Wrestlers Protest: ભાજપના સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીની ચાલી રહેલી તપાસમાં ઝડપથી ઘટનાક્રમ બદલાઇ રહ્યો છે. 9 જૂનની સવારે આંતરરાષ્ટ્રીય રેફરી જગબીર સિંહના નિવેદન પછી સમાચાર આવ્યા કે દિલ્હી પોલીસ એક મહિલા રેસલર સાથે બ્રિજ ભૂષણના ઘરે પહોંચી છે. મહિલા પહેલવાન બ્રિજ ભૂષણના ઘરે પહોંચ્યા બાદ અટકળોનું બજાર ગરમ છે.
એબીપી ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે પોલીસનું એક વાહન સૌથી પહેલા બ્રિજ ભૂષણ શરણ સિંહના ઘરે પહોંચ્યું હતું. થોડીવાર પછી બીજી કાર આવી. કારનો કાચ કાળો હતો. આ કારણે અંદર કોણ છે તે જોવું મુશ્કેલ હતું. કાર જ્યારે ઘરની અંદર પહોંચી તો મહિલા રેસલર પોતાના સાથી સાથે નીચે ઉતરી હતી. ત્યાં 10-15 મિનિટ રોકાયા હતા અને પછી પરત ફર્યા હતા. કાર પાછળના દરવાજામાંથી અંદર પ્રવેશી હતી અને આગળના દરવાજાની બહાર નીકળી હતી.
આ પણ વાંચો – સરકારે 15 જૂન સુધીનો સમય માંગ્યો, રેસલર્સ સામે નોંધાયેલી બધી એફઆઈઆર પાછી ખેંચાશે
જગબીર સિંહે મીડિયામાં બ્રિજ ભૂષણ વિરુદ્ધ આપ્યું નિવેદન
અગાઉ ધ ઈન્ડિયન એક્સપ્રેસે જાણકારી આપી હતી કે દિલ્હી પોલીસની તપાસમાં બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે એક ઓલિમ્પિયન, કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા રેસલર્સ, એક આંતરરાષ્ટ્રીય રેફરી અને રાજ્ય સ્તરના કોચે જુબાની આપી છે. તેમણે ત્રણ મહિલા પહેલવાનોના આરોપોને સમર્થન આપ્યું છે. આ પછી શુક્રવારે સવારે આંતરરાષ્ટ્રીય રેફરી જગબીર સિંહે મીડિયામાં બ્રિજ ભૂષણ સામે નિવેદન આપ્યું હતું.
રેસલર્સે સ્પોર્ટ્સ મિનિસ્ટર સાથે મુલાકાત કરી હતી
આ મામલે વિરોધ કરી રહેલા રેસલર્સ અને સરકાર વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા મડાગાંઠનો બુધવારે અંત આવ્યો હતો. ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુર સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓ 15 જૂન સુધી પોતાના વિરોધ પ્રદર્શન રોકવા પર સંમત થયા હતા. સરકાર તરફથી આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ત્યાં સુધી દિલ્હી પોલીસ ચાર્જશીટ દાખલ કરશે. રેસલર્સ સામેની એફઆઈઆર પાછી ખેંચવામાં આવશે.