ICC ODI Rankings 2023 : વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરી રહેલો ભારતનો ઓપનર શુભમન ગિલ આઈસીસી વન-ડે રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન બન્યો છે. તેણે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમને પછાડીને આ સ્થાન મેળવ્યું છે. ગિલ તેની કારકિર્દીમાં પહેલી વખત ટોચ પર પહોંચ્યો છે. સચિન તેંડુલકર, એમએસ ધોની અને વિરાટ કોહલી બાદ શુભમન ગિલ ભારત તરફથી નંબર વન ડે બેટ્સમેનની રેન્કિંગ મેળવનાર ચોથો ખેલાડી બન્યો છે.
મોહમ્મદ સિરાજ વન-ડેમાં નંબર વન બોલર
બીજી તરફ મોહમ્મદ સિરાજ આઈસીસી વન-ડે બોલર્સના રેન્કિંગમાં નંબર વન બોલર બની ગયો છે. વર્લ્ડ કપમાં ભારતના અત્યાર સુધીના શાનદાર દેખાવને કારણે બેટિંગ અને બોલિંગ બંને યાદીમાં ટોચના 10 ખેલાડીઓમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. સિરાજે બે સ્થાનના સુધારા સાથે નંબર-1 વન-ડે બોલર તરીકેનો તાજ પાછો મેળવ્યો છે. આ સિવાય ટોપ 10માં ચાર ભારતીય બોલરો છે. જેમાં કુલદીપ યાદવ (ચોથા સ્થાને), જસપ્રીત બુમરાહ (આઠમાં સ્થાને) અને મોહમ્મદ શમી (10માં સ્થાને)નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 પોઇન્ટ ટેબલ : એક સ્થાન માટે ત્રણ દાવેદાર, જાણો કેવું છે સેમિ ફાઇનલનું સમીકરણ
આઝમે બે વર્ષ બાદ નંબર-1નું સ્થાન ગુમાવ્યું
બાબર આઝમે વર્લ્ડ કપ 2023માં આઠ ઇનિંગ્સમાં કુલ 282 રન બનાવ્યા છે અને તે ગિલથી છ રેટિંગ પોઇન્ટ નીચે બીજા સ્થાને આવી ગયો છે. તે વિશ્વના નંબર-1 વન-ડે બેટ્સમેન તરીકે બે વર્ષ સુધી આ સ્થાન પર રહ્યો હતો. કિંગ કોહલી ચોથા સ્થાન પર છે. વર્લ્ડ કપમાં 543 રન ફટકારવાના કારણે કોહલી ત્રણ સ્થાનની છલાંગ લગાવીને ચોથા સ્થાને પહોંચી ગયો છે. ત્રીજા સ્થાને રહેલા સાઉથ આફ્રિકાના ક્વિન્ટોન ડી કોક કરતાં 1 પોઇન્ટ પાછળ છે. ભારતનો કેપ્ટન રોહિત શર્મા છઠ્ઠા સ્થાને છે.
શ્રેયસ ઐય્યર વન-ડે બેટ્સમેનની યાદીમાં 17 સ્થાનની છલાંગ લગાવીને 18માં ક્રમે પહોંચી ગયો છે. જ્યારે પાકિસ્તાનનો ઓપનર ફખર ઝમાન ત્રણ સ્થાનના સુધારા સાથે 11માં ક્રમે અને અફઘાનિસ્તાનનો ઇબ્રાહિમ ઝાદરાન છ સ્થાનના સુધારા સાથે 12માં ક્રમે પહોંચી ગયો છે.