World Cup 2023 : વર્લ્ડ કપ 2023 રોમાંચક બની રહી છે. ટૂર્નામેન્ટની લગભગ દરેક મેચમાં રનનો વરસાદ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ઘણા મોટા રેકોર્ડ્સ તુટ્યા છે. ચોથી મેચમાં જ દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ કપનો સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. આ સિવાય અફઘાનિસ્તાને પ્રથમ વખત ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને સૌથી મોટો અપસેટ સર્જ્યો હતો. આ બધાની વચ્ચે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ પણ જોખમમાં હોય તેમ લાગી રહ્યું છે.
એક સિઝનમાં સૌથી વધુ રનનો રેકોર્ડ સચિનના નામે
અત્યાર સુધી વર્લ્ડ કપની એક જ સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને 2003માં વર્લ્ડ કપની 11 મેચમાં 61.18ની શાનદાર એવરેજથી 673 રન બનાવ્યા હતા. જેમાં 1 સદી અને 6 અડધી સદી ફટકારી હતી. ત્યારથી આ વર્લ્ડ રેકોર્ડ સચિનના નામે નોંધાયેલો છે.
મેથ્યુ હેડન અને રોહિત પણ આ યાદીમાં છે
સચિન તેંડુલકર પછી ઓસ્ટ્રેલિયાનો મેથ્યુ હેડન વિશ્વ કપની એક જ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન છે. તેણે 2007માં 659 રન બનાવ્યા હતા. આ યાદીમાં રોહિત શર્મા ત્રીજા સ્થાને છે. હિટમેને 2019માં 648 રન બનાવ્યા હતા. અત્યાર સુધી ઘણા ખેલાડીઓ આ રેકોર્ડની નજીક આવ્યા છે, પરંતુ કોઈ તેને તોડી શક્યું નથી.
આ પણ વાંચો – રોહિત શર્મા પાકિસ્તાન સામે સદી ચૂક્યો પરંતુ ધોની, ક્રિસ ગેલ અને કોહલીનો આ રેકોર્ડ તોડ્યો
આ ખેલાડીઓ સચિનના રેકોર્ડને તોડવા તરફ આગળ વધી રહ્યા છે
2023ના વર્લ્ડ કપમાં કેટલાક એવા ખેલાડીઓ છે જે સચિનનો આ વર્લ્ડ રેકોર્ડ તોડી શકે છે. રોહિત શર્મા અને ક્વિન્ટન ડી કોકના નામ મુખ્ય છે. આ બંને ખેલાડીઓએ અત્યાર સુધી શાનદાર બેટિંગ કરી છે. આમાં પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનનું નામ પણ સામેલ છે, પરંતુ છેલ્લી 2 મેચમાં રિઝવાન પોતાના લયથી ભટકતો જોવા મળ્યો છે.
રોહિત અને ડી કોક રેકોર્ડ તોડી શકે છે
દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી છે. તેણે અત્યાર સુધી 2 મેચમાં 2 સદી ફટકારી છે. ડી કોકના નામે 2 મેચમાં 209 રન છે. રોહિત શર્માના નામે 3 મેચમાં 217 રન છે. રોહિતે પણ સદી ફટકારી છે. જ્યારે મોહમ્મદ રિઝવાન હાલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે 3 મેચમાં 124.00ની એવરેજથી 248 રન બનાવ્યા છે. જેમાં 1 સદી સામેલ છે. આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીનો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર ડેવોન કોનવે (152)ના નામે છે.