India vs Australia ODI : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન ડેની શ્રેણીની આખરી મેચ બુધવારે રાજકોટમાં રમાશે. આ મેચ માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટીમમાં વાપસી થવાની આશા છે. જોકે અક્ષર પટેલ, શુભમન ગિલ અને શાર્દુલ ઠાકુર બહાર થયા બાદ મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાનું રમવું પણ કન્ફર્મ નથી. ઈએસપીએનક્રિકઈન્ફોના રિપોર્ટ અનુસાર મોહમ્મદ શમી અને હાર્દિક પંડયા ત્રીજી વન ડે માટે ટીમની સાથે રાજકોટ પહોંચ્યા નથી.
પંડ્યા અને શમી રાજકોટ પહોંચ્યા નથી
સિરીઝની છેલ્લી મેચ માટે શુભમન ગિલ, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુરને લઇને પહેલા જ જાહેરાત થઇ ગઇ છે કે આ ત્રણેય પ્લેયર ટીમનો ભાગ બનશે નહીં. શાર્દુલ અને ગિલને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે અક્ષર પટેલ ઈજાગ્રસ્ત છે. પરંતુ હવે એવી જાણકારી સામે આવી રહી છે કે મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યા પણ ત્રીજી વન ડે નહીં રમે. આ બંને ખેલાડીઓ ટીમ સાથે રાજકોટ પહોંચ્યા નથી. શમી પ્રથમ બે વન ડે મેચ રમ્યો હતો, જ્યારે હાર્દિક પંડયા શરુઆતની બે મેચો રમ્યો નથી.
આ પણ વાંચો – ભારત વિ. ઓસ્ટ્રેલિયા : અક્ષર પટેલ રાજકોટ વન-ડે માંથી બહાર, શું અશ્વિનની વર્લ્ડ કપની ટીમમાં થશે એન્ટ્રી?
સૌરાષ્ટ્રના ફર્સ્ટ ક્લાસ ખેલાડીઓ ફિલ્ડિંગ કરતા જોવા મળશે!
રિપોર્ટ અનુસાર રોહિત શર્મા અને વિરાટ કોહલી રાજકોટ વનડે માટે ટીમ સાથે જોડાયા છે અને તમામ સંભાવનાઓ છે કે આ બંને છેલ્લી મેચમાં રમતા જોવા મળશે. એવું મનાય છે કે જો આખરી વન ડેમાં જરુર પડે તો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે સૌરાષ્ટ્રના ફર્સ્ટ ક્લાસ ખેલાડીઓનો ફિલ્ડિંગ માટે ઉપયોગ કરી શકે છે.
રાજકોટ વન-ડે માટે ભારતની સંભવિત પ્લેઇંગ 11
રોહિત શર્મા, ઇશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, કુલદીપ યાદવ/વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ/પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.