એશિયા કપ 2025 બાદ શ્રેયસ અય્યર ભારતીય વન ડે ટીમનો કેપ્ટન બની શકે છે. એશિયા કપ 2025 બાદ રોહિત શર્મા પાસેથી વન-ડેની કેપ્ટનશિપ પરત લીધા બાદ બીસીસીઆઈ ટીમ ઈન્ડિયાની કમાન શ્રેયસ અય્યરને સોંપી શકે છે. શુભમન ગિલને આ જવાબદારીથી દૂર રાખવામાં આવી શકે છે કે જેથી તે ટેસ્ટ કેપ્ટનશિપ પર ધ્યાન આપી શકે.
ભારતીય ક્રિકેટમાં ચડાવ-ઉતાર આવતા રહે છે. ટી-20, વન ડે અને ટેસ્ટ ત્રણેય ફોર્મેટમાં રમવાનું દરેક ખેલાડીઓ માટે કપરુ છે. ભારતીય ક્રિકેટનું નેતૃત્વ માળખું પણ પરિવર્તનના આરે છે. ટૂંક સમયમાં આમાં મોટો ફેરફાર થઈ શકે એમ છે.
અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ શુભમન ગિલને ટી-20 ટીમના વાઈસ કેપ્ટન તરીકે પસંદ કરતાં એશિયા કપમાં જનારી ટી-20 ટીમનો કેપ્ટન બનાવવાના સંકેત આપ્યાના એક દિવસ બાદ એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતીય ક્રિકેટ બોર્ડ રોહિત શર્મા પાસેથી વન ડેની કેપ્ટન્સી કોઇ યુવા ખેલાડીને સોંપવાની યોજના ધરાવે છે.
અહેવાલ મુજબ બીસીસીઆઈ મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરને ભારતની વનડે ટીમનો આગામી કેપ્ટન બનાવવા પર વિચાર કરી રહ્યું છે. જો કે હજુ સુધી કોઇ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી.
શ્રેયસ અય્યરને બીસીસીઆઈના પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ દ્વારા લાંબા ગાળાના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે. તેમનું નેતૃત્વ સંભવત: 2027 ના વનડે વર્લ્ડ કપ સુધી ચાલુ રહી શકે છે.
શ્રેયસ અય્યર: વન-ડે કેપ્ટનશીપનો પ્રબળ દાવેદાર
મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ નિર્ણય એશિયા કપ (સપ્ટેમ્બર-ઓક્ટોબર 2025) બાદ લેવામાં આવશે. એશિયા કપ 9 થી 28 સપ્ટેમ્બર 2025 દરમિયાન રમાશે.
એશિયા કપ માટે ભારતની ટી-20 ટીમના દાવેદારોમાં શ્રેયસ અય્યરનો પણ સમાવેશ થતો હતો, પરંતુ 15 સભ્યોની ટીમની મર્યાદાઓને કારણે તે ટીમમાં સ્થાન મેળવી શક્યો નહોતો.
શ્રેયસ અય્યરનો તાજેતરનો દેખાવ નોંધપાત્ર રહ્યો છે, ખાસ કરીને ચેમ્પિયન્સ ટ્રોફીમાં શ્રેયસ અય્યરે 5 મેચમાં 15, 56, 79, 45, 48 મળી કૂલ 243 રન બનાવ્યા હતા. તેની વન-ડે કારકિર્દીની સરેરાશ 48.22 રનની છે.
રોહિત અને વિરાટ 2027 સુધી રમી શકશે?
રોહિત અને વિરાટ કોહલી બંનેને તેમના વન-ડે ક્રિકેટ અંગે નિર્ણય લેવાની છૂટ આપવામાં આવશે. પસંદગીકારો પણ રોહિતને કેપ્ટનશીપના બોજમાંથી મુક્ત કરવા માગે છે.
એવું તે શું થયું કે ICC એ વન ડે રેન્કિંગમાંથી રોહિત વિરાટને બહાર કર્યા
એવા અહેવાલો છે કે રોહિત અને વિરાટ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેમની છેલ્લી વનડે રમી શકે છે. 36 વર્ષીય વિરાટ કોહલી અને 38 વર્ષીય રોહિત શર્મા આગામી 2027 ના વનડે વર્લ્ડ કપ સુધી રમવાનું ચાલુ રાખી શકશે કે કેમ? એ ચર્ચાનો મુદ્દો છે.