IND vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. બીસીસીઆઈએ આ શ્રેણીની પ્રથમ મેચ માટે જ ટીમની જાહેરાત કરી હતી. હવે પહેલી મેચમાં મળેલી હારને કારણે BCCIએ મોટો નિર્ણય લીધો છે અને પોતાની ટીમમાં માત્ર એક ફેરફાર કર્યો છે. ટીમ ઈન્ડિયાએ બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ માટે વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કર્યો છે. આ સિવાય અન્ય કોઈ ખેલાડીને બહાર કરવામાં આવ્યા નથી.
સુંદરને તક કેમ મળી?
ભારતીય ટીમે શ્રેણીની બાકીની બે મેચો માટે પોતાના સ્પિન યુનિટને વધુ મજબૂત બનાવ્યો છે. સિરીઝની બીજી મેચ પૂણેમાં અને ત્રીજી મેચ મુંબઈમાં રમાશે. કેટલાક અહેવાલો અનુસાર, એવું માનવામાં આવે છે કે પૂણેમાં યોજાનારી મેચ કાળી માટી પર રમાશે. જ્યાં સ્પિન બોલરોનું વધુ વર્ચસ્વ હોવાની અપેક્ષા છે. આ જ કારણ છે કે બીસીસીઆઈએ સુંદરને આ શ્રેણીની બાકીની બે મેચ માટે તક આપી છે. સુંદરે ભારતીય ટીમ માટે છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2021માં ઈંગ્લેન્ડ સામે રમી હતી.
પ્રથમ મેચમાં હાર
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચની વાત કરીએ તો આ મેચમાં ટીમ ઈન્ડિયાને 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ન્યુઝીલેન્ડે 402 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે બીજા દાવમાં શાનદાર વાપસી કરી હતી અને 462 રન બનાવ્યા હતા. આ સાથે ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને જીતવા માટે 107 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો કિવી ટીમે ખૂબ જ સરળતાથી ટાર્ગેટ હાસલ કરી લીધો હતો.
ન્યુઝીલેન્ડ સામેની બીજી અને ત્રીજી મેચ માટે ટીમ ઈન્ડિયાની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, રીષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, વોશિંગ્ટન સુંદર