Divya Deshmukh : ભારતની 19 વર્ષીય યુવા મહિલા ચેસ ખેલાડી દિવ્યા દેશમુખ ચેસમાં વર્લ્ડ ચેમ્પિયન બની છે. દિવ્યા દેશમુખે જ્યોર્જિયાના બાતુમીમાં રમાયેલ મુકાબલામાં ભારતની જ કોનેરુ હમ્પીને હરાવીને ફિડે મહિલા વર્લ્ડ કપ 2025નું ટાઇટલ જીતી લીધું છે. દિવ્યાએ માત્ર ટૂર્નામેન્ટ જ જીતી ન હતી, પરંતુ તે ગ્રાન્ડમાસ્ટર પણ બની હતી. તે ગ્રાન્ડમાસ્ટર બનનારી ભારતની ચોથી મહિલા ખેલાડી છે અને ઓવરઓલ 88મી ખેલાડી બની છે.
દિવ્યા દેશમુખ બની વર્લ્ડ ચેમ્પિયન
નાગપુરની આ ખેલાડીએ શનિવાર અને રવિવારે રમાયેલી બે ક્લાસિકલ મેચો ડ્રો થયા બાદ ટાઈબ્રેકરમાં જીત મેળવી હતી. બે ક્લાસિકલ ગેમ્સ ડ્રો થયા બાદ હમ્પીએ સંયમ ગુમાવ્યો હતો અને ત્યાર બાદ હારી ગઈ હતી. સફેદ મોહરા સાથે રમતાં દિવ્યાએ હમ્પીને ફરી ડ્રો માં રોકી હતી પરંતુ બીજી ગેમમાં બ્લેક મહોરા સાથે રમતાં તેણે બે વખતની વર્લ્ડ રેપિડ ચેમ્પિયનને હરાવીને જીત મેળવી હતી.
દિવ્યા દેશમુખ ગ્રાન્ડમાસ્ટર બનનારી ભારતની ચોથી મહિલા ખેલાડી
દિવ્યા દેશમુખ હવે હમ્પી, ડી હરિકા અને આર વૈશાલી સાથે દેશમાં ગ્રાન્ડમાસ્ટર બનનારી મહિલાઓની યાદીમાં જોડાઇ છે. હમ્પી 38 વર્ષની છે અને 2002માં ગ્રાન્ડમાસ્ટર બની હતી જ્યારે દિવ્યાનો જન્મ 2005માં થયો હતો.
આ પણ વાંચો – અંગ્રેજોને વધારે થકવી દેવા જોઈતા હતા, ભારતે કરી દીધી ભૂલ, બેન સ્ટોક્સને પાઠ ભણાવવાની જરૂર હતી
દિવ્યા દેશમુખ જીત બાદ ભાવુક થઈ ગઈ હતી
આ જીત બાદ ભાવુક દિવ્યા પોતાના આંસુ રોકી શકી નહ હતી. દિવ્યા સામે હાર્યા પહેલા હમ્પીએ અંત સુધી સંઘર્ષ કર્યો હતો. આ જીત બાદ દિવ્યાએ કહ્યું કે મને આ (વિજય)ને સમજવા માટે સમયની જરૂર છે. મને લાગે છે કે હું ભાગ્યશાળી હતી કે મને આ પ્રકારે ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ મળ્યો કારણ કે આ ટૂર્નામેન્ટ અગાઉ મારો એક પણ (ગ્રાન્ડમાસ્ટર) નોર્મ નહતો અને હવે હું ગ્રાન્ડમાસ્ટર છું.
મુકાબલા પર નજીકથી નજર રાખનાર પાંચ વખતના ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે દિવ્યાની જીતને બિરદાવી હતી અને તેને ભારતીય ચેસ માટે એક શાનદાર ક્ષણ ગણાવી હતી.