IND vs ENG : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 7 માર્ચથી ધર્મશાળામાં રમાનારી પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પરત ફરી શકે છે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર તમામ ભારતીય ખેલાડીઓ મંગળવારે રાંચીથી રવાના થઈ ગયા છે. બીસીસીઆઈએ તમામ ખેલાડીઓને 2 માર્ચ સુધી ચંદીગઢમાં ભેગા થવાની સૂચના આપી છે. બુમરાહ પણ ચંદીગઢમાં ટીમ સાથે જોડાશે. આ પછી આખી ટીમ ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા 3 માર્ચે ધર્મશાળા પહોંચશે.
બુમરાહ રાંચીમાં રમ્યો ન હતો
રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહ રમ્યો ન હતો. તેને વર્કલોડના કારણે ટીમ મેનેજમેન્ટે આરામ આપ્યો હતો. આકાશ દીપે રાંચી ટેસ્ટમાં બુમરાહની જગ્યાએ ડેબ્યૂ કર્યું હતું. આકાશ દીપની પ્રથમ વખત ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. તેણે ડેબ્યૂ મેચમાં જ 3 વિકેટ લીધી હતી. આ સાથે જ બુમરાહનું આ સિરીઝમાં પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. તેણે 3 મેચમાં 13.65ની એવરેજથી 17 વિકેટ ઝડપી છે.
આ પણ વાંચો – ચોથી ટેસ્ટ : ભારતે ઘરઆંગણે 13મી વખત 150+ નો ટાર્ગેટ ચેઝ કર્યો, 11 વર્ષના દુષ્કાળનો અંત
રોહિત શર્મા કરશે બે ફેરફાર
ધર્મશાળામાં રમાનારી પાંચમી ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કરી શકે છે. ક્રિકબઝના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રાંચી ટેસ્ટમાં રમેલા 11 ખેલાડીઓમાંથી રોહિત એક બેટ્સમેન અને બોલરને આરામ આપી શકે છે. જો આરામ કરવાની વાત આવે તો યશસ્વી જયસ્વાલને આરામ આપી શકાય છે, કારણ કે યશસ્વીએ આ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બીજી તરફ જો કોઈને પડતા મૂકવાનો વિચાર કરવામાં આવશે તો રજત પાટીદાર હોઇ શકે છે.
કેએલ રાહુલ પાંચમી ટેસ્ટમાં નહીં રમે?
ધર્મશાળા ટેસ્ટમાં ભારતીય વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલના રમવા પર પણ સસ્પેન્સ છે. હૈદરાબાદ ટેસ્ટ બાદથી ટીમની બહાર રહેલો રાહુલ ઈજાની સારવાર માટે ઈંગ્લેન્ડ ગયો છે. આવી સ્થિતિમાં શ્રેણીની આખરી ટેસ્ટમાં રમવું ખુબ જ મુશ્કેલ છે. રાહુલને હૈદરાબાદ ટેસ્ટ દરમિયાન ઈજા થઈ હતી જે પછી તે વિશાખાપટ્ટનમ, રાજકોટ અને રાંચી ટેસ્ટમાં રમ્યો નથી.