World Cup 2023 : રોહિત શર્મા પોતાના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાને ત્રીજી વખત ODI વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવી શક્યો નહીં, પરંતુ ટૂર્નામેન્ટ દરમિયાન તેના પ્રદર્શન અને કેપ્ટનશિપે બધાને પ્રભાવિત કર્યા હતા. ICCએ પણ તેની કેપ્ટનશિપને સલામ કરી છે. ટૂર્નામેન્ટની ફાઈનલ બાદ ICC એ મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે 12 સભ્યોની ટીમ પસંદ કરી છે. જેમાં રોહિત શર્માને ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
રોહિત શર્માને સતત બીજી વખત ICC ODI વર્લ્ડ કપ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. 5 દેશોના ખેલાડીઓ ICC ટીમમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યા હતા. જેમાં 2023ની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, રનર્સ અપ ભારતીય ટીમ, સેમિ ફાઇનલિસ્ટ દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાના ખેલાડીઓનો સમાવેશ થાય છે.
ભારતના સૌથી વધારે 6 ખેલાડીઓ
આ ટીમમાં ભારતના સૌથી વધુ 6 ખેલાડીઓ સામેલ છે. રોહિત શર્મા ઉપરાંત ટૂર્નામેન્ટના ટોપ રન સ્કોરર વિરાટ કોહલી, સૌથી વધુ વિકેટ લેનાર મોહમ્મદ શમી, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે.
આ પણ વાંચો – વર્લ્ડ કપ : રાહુલ દ્રવિડ ન જોઈ શક્યા ખેલાડીઓનું દુ:ખ, મેચ પછી જણાવી ડ્રેસિંગ રૂમની કહાની
ઓસ્ટ્રેલિયાના માત્ર બે ખેલાડીઓ
વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયામાંથી માત્ર 2 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. અફઘાનિસ્તાન સામે રેકોર્ડ બ્રેક ઇનિંગ્સ રમનાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ અને સ્પિનર એડમ ઝમ્પાનો સમાવેશ થયો છે.
ICC ટીમ પસંદગી પેનલમાં ઇયાન બિશપ, કે નાયડુ, શેન વોટસન (કોમેન્ટેટર), વસીમ ખાન (ICC જનરલ મેનેજર, ક્રિકેટ) અને સુનીલ વૈદ્ય (પત્રકાર, અમદાવાદ મિરર) સામેલ હતા.
ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ટીમ
| ક્રમ | ખેલાડી | દેશ | પ્રદર્શન |
| 1 | ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર) | દક્ષિણ આફ્રિકા | 59.40ની એવરેજથી 594 રન |
| 2 | રોહિત શર્મા (કેપ્ટન) | ભારત | 54.27ની એવરેજથી 597 રન |
| 3 | વિરાટ કોહલી | ભારત | 95.62ની એવરેજથી 765 રન |
| 4 | ડેરીલ મિશેલ | ન્યૂઝીલેન્ડ | 69ની એવરેજથી 552 રન |
| 5 | કેએલ રાહુલ | ભારત | 75.33ની એવરેજથી 452 રન |
| 6 | ગ્લેન મેક્સવેલ | ઓસ્ટ્રેલિયા | 66.66ની એવરેજથી 400 રન અને 55ની એવરેજથી 6 વિકેટ |
| 7 | રવિન્દ્ર જાડેજા | ભારત | 40ની એવરેજથી 120 રન અને 24.87ની એવરેજથી 16 વિકેટ |
| 8 | જસપ્રીત બુમરાહ | ભારત | 18.65ની એવરેજથી 20 વિકેટ |
| 9 | દિલશાન મદુશંકા | શ્રીલંકા | 25ની એવરેજથી 21 વિકેટ |
| 10 | એડમ ઝમ્પા | ઓસ્ટ્રેલિયા | 22.39ની એવરેજથી 23 વિકેટ |
| 11 | મોહમ્મદ શમી | ભારત | 10.70ની એવરેજથી 24 વિકેટ |
| 12 | ગેરાલ્ડ કોએત્ઝી (12મો પ્લેયર) | દક્ષિણ આફ્રિકા | 19.80ની એવરેજથી 20 વિકેટ |