Vinesh Phogat Disqualified in Paris Olympics 2024 : 12 માર્ચ 2024 ના રોજ પટિયાલામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સના બે હોલમાં હંગામો થયો હતો. કુસ્તીબાજ વિનેશ ફોગાટે 50 કિગ્રા અને 53 કિગ્રા બંને કેટેગરીમાં ભાગ લેવાનું પસંદ કર્યું હતું. તે પછી તે 50 કિગ્રામાં ટ્રાયલ જીતે છે અને 53 કિગ્રાના ટ્રાયલમાં ટોપ-4માં રહેશે. નિયમોની અસ્પષ્ટતાને કારણે વિનેશ ફોગાટને ખબર ન હતી કે તે કઈ કેટેગરીનો ભાગ બનશે. તેથી તેણે બે કેટેગરીમાં ભાગ લીધો હતો.
પાંચ મહિના બાદ જ વિનેશ ફોગાટના આ નિર્ણયથી તે 2024ના પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર કે ગોલ્ડ મેડલ જીતવાની ખૂબ જ નજીક પહોંચી ગઈ હતી. બાદમાં માત્ર 100 ગ્રામ વજન વધારે હોવાના કારણે આ સપનું તૂટી ગયું હતું. ફોગાટે 2016 માં રિયોમાં ઓલિમ્પિક ડેબ્યૂમાં 48 કિલોગ્રામ કેટેગરીમાં ભાગ લીધો હતો. તેણે 50 કિગ્રા વજન વર્ગમાં એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ જીત્યો હતો પરંતુ એક વર્ષ બાદ જ 2019ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 53 કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વજન ઓછું કરવાના સંઘર્ષના કારણે તેણે કેટેગરીમાં ફેરફાર કર્યો હતો.
વિનેશ ફોગાટે શા માટે પસંદ કરી 53 કિગ્રાની કેટેગરી
વજન ઉતારવાના સંઘર્ષથી બચવા માટે ફોગાટે એશિયન ગેમ્સ બાદ 53 કિગ્રાની કેટેગરી પસંદ કરી હતી. તેણે ટોક્યો ઓલિમ્પિક્સ પછી એક તબક્કે 55 કિલોગ્રામ વર્ગમાં કુસ્તી પણ કરી હતી. તેણે 2022ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 53 કિગ્રામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, પણ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના તત્કાલીન ચીફ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામેના આંદોલન બાદ ઘૂંટણની ઈજાના કારણે તેનું પુનરાગમન વિલંબમાં પડયું હતું.
અંતિમ પંઘાલે 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો
આ દરમિયાન અંતિમ પંઘાલે 2023ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જેના કારણે ભારતને 53 કિગ્રાની કેટેગરીમાં પેરિસ ઓલિમ્પિક માટેનો ક્વોટા મળ્યો હતો. કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયાના નિયમ અનુસાર ક્વોટા વિજેતાને ઓલિમ્પિક માટે લીલી ઝંડી મળી હતી. હવે વિનેશ ફોગાટ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. એ વખતે ભારતમાં કુસ્તીનું સંચાલન એડ-હોક કમિટી દ્વારા કરવામાં આવતું હતું. તેમણે તેને વચન આપ્યું હતું કે 53 કિલોગ્રામ વર્ગ માટે ટ્રાયલ થશે. પરંતુ આવું ભાગ્યે જ થઇ શક્યું હોત કારણે કુસ્તી ફેડરેશનની ચૂંટણી થઈ ગઈ હતી. સંજય સિંહ નવા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
આ પણ વાંચો – 140 કરોડની આશા પર 100 ગ્રામે પાણી ફેરવ્યું, વિનેશ ફોગાટે વજન ઘટાડવા લોહી કઢાવ્યું, વાળ કપાવ્યા
50 કિગ્રા વર્ગ કે 57 કિગ્રા વર્ગનો વિકલ્પ
12 માર્ચ આવી ગઈ હતી. વિનેશ ફોગાટનું માનવું હતું કે ડબલ્યુએફઆઈની વાપસથી તેને 53 કિગ્રાની કેટેગરીમાં ઓલિમ્પિકમાં ભાગ લેવાની તક નહીં મળે. તેની પાસે 50 કિગ્રા કેટેગરી અથવા 57 કિગ્રાની પસંદગી હતી. તેણે 50 કિગ્રા પસંદ કર્યું હતું. તેણે છેલ્લે 2018માં આ કેટેગરીમાં ભાગ લીધો હતો. આને લઇને વિનેશ ફાગોટે કહ્યું હતું કે 53 કિગ્રા ક્વોટા માટેના ટ્રાયલ્સ વિશે મારી પાસે કોઈ સ્પષ્ટતા ન હતી. સામાન્ય રીતે ક્વોટા દેશને મળે છે, પરંતુ તેમણે અગાઉ ટ્રાયલ લીઘા ન હતા. તેઓએ (એડહોક કમિટી) કહ્યું કે આ વખતે એવું નહીં થાય. મારે ઓલિમ્પિકમાં ભાગ લેવાનો હોવાથી મારી પાસે તે સિવાય કોઈ વિકલ્પ ન હતો.
સતત બે દિવસ સુધી વજન 50 સુધી રાખવું ખૂબ જ મુશ્કેલ છે.
વિનેશ ફોગાટનું વજન સામાન્ય રીતે 55-56 કિલોની આસપાસ હોય છે. સતત બે દિવસ સુધી વજન 50 સુધી રાખવું એકદમ મુશ્કેલ છે. આ જ કારણે યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગના પ્રેસિડેન્ટ નેનાદ લાલોવિકે કહ્યું કે આ કોઈ એક કિલોનો મામલો નથી પણ 100 ગ્રામના આંક સુધી પહોંચવા માટે તેણે પહેલેથી જ ઘણું વજન ઘટાડવું પડ્યું હતુ, જેના કારણે સમસ્યા સર્જાઈ હતી.
(ઇન્પુટ – શશાંક નાયર)