Wrestlers Protest Updates: છેલ્લા એક મહિનાથી ધરણા પર બેઠેલા રેસલર્સ રવિવારે નવી સંસદમાં મહાપંચાયત યોજવા માગતા હતા પરંતુ દિલ્હી પોલીસે તેમને અટકાવી દીધા હતા. આ સાથે જ જંતર-મંતર પર પહેલવાનોના ટેન્ટ અને અન્ય સામાનને હટાવીને આ જગ્યા ખાલી કરાવવામાં આવી રહી છે. કુસ્તીબાજો છેલ્લા એક મહિનાથી અહીં ધરણા કરી રહ્યા છે અને હવે તેમને હટાવવામાં આવી રહ્યા છે. સાક્ષી મલિકે ટ્વિટ કરીને તેને ગુંડાગીરી ગણાવી હતી.
બજરંગ પુનિયાએ કહ્યું, લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે
બજરંગ પુનિયાએ કહ્યું કે તેમના ઘણા લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. જ્યારે જંતર મંતરની આસપાસ બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું છે છતા તે લડાઇ ચાલું રાખશે. તેણે સરકારને તેમના લોકોને છોડી મુકવાની પણ વાત કરી હતી.
દિલ્હી પોલીસ સાથે થયેલી હંગામા પહેલા બજરંગ પુનિયાએ કહ્યું કે અહીં દરેક જગ્યાએ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. અમારા 1000,2000 લોકોની અટકાયત કરવામાં આવી છે. દિલ્હી હોય કે હરિયાણા તેમના ઘરે પોલીસ બેસાડી દેવામાં આવી છે. જે લોકો પર આરોપ છે તેમને સંપૂર્ણ સ્વતંત્રતા આપી રહ્યા છે અને ન્યાયની માંગ કરી રહેલી દીકરીઓને સાથે આવું કરી રહ્યા છે. તેઓ લોકતંત્રનું ઉદ્ઘાટન કરી રહ્યા છે પરંતુ તેની જ હત્યા કરી રહ્યા છે.
આ પણ વાંચો – શા માટે બ્રિજ ભૂષણનું રક્ષણ કરવામાં આવ્યું તે કોઈને અંદાજ નથી’ : વિનેશ ફોગાટ
બ્રિજભૂષણના સવાલ પર બજરંગ પૂનિયા ભડક્યા
બ્રિજભૂષણે કહ્યું હતું કે તેમણે કુસ્તીબાજોની તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે અને રેસલર્સને નવી સંસદમાં ન જવા જણાવ્યું હતું. આ વાત પર બજરંગે ગુસ્સો કર્યો અને કહ્યું કે તે માંગણીઓ સ્વીકારનાર કોણ છે, તે માત્ર રાજનીતિ કરી રહ્યો છે. તેઓ કહી રહ્યા છે કે હું સરકારને ઝુકાવી દઇશ અને અમે સરકારને અપીલ કરી રહ્યા છીએ કે અમારી દીકરીઓને ન્યાય આપો. તે પોક્સોને બદલવાની વાત કરી રહ્યો છે અને અમે કાયદા સાથે હાથ જોડીને ન્યાય માંગી રહ્યા છીએ.
શાંતિપૂર્ણ રીતે મહાપંચાયત યોજવા માંગતા હતા ખેલાડીઓ
બજરંગે વધુમાં કહ્યું કે અમે જે પણ કરીશું તે શાંતિપ્રિય રીતે કરીશું. હું પોલીસ પ્રશાસન અને સરકારને હાથ જોડીને વિનંતી કરું છું કે અટકાયતમાં લેવામાં આવેલા અમારા લોકોને મુક્ત કરવામાં આવે. તેમની સાથે આ રીતે વર્તન ન થવું જોઈએ. અમે એવું કશું નહીં કરીએ જેનાથી હિંસા થાય, અમે અમારી દીકરીઓના સન્માન માટે લડી રહ્યા છીએ, અમે જમીન અને સંપત્તિ માટે લડી રહ્યા નથી.