WTC Point Table: દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ હતી. આ ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડીઝને 40 રનથી પરાજય આપ્યો હતો અને આ ટેસ્ટ શ્રેણીમાં 1-0થી જીત મેળવી હતી. આ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ડ્રોમાં પરિણમી હતી. ટેમ્બા બાવુમાની કેપ્ટન્સી હેઠળની સાઉથ આફ્રિકાએ બીજી મેચમાં શાનદાર દેખાવ કર્યો હતો.
આ ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમે પાકિસ્તાનને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં પાછળ રાખી દીધું છે. હવે પાકિસ્તાનને બાંગ્લાદેશ વિરુદ્ધ 21 ઓગસ્ટથી રમાનારી બે મેચોની ટેસ્ટ શ્રેણીમાં પણ ભાગ લેવાનો છે અને આ ટીમને પણ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની સારી તક મળશે. સાઉથ આફ્રિકાની જીતની અસર ભારત પર પડી ન હતી અને આ ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે.
દક્ષિણ આફ્રિકા પાંચમાં સ્થાન પહોંચ્યું
વેસ્ટ ઈન્ડીઝ સામેની ટેસ્ટ શ્રેણી અગાઉ સાઉથ આફ્રિકા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને હતું. જોકે શ્રેણી જીત્યા બાદ આ ટીમ પાકિસ્તાનને પાછળ ધકેલીને ટેબલમાં પાંચમાં ક્રમે પહોંચી ગઈ છે. પાકિસ્તાનની ટીમ હવે છઠ્ઠા નંબર પર પહોંચી ગઈ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના ચક્રમાં દક્ષિણ આફ્રિકાએ અત્યાર સુધીમાં 6 માંથી 2 મેચ જીતી છે, જ્યારે 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે અને એક મેચ ડ્રો રહી છે. દક્ષિણ આફ્રિકાની જીતની ટકાવારી હવે 38.89 થઈ ગઈ છે. પાકિસ્તાનની જીતની ટકાવારી 36.66 છે.

આ પણ વાંચો – આઇપીએલ 2025માં વધી જશે 14% મેચ? ઘરેલું ટી 20 ટૂર્નામેન્ટમાં પણ થઇ શકે છે મોટો ફેરફાર
ભારતે પહેલા નંબર પર યથાવત્
ભારતની વાત કરીએ તો તે આ ટેબલમાં સતત નંબર વન પર યથાવત્ છે. ભારતે અત્યાર સુધી 9માંથી 6 મેચમાં જીત મેળવી છે, જ્યારે 2 મેચમાં પરાજય થયો છે અને એક મેચ ડ્રો રહી છે. ભારતની જીતની ટકાવારી 68.52 છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 62.50ની જીતની ટકાવારી સાથે બીજા સ્થાને છે. ન્યૂઝીલેન્ડ આ ટેબલમાં ત્રીજા નંબર પર છે, જેની જીતની ટકાવારી 50.00 છે. જ્યારે શ્રીલંકા ચોથા સ્થાન પર છે, જેની જીતની ટકાવારી 50.00 છે.