canada india controversy : જૂનમાં શીખ કાર્યકર્તા હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, ભારતે મંગળવારે એક વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢ્યા – કેનેડાએ સોમવારે જે કર્યું તેવી સમાન કાર્યવાહી ભારતે કરી છે. ખાલિસ્તાન તરફી નેતાની હત્યા માટે ભારતનો હાથ હોવાનો દાવો કરી કેનેડાએતપાસ વચ્ચે એક ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યો હતો.
ભારતે કેનેડાના રાજદ્વારીને હાંકી કાઢ્યા
કેનેડા દ્વારા ભારત પર આક્ષેપો અને વર્તન વચ્ચે મંગળવારે ભારતે પણ એક વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢ્યા છે.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, સંબંધિત રાજદ્વારીને આગામી પાંચ દિવસમાં ભારત છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આ નિર્ણય આપણા આંતરિક મામલામાં કેનેડિયન રાજદ્વારીઓની દખલગીરી અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણી અંગે ભારત સરકારની વધતી ચિંતા દર્શાવે છે.”
વિદેશ મંત્રાલયના મુખ્યાલયમાં કેમેરોન મેકે
ભારતમાં કેનેડિયન હાઈ કમિશનર કેમેરોન મેકે નવી દિલ્હીના સાઉથ બ્લોકમાં વિદેશ મંત્રાલય (MEA)ના મુખ્યાલયમાં પહોંચ્યા.
નિજ્જર હત્યાકાંડમાં ભારતનો હાથ હોવાના કેનેડાના દાવાને ભારતે ફગાવી દીધો
દિવસની શરૂઆતમાં, ભારતે કેનેડાના આરોપને “વાહિયાત અને પ્રેરિત” તરીકે નકારી કાઢ્યો હતો, દાવો હતો કે, ખાલિસ્તાન તરફી નેતા નિજ્જરની હત્યામાં ભારત સામેલ હતું. વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “કેનેડામાં હિંસાના કોઈપણ કૃત્યમાં ભારત સરકારની સંડોવણીના આરોપો વાહિયાત અને પ્રેરિત છે. આવા જ આરોપ કેનેડાના વડાપ્રધાન દ્વારા આપણા વડાપ્રધાન પર લગાવવામાં આવ્યા હતા અને તેને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવ્યા હતા.”
ભારતે કેનેડાના વડાપ્રધાન અને અન્ય નેતાઓની ટીકા કરી હતી
ભારતે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને અન્ય રાજકીય નેતાઓ પર પણ પ્રહાર કરતા કહ્યું કે, “કેનેડિયન રાજકીય હસ્તીઓએ આવા તત્વો પ્રત્યે ખુલ્લેઆમ સહાનુભૂતિ વ્યક્ત કરી છે, જે ઊંડી ચિંતાનો વિષય છે.”
‘ઊંડી ચિંતા’: ભારત પર કેનેડાના આરોપો પર યુ.એસ
યુનાઇટેડ સ્ટેટ્સે કહ્યું કે, તે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા સરેમાં એક શીખ કાર્યકરની હત્યા અંગે ભારત સરકાર પર સોમવારે લગાવવામાં આવેલા આરોપોને લઈને “ખૂબ ચિંતિત” છે. સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસના જણાવ્યા અનુસાર, વ્હાઇટ હાઉસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તા એડ્રિન વોટસને જણાવ્યું હતું કે, “અમે વડા પ્રધાન ટ્રુડો દ્વારા સંદર્ભિત આરોપોને લઈને ખૂબ જ ચિંતિત છીએ.”
કેનેડાએ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યો
નિજ્જરની હત્યામાં ભારત સરકારનો હાથ હોવાના આરોપોની તપાસ વચ્ચે કેનેડાએ સોમવારે ટોચના ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા.
ભારત સરકારની સંડોવણી અસ્વીકાર્ય હશે: ટ્રુડો
કેનેડાની સંસદમાં બોલતા ટ્રુડોએ કહ્યું કે, તેમણે ગયા અઠવાડિયે જી-20 બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નિજ્જરની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ટ્રુડોએ કહ્યું કે, તેમણે મોદીને કહ્યું કે, ભારત સરકાર દ્વારા કોઈપણ સંડોવણી અસ્વીકાર્ય હશે અને તપાસમાં સહયોગ માટે કહ્યું.
આ પણ વાંચો – ભારત અને કેનેડા વચ્ચે વણસેલા સંબંધોથી વેપાર પર શું થશે અસર?
જો આ સાચું છે, તો તે આપણા સાર્વભૌમત્વનું ભારે ઉલ્લંઘન છે: કેનેડિયન વિદેશ મંત્રી
કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ કહ્યું કે, જો (નિજ્જરની હત્યા સાથે ભારતની લિંક) સાચી સાબિત થશે તો તે કેનેડાની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન હશે. જોલીએ કહ્યું, “જો આ સાચુ સાબિત થશે, તો તે આપણા સાર્વભૌમત્વનું અને દેશોએ એકબીજા સાથે કેવી રીતે વર્તવું જોઈએ, તેના સૌથી મૂળભૂત નિયમનું ઉલ્લંઘન હશે.”