પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ (Shahid Afridi) 17 વર્ષ જૂના એક મામલા પર રહસ્ય ખોલીને બધાને ચોંકાવી દીધા છે. પિચ સાથે છેડછાડનો (Pitch Tampering)મામલો શાહિદ આફ્રિદી સાથે જોડાયેલો છે. જેમાં શોએબ મલિક પણ સામેલ હતો. આ રહસ્ય વિશે હવે આફ્રિદીએ ખુલાસો કર્યો છે.
પાકિસ્તાનની સમા ટીવી ચેનલ સાથે વાતચીત કરતા આફ્રિદીએ જણાવ્યું કે તે એક ઘણી સારી શ્રેણી હતી. ફૈસલાબાદમાં ટેસ્ટ મેચ રમાઇ રહી હતી. વિશ્વાસ કરો કે તે ટેસ્ટમાં ના તો બોલ ટર્ન થઇ રહ્યો હતો કે ના બોલ સ્વિંગ કે સીમ થઇ રહ્યો હતો. મેચ બોરિંગ થતી જતી હતી. હું પોતાની બધી તાકાત લગાવી રહ્યો હતો પણ કશું થઇ રહ્યું ન હતું. આ પછી અચાનક એક ગેસ સિલિન્ડર ફાટ્યો હતો અને બધાનું ધ્યાન તે તરફ ગયું હતું. ત્યારે મે શોએબ મલિકને કહ્યું હતું કે મારું દિલ ઇચ્છે છે કે હું અહીં ખાડો કરી દઉં. જેથી બોલ તો ટર્ન થાય.
આફ્રિદીએ કહ્યું કે શોએબે મને કહ્યું હતું કે કરી દે કોઇ જોઇ રહ્યું નથી. તો મેં કરી દીધું હતું. આ પછી જે બન્યું તે ઇતિહાસ બની ગયો. જ્યારે હું આ મામલાને યાદ કરું છું તો અનુભવ થાય છે કે તે એક ભૂલ હતી.
17 વર્ષ પહેલા ઇંગ્લેન્ડની ટીમ પાકિસ્તાનના પ્રવાસે હતી. ફૈસલાબાદ ટેસ્ટ દરમિયાન એક ગેસ સિલેન્ડર વિસ્ફોટ થયો હતો. બધાની નજર તે તરફ હતી. આ દરમિયાન આફ્રિદી પોતાના શૂઝથી પિચ ખરાબ કરતો જોવા મળ્યો હતો. તે સમયે આ મામલો ઘણો ચર્ચામાં રહ્યો હતો. ત્યારે આફ્રિદી પર એક ટેસ્ટ અને બે વન-ડે મેચનો પ્રતિબંધ મુકાયો હતો. આ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.