(નીતિન શર્મા) વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિરિઝની હરાજીમાં ઘણા મહિલા ક્રિકેટરને તગડ રકમમાં વિવિધ ક્રિકેટ ટીમોના ઓનરોએ ખરીદ્યા છે. જેમાં વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ભારતીય ફોસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુરને ખરીદવા માટે 1.5 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. તે સમયે રેણુકાની માતા સુનીતા ઠાકુર અને ભાઈ વિનોદ ઠાકુર હિમાચલ પ્રદેશના રોહરુ જિલ્લામાં તેમના ગામ પરસામાં હતા.
બાળપણમાં જ ગુમાવી દીધી પિતાની છત્રછાયા
ક્રિકેટર રેણુકા સિંહનું બાળપણ ઘણી મુશ્કેલીઓ વચ્ચે વિત્યું છે. તેમણે નાનપણમાં પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. તેમના પિતાનું નામ પિતા કેહર સિંહ છે. સુનીતાએ હિમાચલ સિંચાઈ વિભાગ અને જાહેર આરોગ્ય વિભાગના ચોથા વર્ગના કર્મચારી તરીકે પણ કામગીરી કરી છે. હવે જ્યારે 27 વર્ષીય ફાસ્ટ બોલરે પ્રથમ WPL હરાજીમાં સફળ બિડ જીતી લીધી છે, ત્યારે સુનીતા પરિવારનો તેમણે ગુજારેલા મુશ્કેલીભર્યા સમયને યાદ કરે છે.
ક્રિકેટ પ્રત્યેની મહેનત અને લગનનું ફળ મળ્યું
રેણુકા સિંહ હિમાચલ પ્રદેશના પારસા ગામની રહેવાસી છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત કરતા રેણુકા સિંહની માતા સુનીતા ઠાકુરે કહ્યું કે, “રેણુકા સિંહે જે કંઈપણ હાંસલ કર્યું છે તે તેની મહેનત અને રમત પ્રત્યેના જુસ્સાનું ફળ છે. જ્યારે તે નાની હતી, ત્યારે તે હંમેશા તેના ભાઈ સાથે નાળાની નજીક ગામના મેદાનમાં જતી અને છોકરાઓની ટીમમાં રમતી. મારા પતિના મૃત્યુ બાદ અમે ઘણી આર્થિક મુશ્કેલીનો સામનો કર્યો છે.’
સુનીતા ઠાકુર જણાવે છે કે, “…પરંતુ મેં મારી દીકરીના ક્રિકેટના સપનામાં ક્યારેય આર્થિક તંગીને અવરોધરૂપ બનવા દીધા નથી. તે હંમેશાથી IPL ક્રિકેટ મેચ રસપૂર્વક જોતી હતી. હવે તેને WPLની કોઇ ટીમમાં રમતી જોવાનું અમારું સ્વપ્ન સાકાર થશે. રેણુકા તેની શાળાના સમય વચ્ચે સવાર-સાંજ ગામના છોકરાઓ સાથે પ્રેક્ટિસ કરતી હતી.
2019માં 23 વિકેટ ઝડપીને પ્રસિદ્ધી મેળવી
કાકા ભૂપિન્દર સિંહ ઠાકુરે રેણુકાને ધર્મશાલામાં HPCA એકેડમી માટે ટ્રાયલ આપવાની સલાહ આપી. ત્યારબાદ રેણુકાએ એકેડમીમાં તાલીમ લીધી અને 2019 BCCI મહિલા ODI ટ્રોફીમાં 23 વિકેટ ઝડપી અને ટોચની વિકેટ લેનાર બોલર તરીકે ઉભરી આવી.
રેણુકાએ છેલ્લા ત્રણ વર્ષોમાં બર્મિંગહામમાં 2022 કોમનવેલ્થ ગેમ્સ સહિત 7 મહિલા વનડે અને 28 મહિલા ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં રેણુકાએ 2-2 વખત 4-4 વિકેટ સહિત કુલ 11 વિકેટ લીધી હતી. સુનીતા ઠાકુર કહે છે, “જ્યારે તેણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું, ત્યારે તે છોકરાઓ સાથે રમવા માટે હંમેશા ઘરેથી અથવા પડોશમાંથી જે પણ મળતું હતું તે લઈ જતી હતી જેમ કે લાકડાની લાકડી અથવા પ્લાસ્ટિક બેટ.”
બેટ-બોલ ન હોવાથી બેટિંગ કે બોલીંગ મળતી ન હતી
સુનીતા ઠાકુરે કહ્યું, “ક્યારેક તે રડતી રડતી ઘરે પાછી આવી હતી કારણ કે તેની પાસે બેટ-બોલ ન હોવાના લીધે તેને બેટિંગ કે બોલિંગ કરવાની તક મળતી ન હતી. પરંતુ જ્યારે તેણે ગામડાની ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું, ત્યારે તે નવુ બેટ કે બોલ સાથે લઇને આવી. તે હંમેશા કોઇને કોઇને ટ્રોફી જીતને આવી હતી. તેની વિવિધ ટ્રોફી હજી પણ ઘરના એક નાના કબાટમાં સચવાયેલી છે.
સુનીતા ઠાકુરે જણાવ્યુ કે, “જ્યારે તે કોમનવેલ્થ ગેમ્સ (CWG) માંથી સિલ્વર મેડલ લઈને ઘરે પરત આવી ત્યારે તેણે નક્કી કર્યું કે ગામની છોકરીઓ મેડલ જુએ. સાઉથ આફ્રિકામાં વર્લ્ડ કપ માટે રવાના થતા પહેલા તે ઘરે આવી અને તેણે ગામની છોકરીઓને પોતાની કેટલીક ટીશર્ટ આપી. વુમન્સ પ્રીમિયર લીગમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમનો હિસ્સો બની છે અને મને ખાતરી છે કે વધુને વધુ છોકરીઓ ટીવી પર તેને જોઈને પ્રેરિત થશે.’
આ પણ વાંચોઃ સ્મૃતિ મંધાના ક્રિકેટની સાથે સાથે કારની પણ શોખીન છે, જુઓ કાર ક્લેક્શન
હરાજીમાં મળેલા નાણાંથી હવે પરિવાર માટે નવું ઘર બનાવશે
રેણુકા સિંહને 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ હિમાચલ સરકારે જાહેર કરેલા બે કરોડ રૂપિયા હજી પણ મળ્યા નથી. સુનીતા સિંહ તેની પુત્રી સાથે હરાજીમાં મેળવેલા રૂપિયા ખર્ચવા વિશે વાત કરે છે. તેમણે કહ્યું કે, ‘અમે હમણાં જ રેણુકા સાથે વાત કરી હતી. તે ફ્રેન્ચાઇઝી માટે રમવા માટે ઉત્સાહિત હતી. જેમાં તેની મેન્સ ટીમનો પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી છે. તેમણે ઉમેર્યું, WPLમાંથી મળનાર રૂપિયાથી હવે પરિવાર માટે નવું ઘર બનાવશે.