હતું કે, હુમલો કરવા માટે, ગુપ્તાએ “CC-1 ના નિર્દેશ પર… એક વ્યક્તિનો સંપર્ક કર્યો”, જેને તે “ગુનાહિત સહયોગી માનતો હતો, પરંતુ તે ખરેખર યુએસ કાયદા અમલીકરણ સાથે કામ કરી રહેલો અમેરિકન સરકારનો ગોપનિય સ્ત્રોત હતો.” DOJ એ જણાવ્યું હતું કે, આ સ્ત્રોતે ગુપ્તાને “કથિત હિટમેન” સાથે પરિચય કરાવ્યો હતો, જે વાસ્તવમાં “અન્ડરકવર યુએસ કાયદા અમલીકરણ અધિકારી” હતો, ત્યારબાદ આ કાર્ય હાથ ધરવા માટે “$1,00,000″નો સોદો કરવામાં આવ્યો હતો.
પ્રારંભિક ચુકવણી થઈ ગયા પછી “CC-1 એ ગુપ્તાને પીડિત વિશેની અંગત માહિતી પૂરી પાડી હતી, જેમાં પીડિતના ન્યૂયોર્ક સિટીમાં ઘરનું સરનામું, પીડિત સાથે સંકળાયેલા ફોન નંબરો અને પીડિતના રોજિંદા વર્તન વિશેની વિગતોનો સમાવેશ થાય છે”, ગુપ્તાએ પછી અમેરિકન જાસૂસને સૂચના આપી, જે તે હિટ મેન માનતો હતો, ડીઓજેએ જણાવ્યું હતું.
ગુપ્તાએ ‘હિટમેન’ને “શક્ય તેટલી ઝડપથી” હત્યાને અંજામ આપવા કહ્યું, પરંતુ સાથે એ પણ ખાસ સૂચના આપી હતી કે, “ઉચ્ચ-સ્તરીય યુએસ અને ભારત સરકારના અધિકારીઓ” વચ્ચે આગામી થોડા અઠવાડિયામાં સંભવિત ચર્ચાઓ બેઠક સમયે તેને મારે નહી.”
જૂનમાં, કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં એક ગુરુદ્વારાની બહાર હરદીપ સિંહ નિજ્જરની હત્યા કર્યા પછી, ગુપ્તાએ હત્યારાને કથિત રીતે કહ્યું હતું કે, નિજ્જર પણ “લક્ષ્ય” હતો અને “અમારી પાસે ઘણા લક્ષ્યો છે.” ન્યાય વિભાગે આરોપ લગાવ્યો હતો કે, CC-1 એ ગુપ્તાને પીડિત વિશે એક સમાચાર લેખ મોકલ્યો હતો અને ગુપ્તાને મેસેજ કર્યો હતો કે, “આ અત્યારે પ્રાથમિકતા છે.”
કોણ હતું ષડયંત્રનું નિશાન?
ગુપ્તાના અપવાદ સાથે, DOJ એ કથિત લક્ષ્યોને “પીડિત” તરીકે વર્ણવતા, સમગ્ર નિવેદનમાં કોઈ નામનો ઉલ્લેખ કર્યો નથી.
નિવેદનમાં નોંધવામાં આવ્યું છે કે, કથિત લક્ષ્ય ન્યુયોર્ક સ્થિત વકીલ હતા, જે “ભારત સરકારના સ્પષ્ટવક્તા ટીકાકાર છે અને યુએસ સ્થિત સંગઠનનું નેતૃત્વ કરે છે, જે પંજાબ અલગ થાય તેની હિમાયત કરે છે.” તેમાં કહેવામાં આવ્યું છે કે, પીડિતે જાહેરમાં “પંજાબને ભારતથી અલગ થવા અને શીખ સાર્વભૌમ રાજ્ય સ્થાપિત કરવા” માટે હાકલ કરી છે અને “ભારત સરકારે પીડિત અને તેના અલગતાવાદી સંગઠન પર ભારતમાં પ્રતિબંધ મૂક્યો છે.”
ગયા અઠવાડિયે, ફાઇનાન્શિયલ ટાઇમ્સે વકીલ અને ખાલિસ્તાન સમર્થક ગુરપતવંત સિંહ પન્નુની યુએસ ધરતી પર હત્યા કરવાના કથિત કાવતરા અંગે અહેવાલ આપ્યો હતો, જેને “યુએસ અધિકારીઓએ ભારત સરકારને ચેતવણી આપીને નિષ્ફળ બનાવ્યો હતો.”
ભારતે તેના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, “ભારત-યુએસ સુરક્ષા સહયોગ પર તાજેતરની ચર્ચાઓ દરમિયાન, યુએસ પક્ષે સંગઠિત ગુનેગારો, બંદૂક ચલાવનારાઓ, આતંકવાદીઓ અને અન્યો વચ્ચેના જોડાણથી સંબંધિત કેટલાક ઇનપુટ્સ શેર કર્યા હતા. ઇનપુટ્સ બંને દેશો માટે ચિંતાનું કારણ છે અને તેઓએ જરૂરી ફોલો-અપ પગલાં લેવાનું નક્કી કર્યું છે. તેના ભાગ રૂપે, ભારત આવા ઇનપુટ્સને ગંભીરતાથી લે છે કારણ કે, તે આપણા પોતાના રાષ્ટ્રીય સુરક્ષા હિતોને પણ અસર કરે છે. યુએસ ઇનપુટ્સના સંદર્ભમાં સંબંધિત વિભાગો દ્વારા પહેલાથી જ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો – કેનેડા-ભારત : અમેરિકાએ પુરાવા તો આપ્યા, પરંતુ સરકાર વિરુદ્ધ નહીં, જાણો ભારતીય અધિકારીઓએ પન્નુ વિશે શું કહ્યું
સરકારે બુધવારે અગાઉ જાહેરાત કરી હતી કે, તેણે “કેસના તમામ સંબંધિત પાસાઓ” ની તપાસ કરવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે.
કોણ છે નિક ગુપ્તા અને અત્યારે ક્યાં છે?
ગુપ્તા વિશે વધારે જાણીતું નથી સિવાય કે, તે યુએસમાં રહેતો ભારતીય નાગરિક છે. ન્યાય વિભાગના નિવેદન અનુસાર, “ચેક સત્તાવાળાઓએ યુનાઇટેડ સ્ટેટ્સ અને ચેક રિપબ્લિક વચ્ચેની દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિ અનુસાર 30 જૂન, 2023 ના રોજ ગુપ્તાની ધરપકડ કરી અને અટકાયતમાં લીધો.” તેના પર સોપારી લઈ ભાડા પર હત્યા અને ભાડા માટે હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેમાં મહત્તમ દંડ અને 10 વર્ષની જેલની સજા છે.