IND vs SA Test Series : રુતુરાજ ગાયકવાડ દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તે જ સમયે વિરાટ કોહલી પણ પ્રિટોરિયામાં ચાલી રહેલી 3-દિવસીય ઇન્ટ્રા-સ્કવોડ મેચમાં રમવાનું ચૂકી ગયો હતો. Cricbuzz એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે યુવા ઓપનર રુતુરાજ ગાયકવાડ આંગળીની ઈજામાંથી સાજો થયો નથી. સાઉથ આફ્રિકામાં ભારતીય ટીમ મેનેજમેન્ટ દ્વારા તેને રિલીઝ કરવામાં આવ્યો છે.
વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યો
તાજેતરમાં ટેસ્ટ સિરીઝ માટે દક્ષિણ આફ્રિકા ગયેલા વિરાટ કોહલીને પારિવારિક કટોકટીના કારણે ભારત પરત ફરવું પડ્યું હતું. તે થોડાક દિવસ પહેલા જ દક્ષિણ આફ્રિકાથી મુંબઈ પહોંચ્યો હતો. કટોકટીની ચોક્કસ વિગતો સામે આવી નથી પરંતુ બીસીસીઆઈના સૂત્રોનું કહેવું છે કે તે 22 ડિસેમ્બરે ફરીથી ટીમ સાથે જોડાશે. સેન્ચુરિયનમાં 26 ડિસેમ્બરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટે કોહલી ટીમનો ભાગ હશે.
ઋતુરાજ ગાયકવાડને રિલીઝ કરવામાં આવ્યો
26 વર્ષીય ગાયકવાડ 19 ડિસેમ્બરે બીજી વનડે દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તે હજુ સ્વસ્થ થયો નથી. BCCIએ ત્રીજી વનડે પહેલા ગુરુવારે આ માહિતી આપી હતી. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે રુતુરાજ ટેસ્ટ શ્રેણી દરમિયાન પણ ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવી શકશે નહીં અને આ કારણોસર તેને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. આ યુવા બેટ્સમેન શનિવારે ભારત પહોંચશે.
આ પણ વાંચો – 3.60 કરોડમાં વેચાયો ‘રાંચી નો ગેઇલ’ રોબિન મિન્ઝ, સેનામાંથી નિવૃત્ત પિતાને ધોનીએ આપ્યું હતું મોટું વચન
ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે 26 ડિસેમ્બરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી પરંતુ મીડિયાને પણ આ સત્ર જોવાની મંજૂરી આપવામાં આવી ન હતી. શુભમન ગિલે ટીમો વચ્ચે રમાયેલી મેચમાં સદી ફટકારીને સારી બેટિંગની પ્રેક્ટિસ કરી હતી. ત્રીજા નંબરે આવેલા ગિલે ત્રણ દિવસીય મેચના બીજા દિવસે સદી ફટકારી હતી. પ્રિટોરિયાના ટક્સ ઓવલ મેદાન પર મીડિયાને પણ બહાર રાખવામાં આવ્યું હતું.