ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી WTC ફાઇનલ મેચમાં એક રસપ્રદ ઘટના સામે આવી છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર માર્નસ લેબુશેન ભાઇ સાહેબે ચાલુ મેચ દરમિયાન લંબાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાની બેટિંગ ચાલી રહી હતી ત્યારે બેટિંગની રાહ જોઇ રહેલ માર્નસ લેબુશેન પેડ પહેરી પવેલિયન બાલ્કનીમાં સૂઇ ગયો હતો. પરંતુ મોહમ્મજ સિરાજે ઊંઘમાં ખલેલ પાડી હતી. માર્નસ લેબુશેનનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
ઇંગ્લેન્ડના ઓવલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમાઇ રહી છે. મેચના ત્રીજા દિવસે જ્યારે ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગ રમી રહ્યું હતું ત્યારે માર્નસ લેબુશેન ઉંઘતો કેમેરામાં કેદ થયો હતો. તે ડ્રેસિંગ રૂમની બાલ્કનીમાં ખુરશીમાં સૂઈ ગયો હતો.
ત્રીજા દિવસની રમત ચાલી રહી હતી ત્યારે ચાલુ મેચ દરમિયાન સૂઈ રહેલા માર્નસ લેબુશેનની ઊંઘમાં મોહમ્મદ સિરાજે ખલેલ પાડી હતી. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નરને મોહમ્મદ સિરાજે આઉટ કરતાં મેદાનમાં ઉપસ્થિત પ્રક્ષકોએ ખુશીનો શોર કરતાં માર્નસ લેબુશેનની આંખ એકદમ ખુલી ગઇ હતી અને હાથમાં બેટ લઇ મેદાનમાં આવ્યો હતો.
માર્નસ લેબુશેનની ઊંઘની ક્ષણો કેમેરામાં કેદ થયેલી મોમેન્ટ અંગે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ તસવીર ટ્વિટ કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું કે, ડ્રિમીંગ અબાઉટ અ સેન્ચ્યુરી… બાદમાં આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતાં માર્નસ લેબુશેને કહ્યું હતું કે, બેટિંગ વચ્ચે વિરામ દરમિયાન હું આંખોને આરામ આપું છું.
અહીં નોંધનિય છે કે, ટોસ જીતી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટીંગ લીધી હતી અને પ્રથમ દાવમાં 469 રન કર્યા હતા અને બીજી ઇનિંગમાં 270 રને દાવ ડિકલેર કર્યો હતો.