IND vs PAK: પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન મોહમ્મદ રિઝવાને રવિવારે સ્વીકાર કર્યો કે, ભારત સામે મળેલી હાર બાદ ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેમની ટીમનું અભિમાન લગભગ ખતમ થઈ ગયું છે. તેણે વિરાટ કોહલીના વખાણ પણ કર્યા હતા. વિરાટે રવિવારે વન-ડે કરિયરની 51મી સદી ફટકારી અને 100 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ પાકિસ્તાન વિરૂદ્ધ વન-ડેમાં તેની ચોથી સદી હતી.
રિઝવાનનું વિરાટને લઈ નિવેદન
રિઝવાને વિરાટ કોહલીને ભારતની જીતનો શ્રેય આપ્યો. તેણે કહ્યું,’તે એટલી મહેનત કરે છે કે જેને જોઈ હું દંગ રહી ગયો. આખી દુનિયા કહી રહી હતી કે તે ફોર્મમાં નથી. પરંતુ આટલી મોટી મેચમાં આટલા આરામથી રન બનાવ્યા. તેની ફિટનેસ અને અનુશાસન વખાણવાલાયક છે.’ રિઝવાને કહ્યું, તેને આઉટ કરવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ અમે કરી શક્યા નહીં.’
ટૂર્નામેન્ટમાંથી બહાર થતા રિઝવાને શું કહ્યું?
ભારત સામે મળેલી છ વિકેટથી હાર પાકિસ્તાનની સતત બીજી હાર છે. ગ્રુપ એ થી ભારત સેમીફાઈનલમાં પહોંચી ગયું છે અને ન્યૂઝીલેન્ડનું પહોંચવું લગભગ નક્કી છે. પાકિસ્તાને છેલ્લી લીગ મેચ બાંગ્લાદેશ સામે રમવાની છે. રિઝવાને મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું,’અમે કહી શકીએ કે અમારૂં અભિયાન લગભગ સમાપ્ત થઈ ગયું છે. અમારે અન્ય મેચના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. એક મેચ બાકી છે તો ઉમ્મીદ બાકી છે. એક કેપ્ટન તરીકે મને આવી સ્થિતિ પસંદ નથી. અમારૂં નસીબ અમારા હાથમાં હોવું જોઈતુ હતું.’ રિઝવાને કહ્યું,’અમે આ પરિણામથી નિરાશ છીએ. અમે દરેક વિભાગોમાં ભૂલો કરી અને વચ્ચેની ઓવરોમાં વિકેટ લઈ શક્યા નહીં.’પાકિસ્તાને 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.
આ પણ વાંચો: હવે બાંગ્લાદેશના ભરોસે પાકિસ્તાન, જાણો શું કહે છે સમીકરણ
ભારતે પાકિસ્તાનને છ વિકેટે હરાવ્યું
ભારતે પાકિસ્તાનને છ વિકેટે હરાવી દીધુ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમે 49.4 ઓવરમાં 241 રન પર જ સમેટાઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતે 42.3 ઓવરમાં ચાર વિકેટના નુકસાને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. વિરાટ કોહલીએ વનડે કરિયરની 51મી સદી ફટકારી હતી. તેણે 111 બોલમાં 100 રન બનાવીને અણનમ રહ્યો હતો. એક સમયે એવું લાગી રહ્યું હતું કે, પાકિસ્તાન વિરાટ કોહલી સદી ન બનાવે તે માટે ષડયંત્ર રચી રહ્યું છે. શાહીન વાઈડ પર વાઈડ બોલ ફેંકી રહ્યો હતો. 43મી ઓવરમાં ભારતને જીતવા માટે ચાર રન અને વિરાટ કોહલીને સદી માટે પાંચ રનની જરૂર હતી. જોકે વિરાટ કોહલીએ વિનિંગ ફોર ફટકારીને પોતાની સદી પૂર્ણ કરી હતી અને ભારતને જીત અપાવી હતી. પાકિસ્તાનની સતત બીજી હાર બાદ હવે તે ચેમ્પિયન્સ ટ્રોફીથી લગભગ બહાર થઈ ગઈ છે અને હવે તેને ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. હાલમાં બે મેચ બાદ ભારતના 4 પોઈન્ટ છે. જ્યારે પાકિસ્તાન બંને મેચોમાં હાર બાદ ખાતું પણ ખોલાવી શક્યું નથી.