Asian Games 2023 Day 8 Updates : એશિયન ગેમ્સ 2023ના આઠમા દિવસે ભારતે શાનદાર પ્રદર્શન કર્યું છે. આઠમાં દિવસે ભારતે 3 ગોલ્ડ, 8 સિલ્વર અને 4 બ્રોન્ઝ સાથે કુલ 15 મેડલ જીત્યા છે. આ સાથે ભારતના નામે કુલ 53 મેડલ થઈ ગયા છે. જેમાં 13 ગોલ્ડ, 22 સિલ્વર અને 18 બ્રોન્ઝ સામેલ છે. મેડલ ટેલીમાં ભારત ચોથા સ્થાને છે. તેજિન્દર પાલ સિંઘ તૂરે ગોળા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પહેલા યુવા એથ્લીટ અવિનાશ સાબલેએ 3000 મીટરની સ્ટીપલચેઝ ઈવેન્ટમાં રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો હતો. તેણે ઈરાનના હુસૈનીનો રેકોર્ડ (8 મિનિટ 22.79 સેકન્ડ) તોડી નાખ્યો હતો. બોક્સિંગમાં નિખત ઝરીને મહિલાઓની 50 કિગ્રામાં બ્રોન્ઝ જીત્યો હતો.
નંદિની અગસરાએ એથ્લેટિક્સમાં બ્રોન્ઝ જીત્યો
ભારતની 20 વર્ષીય નંદિની અગસરાએ વિમેન્સ હેપ્ટાથ્લોનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે 5712 પોઇન્ટ મેળવ્યા હતા. જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન સ્વપ્ના બર્મન માત્ર 5708 પોઇન્ટ મેળવી શકી હતી અને આ વખતે તે પોડિયમ સુધી પણ પહોંચી શકી ન હતી.
સીમા પુનિયાએ બ્રોન્ઝ જીત્યો
ભારતની 40 વર્ષીય સીમા પુનિયાએ ડિસ્કસ થ્રોમાં દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સીમા 58.62 મીટરના પોતાના સિઝનના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે ત્રીજા સ્થાને રહી હતી.
આ પણ વાંચો –
મુરલી શ્રીશંકરે એથ્લેટિક્સમાં જીત્યો સિલ્વર મેડલ
ભારતના મુરલી શ્રીશંકરે 8.19ના જમ્પ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. આ જમ્પ તેના અંતિમ પ્રયાસમાં આવ્યો હતો. એથ્લેટિક્સમાં ભારતનો આ છઠ્ઠો મેડલ છે.
પુરુષોની 1500 મીટરની દોડમાં ભારતે જીત્યા બે મેડલ
પુરુષોની 1500 મીટરની ઈવેન્ટમાં ભારતે બે મેડલ જીત્યા હતા. અજય કુમાર સરોજે 3:38.94ના સમય સાથે સિલ્વર મેડલ અને જીન્સન જોનસને 3:39.74ના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
એથ્લેટિક્સમાં હરમિલન બૈંસે જીત્યો સિલ્વર મેડલ
ભારતની હરમિલન બૈંસે મહિલાઓની 1500 મીટરની દોડમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે આ રેસમાં 4:12.74 નો સમય લીધો હતો.