WTC Point Table, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ : ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગ્સ પાકિસ્તાન ખૂબ જ સારી સ્થિતિમાં હતું. જોકે ઇંગ્લેન્ડના જો રૂટ અને હેરી બ્રુકની ઈનિંગને કારણે પાકિસ્તાનનો આ મેચમાં એક ઈનિંગ અને 47 રનથી પરાજય થયો હતો. મુલતાનમાં આ પરાજય બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનની સ્થિતિ વધુ કથળી હતી અને તે તળિયે સરકી ગઈ છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી અગાઉ બાંગ્લાદેશે પાકિસ્તાનને હરાવ્યું હતુ અને હવે ઈંગ્લેન્ડે પણ તેને પ્રથમ ટેસ્ટમાં ખરાબ રીતે હરાવ્યું છે.
પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનનો ઇંગ્લેન્ડ સામે કારમો પરાજય
પ્રથમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનની ટીમે પ્રથમ ઇનિંગમાં 556 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઇંગ્લેન્ડે જો રૂટની બેવડી સદી અને હેરી બ્રૂકની ત્રેવડી સદીની મદદથી 7 વિકેટે 823 રન બનાવી ઇનિંગ ડિકલેર કરી દીધી હતી. આ પછી બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડે ઘાતક બોલિંગ કરતાં પાકિસ્તાનને 220ના સ્કોર પર આઉટ કરીને ઈનિંગ અને 47 રને વિજય મેળવ્યો હતો.
આ પણ વાંચો – હાર્દિક પંડ્યાએ સિક્સર ફટકારી કોહલીનો રેકોર્ડ તોડ્યો, રોહિત શર્માની બરાબરી કરી
આ જીત બાદ ઇંગ્લેન્ડની ટીમ ચોથા સ્થાને યથાવત્ છે. આ મેચ પહેલા પાકિસ્તાન 8માં નંબર પર હતું હવે નવમાં સ્થાને આવી ગયું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના ચક્રમાં પાકિસ્તાનની ટીમ અત્યાર સુધી 8 મેચ રમી ચૂકી છે, જેમાં 2માં તેનો વિજય થયો છે અને 6 મેચમાં પરાજય થયો છે. હાલ તેની જીતની ટકાવારી 16.67 છે અને તે ટેબલમાં 9માં નંબરે પહોંચી ગયું છે.

ભારત પ્રથમ સ્થાને
ભારતની વાત કરીએ તો ભારતીય ટીમ 74.24 ટકા જીત સાથે પ્રથમ સ્થાને છે. ભારત અત્યાર સુધી 11માંથી 8 મેચ જીત્યું છે, 2 મેચમાં પરાજય થયો છે અને એક મેચ ડ્રો રહી છે. ઈંગ્લેન્ડની વાત કરીએ તો તે 17માંથી 9મી મેચ જીતી છે, જ્યારે 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ ડ્રો રહી છે અને તેની જીતની ટકાવારી 45.59 છે.