Ind vs WI: ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ તારીખ 20મી જુલાઈથી પોર્ટ ઓફ સ્પેનના ક્વિન્સ પાર્કમાં શરુ થશે. ભારત પ્રથમ ટેસ્ટ જીત્યા પછી બાદ બે મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. બીજી ટેસ્ટને લઇને એવું માનવામાં આવી રહ્યું હતું કે રોહિત શર્મા પ્લેઇંગ ઇલેવનમાં કેટલાક મોટા ફેરફાર કરી શકે છે, પરંતુ તેણે ફેરફારની સંભાવનાને નકારી દીધી છે.
પ્લેઇંગ ઇલેવન પર રોહિતની પ્રતિક્રિયા
રોહિત શર્માએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે જ્યારે અમે ડોમિનિકાની પીચ અને કન્ડિશન્સ જોઈ ત્યારે અમે તે પ્રમાણે કોમ્બિનેશન પર ધ્યાન આપ્યું હતુ. એ જ રીતે ક્વીન્સ પાર્કમાં પણ હજુ સ્થિતિ સ્પષ્ટ નથી થઈ, પણ વરસાદ થાય તેવી સંભાવના છે. મને નથી લાગતું કે અમે કોઈ મોટા ફેરફાર કરીશું, પરંતુ સંજોગો જે પણ હોય તે મુજબ નિર્ણય લેવામાં આવશે.
ગાયકવાડ અને મુકેશને તક મળશે?
માનવામાં આવી રહ્યું હતું કે રુતુરાજ ગાયકવાડ અને મુકેશ કુમારને બીજી ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. જોકે રોહિતની વાત પરથી લાગી રહ્યું છે કે તેમને માટે તક મળવી મુશ્કેલ છે અને ટીમ ઇન્ડિયા ડોમિનિકા ટેસ્ટની પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે.
આ પણ વાંચો – યશસ્વી જયસ્વાલ પિતાને વીડિયો કોલ કરી રડી પડ્યો હતો, પૂછ્યો ફક્ત આ સવાલ
જયદેવ ઉનડકટ બહાર જશે!
જોકે આમ છતાં બોલિંગમાં પરિવર્તનની શક્યતા છે, કારણ કે જયદેવ ઉનડકટ પ્રથમ ટેસ્ટમાં કમજોર જોવામાં આવતો હતો. તેણે આખી ટેસ્ટ મેચમાં એક પણ વિકેટ લીધી ન હતી. શાર્દૂલ ઠાકુર અને મોહમ્મદ સિરાજની જેમ જયદેવ ઉનડકટ અસરકારક સાબિત થયો ન હતો.
શું અક્ષર જાડેજાનું સ્થાન લેશે?
ક્વીન્સ પાર્ક ખાતેની ટેસ્ટમાં રોહિત શર્મા પાસે બોલિંગમાં ફેરફાર કરવાના વિકલ્પો છે. ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટમાં મુકેશ કુમાર વિકલ્પ છે, જ્યારે સ્પિનર ડિપાર્ટમેન્ટમાં અક્ષર પટેલ બેન્ચ પર બેઠો છે. અક્ષર કેરેબિયન ટીમની મુશ્કેલીઓ વધારી શકે છે. જાડેજાને આરામ આપીને અક્ષરને રમાડવામાં આવે તેવી શક્યતા છે કારણ કે બંને ડાબોડી સ્પિનરો છે.
વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે ભારતની ટેસ્ટ ટીમ
રોહિત શર્મા, શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત, ઈશાન કિશન, રવિન્દ્ર જાડેજા, આર.અશ્વિન, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની, મુકેશ કુમાર.