scorecardresearch
Premium

વર્લ્ડ કપ 2023 : ત્રણ નવા નિયમોથી વધી જશે ટૂર્નામેન્ટનો રોમાંચ, 2019ના વિવાદિત નિયમને આઈસીસીએ ખતમ કર્યો

World Cup 2023 Rules : આ નિયમોમાંથી એક નિયમ એવો છે જેનો 2019માં ઘણો વિવાદ થયો હતો. આઇસીસીએ આ વખતે તે નિયમમાં મોટો ફેરફાર કર્યો છે

world cup 2023 | World Cup 2023 Rules
ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થઈ રહી છે (ફોટો : એએનઆઈ_

ICC ODI World Cup 2023 Rules: ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થઈ રહી છે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને 2019ના વર્લ્ડ કપની રનર અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ વખતે વર્લ્ડ કપમાં આઈસીસીએ 3 નવા નિયમો ઉમેર્યા છે, જે ટૂર્નામેન્ટનો રોમાંચ બમણો કરી શકે છે. આ નિયમોમાંથી એક નિયમ એવો છે જેનો 2019માં ઘણો વિવાદ થયો હતો. આઇસીસીએ આ વખતે તે નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. વર્લ્ડ કપ 2019માં ઇંગ્લેન્ડે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું હતું, પરંતુ જે નિયમ હેઠળ ઇંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું તે વિવાદિત રહ્યો હતો.

જાણો શું છે આ ત્રણ નવા નિયમો?

ચેમ્પિયનનો નિર્ણય બાઉન્ડ્રીના આધારે લેવામાં આવશે નહીં

2019ના વર્લ્ડ કપમાં સૌથી વધુ વિવાદાસ્પદ એવો નિયમ બાઉન્ડ્રીના આધારે ચેમ્પિયન ટીમ નક્કી કરવાનો હતો. વાસ્તવમાં આ નિયમ એવો હતો કે મેચ ટાઈ થાય તો પહેલા સુપર ઓવર થાય છે પણ સુપર ઓવરમાં પણ મેચ ટાઈ થાય તો બાઉન્ડ્રી કાઉન્ટના આધારે વિજેતા નક્કી થાય છે. 2019માં ઈંગ્લેન્ડ આવી રીતે વિજેતા બન્યું હતું. મેચ ટાઈ થયા બાદ સુપર ઓવર થઈ હતી, પરંતુ સુપર ઓવર પણ ટાઈ થયા બાદ વધુ બાઉન્ડ્રીને કારણે ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. હવે આઇસીસીએ આ નિયમમાં ફેરફાર કરીને નિર્ણય લીધો છે કે જ્યાં સુધી મેચનું પરિણામ નક્કી નહીં થાય ત્યાં સુધી સુપર ઓવર ચાલુ રહેશે.

અમ્પાયરનું સોફ્ટ સિગ્નલ ખતમ થયું

વર્લ્ડ કપ 2023 માટે આઈસીસીએ ફિલ્ડ અમ્પાયરના સોફ્ટ સિગ્નલને ખતમ કરી દીધા છે. અત્યાર સુધી જો ફિલ્ડ અમ્પાયરને કોઈ નિર્ણયમાં થર્ડ અમ્પાયરની મદદ લેવી પડતી હતી તો પહેલા સોફ્ટ સિગ્નલ આપવું પડતું હતું, જેના આધારે ક્યારેક-કયારેક નિર્ણય ફિલ્ડ અમ્પાયરની તરફેણમાં જતો હતો. આ નિયમને એ રીતે સમજી શકાય છે કે જો કોઈ બોલિંગ ટીમે બેટ્સમેન સામે અપીલ કરી હોય અને ફિલ્ડ અમ્પાયરને થર્ડ અમ્પાયરની મદદની જરુર હોય તો તેણે પહેલા થર્ડ અમ્પાયરને સોફ્ટ સિગ્નલ આપવું પડે, જેમાં આઉટ કે નોટઆઉટ કશું પણ હોઇ શકે. જે પછી થર્ડ અમ્પાયરનો નિર્ણય ક્યારેક ફિલ્ડ અમ્પાયરની તરફેણમાં જતો હતો પછી ભલે બેટ્સમેન નોટઆઉટ કેમ ન હોય. હવે આઇસીસીએ આ સોફ્ટ સિગ્નલને ખતમ કરી દીધું છે. જો થર્ડ અમ્પાયર પણ તે વિકેટને સારી રીતે ચકાસવામાં નિષ્ફળ રહેશે, તો પછી ગ્રાઉન્ડમાં જણાવેલા અમ્પાયરના નિર્ણય પર વિચાર કરવામાં આવશે.

આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 : રોહિત શર્મા રચશે ઇતિહાસ, બસ જરૂર છે માત્ર બે ઇનિંગ્સ અને 22 રનની, જાણો રેકોર્ડ

બાઉન્ડ્રી 70 મીટરથી ઓછી નહીં હોય

આઈસીસીએ વર્લ્ડ કપ 2023 માટે વધુ એક નવો નિયમ બનાવ્યો છે. જેમાં ટૂર્નામેન્ટની મેચ ગમે તે યોજાય તો પણ સ્ટેડિયમની બાઉન્ડ્રી 70 મીટરથી ઓછી નહીં હોય. આ નિયમ એટલા માટે લાવવામાં આવ્યો છે કારણ કે ઘણી વખત એવું જોવા મળ્યું છે કે કેટલીક મેચો એવા મેદાનો પર યોજાય છે, જ્યાં બાઉન્ડ્રી નાની હોય છે અને બેટ્સમેનો આસાનીથી ચોગ્ગા-છગ્ગા ફટકારી શકે છે. જેને ધ્યાનમાં રાખીને આઇસીસીએ એક નવો બાઉન્ડ્રી નિયમ તૈયાર કર્યો છે. જ્યાં વર્લ્ડ કપની મેચ યોજાશે ત્યાં સ્ટેડિયમની બાઉન્ડ્રી 70 મીટરથી ઓછી નહીં હોય.

Web Title: Icc odi world cup 2023 three new rules including soft signal and boundary count ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×