scorecardresearch
Premium

યશસ્વી જયસ્વાલની બેવડી સદી, વિરાટ અને કાંબલીની બરાબરી કરી, ગાવસ્કરની ક્લબમાં સામેલ

Yashasvi Jaiswal Double Century : યશસ્વી જયસ્વાલ 236 બોલમાં 14 ચોગ્ગા અને 12 સિક્સરની મદદથી 214 રને અણનમ રહ્યો

yashasvi jaiswal, India vs England 3rd Test
યશસ્વી જયસ્વાલની બેવડી સદી (Pics – BCCI)

India vs England 3rd Test : ભારતના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામેની રાજકોટ ટેસ્ટમાં બેવડી સદી ફટકારી છે. આ પહેલા તેણે વિશાખાપટ્ટનમમાં ટેસ્ટમાં પણ બેવડી સદી ફટકારી હતી. રાજકોટ ટેસ્ટના ત્રીજા દિવસે જયવાલ સદી ફટકાર્યા બાદ રિટાયર્ડ હર્ટ થયો હતો પરંતુ ચોથા દિવસે તે બેટિંગમાં પાછો ફર્યો હતો અને બેવડી સદી ફટકારી હતી. જયસ્વાલે 231 બોલમાં 14 ચોગ્ગા અને 10 સિક્સરની મદદથી બેવડી સદી પુરી કરી હતી. તે 236 બોલમાં 14 ચોગ્ગા અને 12 સિક્સરની મદદથી 214 રને અણનમ રહ્યો હતો.

ફટકારી આક્રમક બેવડી સદી

યશસ્વી જયસ્વાલે આક્રમક બેટિંગ કરી હતી. તેણે જેમ્સ એન્ડરસનની એક ઓવરમાં સતત ત્રણ સિક્સર ફટકારી હતી. જયસ્વાલને જોતાં એ સમજવું મુશ્કેલ હતુ કે તે દર્દના કારણે એક દિવસ પહેલા જ મેદાન છોડીને જતો રહ્યો હતો. તેણે 97મી ઓવરના પહેલા બોલ પર સિંગલ લઈને પોતાની બેવડી સદી ફટકારી હતી. જયસ્વાલે આ બેવડી સદીની ઉજવણી તેની આગવી શૈલીમાં કરી હતી.

આ પણ વાંચો – એન્ડરસને 28,150 બોલમાં 500 વિકેટ ઝડપી હતી, આર અશ્વિને રેકોર્ડ તોડ્યો

જયસ્વાલે ઘણા રેકોર્ડ બનાવ્યા

યશસ્વીની આ શ્રેણીમાં સતત બીજી બેવડી સદી છે. અગાઉ તેણે વિશાખાપટ્ટનમ ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સમાં પણ આ કમાલ કરી હતી. તે સતત બે ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારનારો ભારતનો ત્રીજો બેટ્સમેન છે. આ પહેલા વિરાટ કોહલીએ વર્ષ 2017-18માં અને વિનોદ કાંબલીએ 1992-93માં આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે યશસ્વી જયસ્વાલ બીજી ઈનિંગ્સમાં ભારત તરફથી બેવડી સદી ફટકારનારો દુનિયાનો સાતમો બેટ્સમેન બની ગયો છે. આ કલબમાં ભારતીય લેજન્ડ ખેલાડી વીવીએસ લક્ષ્મણ, વસીમ જાફર, મન્સુર અલી પટૌડી અને સુનિલ ગાવસ્કરનો સમાવેશ થાય છે.

જયસ્વાલ રિટાયર્ડ હર્ટ થયો હતો

જયસ્વાલે મેચના ત્રીજા દિવસે 122 બોલમાં પોતાની સદી પુરી કરી હતી. આ દરમિયાન તેણે 9 ચોગ્ગા અને 5 સિક્સર ફટકારી હતી. 104ના સ્કોર પર તેને કમરના દુખાવાના કારણે તકલીફ થવા લાગી હતી. તેથી તે રિટાયર્ડ હર્ટ થયો અને પેવેલિયન પરત ફર્યો. મેચના ચોથા દિવસે કુલદીપ યાદવના આઉટ થયા બાદ યશસ્વી બેટિંગ કરવા માટે ઉતર્યો હતો.

Web Title: India vs england 3rd test yashasvi jaiswal double century records ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×