IPL 2025: આઈપીએલની આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ ટીમની હાલત ખૂબ જ ખરાબ છે અને આ ટીમ અત્યાર સુધી 9 માંથી 7 મેચ હારી ચૂકી છે. આ ટીમના માત્ર 4 પોઇન્ટ છે અને આ ટીમ હાલમાં પોઇન્ટ ટેબલમાં 8માં સ્થાને છે. આ સિઝનમાં રાજસ્થાનને હવે 5 લીગ મેચ રમવાની છે, પરંતુ શું હવે તે પ્લેઓફમાં પહોંચી શકશે, આ એક મોટો સવાલ છે.
રાજસ્થાનની પ્લેઓફમાં પહોંચવાની સંભાવના શું છે?
કોઈપણ ટીમને પ્લેઓફમાં પહોંચવા માટે 16 પોઇન્ટની જરૂર હોય છે, પરંતુ રાજસ્થાનની હાલની સ્થિતિમાં આ ટીમ 16 પોઇન્ટ મેળવી શકશે નહીં. રાજસ્થાનના હાલ 4 પોઇન્ટ છે અને આગામી 5 મેચમાં જીતશે તો પણ તેને 10 પોઇન્ટ મળશે અને ઓવરઓલ આ ટીમના 14 પોઇન્ટ થઇ જશે.
હવે સવાલ એ ઉભો થાય છે કે શું કોઈ ટીમ 14 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચી શકે છે. આમ જોવા જઈએ તો આઇપીએલમાં ઘણી વખત પરિસ્થિતિ એવી બની ચૂકી છે કે 14 પોઇન્ટ મેળવનારી ટીમો પણ પ્લેઓફમાં પહોંચી ગઇ છે, પરંતુ દર વખતે એવું થતું લાગતું નથી. ચાલો હવે જાણીએ કે રાજસ્થાનની પ્લેઓફમાં પહોંચવાની સંભાવના કેટલી છે.
આ પણ વાંચો – આઈપીએલ 2025માં આ ટીમ મેચ ફિક્સિંગના ઘેરામાં! જાણો કોણે લગાવ્યો આવો ગંભીર આરોપ
રાજસ્થાન રોયલ્સ 8 માં નંબરે
આઇપીએલ 2025માં 42 મેચના અંત બાદ ગુજરાત ટાઇટન્સ હાલ પ્રથમ સ્થાને છે, જ્યારે દિલ્હી બીજા અને આરસીબી ત્રીજા સ્થાને છે. આ ત્રણેય ટીમોના 12-12 પોઈન્ટ છે અને આ ત્રણેય ટીમો હાલની પરિસ્થિતિ પ્રમાણે પ્લેઓફની સૌથી પ્રબળ દાવેદાર છે. આ ઉપરાંત આ રેસમાં મુંબઈ, લખનઉ અને પંજાબ પણ છે, જેમના 10-10 પોઈન્ટ છે. હવે પોઈન્ટ ટેબલની હાલની પરિસ્થિતિને જોતા રાજસ્થાન માટે વધારે તક દેખાતી નથી કારણ કે આ તમામ ટીમો તેમના કરતાં ઘણી સારી સ્થિતિમાં છે.

રાજસ્થાને જીત સાથે રનરેટમાં સુધારો કરવો જરુરી
જોકે ક્રિકેટમાં કંઈ પણ થઈ શકે છે અને જો ટોચની ટીમો સાથે મોટો અપસેટ સર્જાય અને તેમને સતત હારનો સામનો કરવો પડે તો પરિસ્થિતિ બદલાઈ શકે છે, પણ આ માટે રાજસ્થાને પણ પોતાની બાકીની તમામ મેચો જીતવી પડશે. રાજસ્થાને માત્ર જીતવું જ નહીં પડે તેની રનરેટમાં પણ સુધારો કરવો પડશે. આ ટીમ પાસે હજુ 14 પોઈન્ટ મેળવવાની તક છે અને તેણે પ્રાર્થના કરવી પડશે કે, અન્ય ટીમોનો પરાજય થાય.