BRICS summit 2023 : ગુરુવારે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બ્રિક્સ નેતાઓની મીડિયા બ્રીફિંગ પહેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વાતચીત કરતા જોવા મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચેની વાતચીતનો વીડિયો સાઉથ આફ્રિકાના બ્રોડકાસ્ટરે પ્લે કર્યો છે. જોકે બંને દેશો ભારત અને ચીન તરફથી વાતચીત અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
બ્રિક્સ સમિટ શરૂ થતા પહેલા જ એવી અટકળો હતી કે જોહાનિસબર્ગમાં પીએમ નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે દક્ષિણ આફ્રિકાથી ગ્રીસ જવા રવાના થશે. આ પહેલા ગયા વર્ષે નવેમ્બરમાં બાલીમાં આયોજિત જી20 સમિટમાં પીએમ નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે ટૂંકી વાતચીતના સમાચાર આવ્યા હતા.
મે 2020થી બંને દેશો વચ્ચે તણાવ
મે 2020થી ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. જૂન 2020માં ગલવાન ખીણમાં બંને દેશોની સેના વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ચીની સેનાના લગભગ 40 સૈનિકો માર્યા ગયા હતા જ્યારે ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. ત્યારથી અત્યાર સુધી એલએસી પર બંને દેશોની સેનાઓ તૈનાત છે. એલએસી પર તણાવ ઓછો થયો છે પરંતુ ભારતીય લોકો ચીન પર વિશ્વાસ કરવા તૈયાર નથી.
આ પણ વાંચો – BRICS : ઇરાન, સાઉદી અરબ અને યૂએઈ સહિત આ 6 દેશો બ્રિક્સમાં થયા સામેલ, હવે આ નામથી મળશે ઓળખ
બંને સેનાઓ વચ્ચે 19 રાઉન્ડની વાતચીત થઈ
જૂન 2020થી ગલવાન ઘાટીમાં વિવાદ બાદ બંને દેશો વચ્ચે 19 રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. બંને પક્ષો વચ્ચે છેલ્લી વાતચીત આ મહિનાની 13 અને 14 મી તારીખે વાતચીત થઈ હતી. બંને સેનાઓ હવે દેપસાંગ અને ડેમચોકમાં સ્ટેન્ડ ઓફને સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે.
બ્રિક્સમાં છ નવા દેશોને સદસ્યતા મળી
બ્રિક્સમાં છ નવા દેશોને સદસ્યતા મળી ગઇ છે. ઇરાન, આર્જેન્ટિના, ઇથિયોપિયા, ઇજિપ્ત, યૂએઈ અને સાઉદી અરબનો બ્રિક્સમાં સમાવેશ કરાયો છે. આ સાથે બ્રિક્સને હવે બ્રિક્સ પ્લસ (BRICS PLUS)નામ આપવામાં આવ્યું છે. જોહાનિસબર્ગમાં ચાલી રહેલી બ્રિક્સની 15મી સમિટમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામફોસાએ આ જાહેરાત કરી હતી. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા.
રામફોસાએ કહ્યું કે વિસ્તાર પ્રક્રિયાના પ્રથમ ચરણમાં અમારી સહમતિ છે. અન્ય ચરણ તેના પછી થશે. અમે ઇરાન, આર્જેન્ટિના, ઇથિયોપિયા, ઇજિપ્ત, યૂએઈ અને સાઉદી અરબને બ્રિક્સના પૂર્ણ સદસ્ય બનવા માટે આમંત્રિત કર્યા છે. આ દેશોની સદસ્યતા 1 જાન્યુઆરી 2024થી લાગુ થશે.