scorecardresearch
Premium

IPL 2025 Final: આઈપીએલ 2025 ફાઇનલમાં વરસાદ પડશે તો કેવી રીતે થશે ચેમ્પિયન ટીમનો નિર્ણય, જાણો નિયમ

IPL 2025 Final RCB vs PBKS : આઇપીએલ 2025ની ફાઇનલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સ વચ્ચે 3 જૂન 2025 ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જો આ મેચમાં વરસાદ પડશે તો કોણ ચેમ્પિયન બનશે તે અહીં જણાવી રહ્યા છીએ

rain forecast, IPL 2025 Final RCB vs PBKS, આઈપીએલ ફાઇનલમાં વરસાદની સંભાવના
અમદાવાદમાં આઈપીએલની બીજી ક્વોલિફાયરમાં વરસાદને કારણે આશરે ત્રણ કલાક સુધી રમતમાં વિઘ્ન સર્જાયું હતું (તસવીર – આઈપીએલ ટ્વિટર)

IPL 2025 Final RCB vs PBKS : આઇપીએલ 2025ની ફાઇનલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) અને પંજાબ કિંગ્સ વચ્ચે 3 જૂન 2025 ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ વખતે ટૂર્નામેન્ટમાં નવી ચેમ્પિયન ટીમ જોવા મળશે, કારણ કે બંને ટીમો પ્રથમ વખત ટાઇટલ જીતવાના ઉંબરે છે. બંને ટીમો આઇપીએલની પ્રથમ સિઝનથી જ ભાગ લઇ રહી છે, પરંતુ હજુ સુધી તેમને ટ્રોફી મળી નથી.

જો કે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 3 જૂને અમદાવાદમાં વરસાદની સંભાવના છે. જો વરસાદ પડશે તો કોણ ચેમ્પિયન બનશે અને આવી સ્થિતિમાં ફાઇનલ મેચ માટે રિઝર્વ ડેના નિયમો શું છે, આવો જાણીએ.

પંજાબ અને આરસીબીની સફર

પંજાબ કિંગ્સ અને આરસીબીએ લીગ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કરીને પોઇન્ટ ટેબલમાં અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાન પર કબજો જમાવ્યો હતો. પ્રથમ ક્વોલિફાયરમાં આરસીબીએ પંજાબ કિંગ્સને હરાવ્યું હતું. આ હાર બાદ પંજાબે બીજી ક્વોલિફાયર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ જેવી મજબૂત ટીમને 5 વિકેટે હરાવીને ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. આ મેચમાં શ્રેયસ ઐયરની 87 રનની શાનદાર ઈનિંગે પંજાબને જીત અપાવી હતી.

બીજી ક્વોલિફાયરમાં વરસાદને કારણે આશરે ત્રણ કલાક સુધી રમતમાં વિઘ્ન સર્જાયું હતું અને લાગતું હતું કે આ મેચ રદ થઈ શકે છે. ક્વોલિફાયર્સમાં રિઝર્વ ડેની જોગવાઈ ન હોવાથી જો મેચ રદ થાય તો પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેવાને કારણે પંજાબ કિંગ્સને ફાઈનલની ટિકિટ મળી જાત. પણ ફાઈનલમાં આવી સ્થિતિમાં ટ્રોફીનો નિર્ણય કેવી રીતે લેવાશે?

આ પણ વાંચો – નીતા અંબાણી અને PBKS ની બોસ પ્રીતિ ઝિન્ટા IPL ની એક મેચમાંથી કેટલું કમાય છે? જાણો આંકડા

અમદાવાદમાં વરસાદની સંભાવના

હવામાનની આગાહી મુજબ 3 જૂન, 2025 ના રોજ અમદાવાદમાં વરસાદની 20% સંભાવના છે. સવારે વરસાદની સંપૂર્ણ સંભાવના છે અને વરસાદ મેચ દરમિયાન પણ રમત બગાડી શકે છે.

વરસાદ પડે તો શું છે આઈપીએલનો નિયમ

વરસાદની સંભાવનાની સાથે સાથે બીસીસીઆઇના નિયમો પણ સમજી લઇએ. આઇપીએલની ફાઇનલમાં જો વરસાદ રમતમાં વિક્ષેપ પાડે છે તો તેના માટે 120 મિનિટ એટલે કે લગભગ બે કલાકનો વધારાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. જો વરસાદ થોડા સમય માટે હશે તો મેચ પૂરી 20 ઓવરમાં રમાશે, પછી ભલેને તેમાં થોડો વધુ સમય લાગે.

જો બે કલાકથી વધુ વરસાદ ચાલુ રહેશે તો ઓવરોની સંખ્યા ઘટી જશે. આમ છતાં બીસીસીઆઇ ઓછામાં ઓછી 5 ઓવર રમવાની પૂરી કોશિશ કરશે, જેથી વધુ સારું પ્રદર્શન કરનારી ટીમને ચેમ્પિયન જાહેર કરી શકાય.

આઈપીએલ 2025 ની ફાઇનલમાં રિઝર્વ ડે નો નિયમ

આરસીબી અને પંજાબ કિંગ્સ વચ્ચે ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે છે. જો વરસાદના કારણે 3 જૂને મેચ શરૂ ના થાય કે પૂર્ણ ના થાય તો 4 જૂને રમતનું આયોજન કરવામાં આવશે. જોકે રિઝર્વ ડેના દિવસે પણ વરસાદ પડે તો સુપર ઓવર કરાવવાનો ટ્રાય કરાશે. જો તે પણ શક્ય ના હોય તો પોઇન્ટ ટેબલના આધારે વિજેતા જાહેર કરવામાં આવશે.

Web Title: Ipl 2025 final rcb vs pbks narendra modi stadium rain reserve day rules ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×