Champions Trophy 2025 : મહિનાઓની ખેંચતાણ બાદ આખરે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) વચ્ચે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઈબ્રિડ મોડલ પર સંમતિ સધાઈ હતી. બીસીસીઆઈએ સુરક્ષાની ચિંતાનો હવાલો આપીને ભારતીય ટીમને પાકિસ્તાનમાં રમવા મોકલવાનો ઇન્કાર કર્યા બાદ આ ઘટના બની હતી. જોકે પીસીબીએ શરૂઆતમાં આ માંગણીઓ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો
ભારત અને પાકિસ્તાન એકબીજાના દેશની યાત્રા નહીં કરે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના ટોચના અધિકારી શનિવારે 14 ડિસેમ્બર રોજ પીસીબીના વડા મોહસિન નકવી સાથે વર્ચ્યુઅલ બેઠક દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઇબ્રિડ મોડલને અંતિમ સ્વરૂપ આપે તેવી સંભાવના છે. આ વાત સૈદ્ધાંતિક રુપથી સહમતી બની ગઇ છે કે આઇસીસી ટૂર્નામેન્ટ્સ માટે ભારત કે પાકિસ્તાન બંનેમાંથી કોઈ એકબીજાના દેશમાં પ્રવાસ નહીં કરે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન દુબઈમાં મુકાબલો ખેલાશે, 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન યોજાશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આઠ ટીમો ભાગ લેશે. તેમને બે ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. પ્રત્યેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિ ફાઈનલ માટે ક્વોલિફાય થશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું કે હાઈબ્રિડ મોડલ ત્યારે જ સ્વીકારવામાં આવશે જ્યારે ભારત અને પાકિસ્તાનને આપવામાં આવતી તમામ આઇસીસી ટૂર્નામેન્ટ્સ માટે એકસમાન વ્યવસ્થા કરવામાં આવે.
આ પણ વાંચો – ટીમ ઇન્ડિયા 2024માં અત્યાર સુધીમાં કુલ 14 ટેસ્ટ મેચ રમ્યું, આવો રહ્યો છે રેકોર્ડ
પાકિસ્તાનની મહિલા ટીમ ભારત નહીં આવે
આનો અર્થ એ થયો કે જ્યારે ભારત 2025ના વિમેન્સ વન ડે વર્લ્ડ કપની યજમાની કરશે ત્યારે પાકિસ્તાન ભારતના પ્રવાસ નહીં આવે અને તટસ્થ સ્થળે રમશે. વર્ષ 2026માં ભારત અને શ્રીલંકાની યજમાનીમાં યોજાનારા મેન્સ ટી-20 વર્લ્ડ કપ દરમિયાન ભારત ઘરઆંગણે પાકિસ્તાન સામે નિર્ણાયક મેચ રમી શકશે નહીં. મોટા મુકાબલા માટે શ્રીલંકાની યાત્રા કરશે.
સત્તાવાર જાહેરાત 14 ડિસેમ્બરે કરવામાં આવશે!
આઈસીસી (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ)ના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે આવતીકાલે (શનિવાર 14 ડિસેમ્બર 2024) એક વર્ચ્યુઅલ મીટિંગ છે, જેમાં આઇસીસી પ્રમુખ જય શાહ બ્રિસબેનની જોડાશે. તે પછી આઇસીસી સત્તાવાર જાહેરાત કરે તેમ મનાય છે.
હાલ પીસીબીને હાઇબ્રિડ મોડલ સ્વીકારવા બદલ કોઇ વળતર ચૂકવવામાં આવશે નહીં. વર્ષ 2008ના એશિયા કપ બાદ ભારત પાકિસ્તાન પ્રવાસે ગયું નથી. જોકે પાકિસ્તાન ગત વર્ષે વન-ડે વર્લ્ડ કપ માટે ભારત આવ્યું હતું.