IPL 2023 Mini Auction: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 પહેલા મિની ઓક્શન 23 ડિસેમ્બરે યોજાશે. તેના પર દુનિયાભરના ક્રિકેટરોની નજર છે. તેને લઇને ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ વન-ડે દરમિયાન ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન જોશ બટલરે કંગારુ ઓલરાઉન્ડર કેમરુન ગ્રીનની મજા લીધી હતી. ગ્રીન ફક્ત 23 વર્ષનો છે પણ તેણે પોતાના પ્રદર્શનથી ઘણા પ્રભાવિત કર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ફ્રેન્ચાઇઝી તેને લેવા એડી ચોટીનું જોર લગાવશે.
ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સની 41મી ઓવરની ઘટના
ઇંગ્લેન્ડ સામેની મેચમાં ગ્રીને અણનમ 20 રનની ઇનિંગ્સ રમી હતી. પાંચમી વિકેટ માટે સ્ટિવ સ્મિથ (અણનમ 80) સાથે 47 રનની ભાગીદારી કરી હતી. ઘટના ઓસ્ટ્રેલિયાના ઇનિંગ્સની 41મી ઓવરમાં બની હતી. ગ્રીન ક્રિઝ પર આવ્યો જ હતો. લેફ્ટ આર્મ સ્પિનર લિયામ ડોસન બોલિંગ કરી રહ્યો હતો. ઓવરના ત્રીજા બોલે ગ્રીન આગળ નીકળ્યો પણ પિચ સુધી પહોંચી શક્યો ન હતો. બેટથી કિનારો લઇને બોલ પેડ પર ટકરાયો હતો. ડોસનના હાથમાં કેચ જઇ શકતો હતો.
આ પણ વાંચો – હું બ્રેક લેવામાં વિશ્વાસ રાખતો નથી, રવિ શાસ્ત્રીએ રાહુલ દ્રવિડ પર કર્યો પ્રહાર
મોટી હરાજી આવી રહી છે
વિકેટ પાછળ રહેલા ઇંગ્લેન્ડના કેપ્ટન જોશ બટલરે ગ્રીનને લઇને કહ્યું કે ડોસ કોઇને શોટ રમવાનો પ્રયત્ન કરતા જોઈને સારું લાગી રહ્યું છે. ચહેરા પર હાસ્ય સાથે ગ્રીને બીજો બોલ ડિફેન્ડ કર્યો હતો. આ પછી બટલરે કહ્યું કે મોટી હરાજી આવી રહી છે ડોસ. આ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
ઓસ્ટ્રેલિયાએ 1-0થી લીડ મેળવી
ડેવિડ વોર્નર અને સ્ટિવ સ્મિથની અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ 46.5 ઓવરમાં 4 વિકેટે 291 રન બનાવી ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી છે. બીજી વન-ડે 19 નવેમ્બરના રોજ રમાશે. ઇંગ્લેન્ડના ડેવિડ મલાને 128 બોલમાં 12 ફોર અને 4 સિક્સરની મદદથી 134 રન બનાવ્યા હતા.