આઈપીએલ 2023માં ગુરુવારે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલો થશે. બન્ને આ સિઝનમાં એક-એક મેચ રમ્યા છે. જેમાં આરસીબીએ શાનદાર જીત મેળવી છે. બીજી તરફ કેકેઆરનો પ્રથમ મેચમાં પરાજય થયો છે.
આરસીબીનો 14 મેચમાં વિજય
આઈપીએલમાં કેકેઆર અને આરસીબી વચ્ચે અત્યાર સુધી 30 મેચો રમાઇ છે. જેમાં બન્નેનું સમાન પ્રભુત્વ જોવા મળ્યું છે. કેકેઆરનો 16 મેચમાં વિજય થયો છે. જ્યારે આરસીબીનો 14 મેચમાં વિજય થયો છે. હાઇએસ્ટ સ્કોરની વાત કરવામાં આવે તો કેકેઆરનો 222 રન છે. જ્યારે આરસીબીનો કેકેઆર સામે બેસ્ટ સ્કોર 213 રન છે.
બન્ને વચ્ચે રમાયેલી મેચમાં લોએસ્ટ સ્કોરની વાત કરવામાં આવે તો આરસીબીનો લોએસ્ટ સ્કોર 49 રન છે. બીજી તરફ કેકેઆરનો ન્યૂનતમ સ્કોર 84 રન છે. 2022ની સિઝનમાં બન્ને વચ્ચે એક મુકાબલો થયો હતો. જેમાં આરસીબીનો 3 વિકેટે વિજય થયો હતો.
આ પણ વાંચો – આઈપીએલ 2023 : આ ખેલાડીને કોલકાતા નાઇટ રાઇડર્સે 2.8 કરોડમાં ખરીદ્યો, મિની હરાજીમાં રહ્યો હતો અનસોલ્ડ
કોહલી-પ્લેસિસ શાનદાર ફોર્મમાં
આરસીબીની ટીમ શાનદાર ફોર્મમાં છે. પ્રથમ મેચમાં કોહલી અને પ્લેસિસે શાનદાર રમત બતાવતા અડધી સદી ફટકારી હતી. મુંબઈ જેવી મજબૂત ટીમ સામે આસાન વિજય મેળવ્યો હતો. વિરાટ કોહલીએ અણનમ 82 અને પ્લેસિસે 73 રન બનાવ્યા હતા. બીજી તરફ કેકેઆરનો પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સ સામે ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે પરાજય થયો હતો. વરસાદ ના પડ્યો હોત તો પરિણામ અલગ પણ આવી શક્યું હોત. કેકેઆર ટીમનો આન્દ્રે રસેલ અને નીતિશ રાણા પર વધારે મદાર છે.
ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમનો રેકોર્ડ
આઈપીએલમાં ઇડન ગાર્ડન્સ પર સૌથી વધારે ટ્રેન્ડ રન ચેઝ કરવાનો રહ્યો છે. ઇડન ગાર્ડન્સ પર અત્યાર સુધી કુલ 77 મેચો રમાઇ છે. જેમાં 45 વખત બીજી બેટિંગ કરનારી ટીમે જીત મેળવી છે. જ્યારે 31 વખત પ્રથમ બેટિંગ કરનાર ટીમે મેળવી છે. એક મેચ અનિર્ણિત રહી હતી.