scorecardresearch
Premium

અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે પ્રબળ દાવેદાર, જાણો શું છે ઇતિહાસ અને કેવું છે ભારતનું પ્રદર્શન

Commonwealth Games 2030 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે ભારતની બોલીને મંજૂરી આપી. અમદાવાદ આ ગેમ્સના આયોજન માટે પ્રબળ દાવેદાર છે

Ahmedabad Commonwealth Games 2030, Ahmedabad, Commonwealth Games 2030
ભારતની 2030 કોમનવેલ્થ ગેમ્સ માટેની દાવેદારીને કેબિનેટે મંજૂરી આપી દીધી છે (File Photo)

Commonwealth Games 2030 : ભારતની 2030 કોમનવેલ્થ ગેમ્સ માટેની દાવેદારીને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આ સાથે 2030માં અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ યોજવા માટે પ્રબળ દાવેદાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે ભારતની બોલીને મંજૂરી આપી હતી. અમદાવાદને તેના વિશ્વ કક્ષાના સ્ટેડિયમ, અત્યાધુનિક પ્રેક્ટિસ સુવિધાઓ અને રમતગમત સંસ્કૃતિને કારણે એક આદર્શ યજમાન ગણાવ્યું છે.

ભારતના કોમનવેલ્થ ગેમ્સ યોજાશે કે નહીં તેનો નિર્ણય આ વર્ષે નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ગ્લાસગોમાં કરાશે. 2026માં ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે. જો ભારતમાં ગેમ્સ યોજાવાની મંજૂરી મળશે તો બીજી વખત ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે. આ પહેલા ભારતમાં 2010માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું.

કોમનવેલ્થ ગેમ્સનો ઇતિહાસ

કોમનવેલ્થ ગેમ્સનો ઇતિહાસ કોમનવેલ્થ નામના સંગઠન સાથે જોડાયેલો છે. આ સંગઠનના મૂળ એપ્રિલ 1949માં લંડન ઘોષણાપત્ર સાથે જોડાયેલા છે. બીજા વિશ્વયુદ્ધ પછી, એશિયા, આફ્રિકા અને કેરેબિયન ખંડોના ઘણા દેશો બ્રિટિશ સામ્રાજ્યવાદથી મુક્ત થયા હતા. આ દેશો યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા કે સોવિયેત રશિયાના જૂથમાં જોડાવવા માંગતા ન હતા. એપ્રિલ 1949માં લંડન ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું હતું, જે અંતર્ગત બ્રિટનના ઉપનિવેશ રહેલા દેશોએ જોડાઈને કોમનવેલ્થ નામનું સંગઠન બનાવ્યું હતું. ભારત પણ 16 મે 1949થી સત્તાવાર રીતે આ સંઘનો ભાગ બન્યો હતું.

કોમનવેલ્થ ગેમ્સ દર 4 વર્ષે યોજાય છે

કોમનવેલ્થ ગેમ્સનું આયોજન દર 4 વર્ષે કરવામાં આવે છે. ભારત 1934 થી બ્રિટિશ ઈન્ડિયા એસોસિએશન હેઠળ આ રમતોમાં ભાગ લઈ રહ્યું છે. પરંતુ આઝાદે ભારતે પ્રથમ વાર 1954 માં આ રમતોમાં ભાગ લીધો હતો. ભારતે 1962 અને 1986 ના કોમનવેલ્થ ગેમ્સ સિવાય બધી સિઝનોમાં ભાગ લીધો છે.

આ પણ વાંચો – ભારતની 2030 કોમનવેલ્થ ગેમ્સ માટેની દાવેદારીને કેબિનેટે મંજૂરી આપી

કોમનવેલ્થ ગેમ્સમાં 56 સદસ્ય દેશ

કોમનવેલ્થ ગેમ્સમાં 56 સદસ્ય દેશ છે. જોકે હાલમાં 72 ટીમો ભાગ લે છે કારણ કે ઘણા આશ્રિત પ્રદેશો તેમના પોતાના ધ્વજ હેઠળ સ્પર્ધા કરે છે. યુનાઇટેડ કિંગડમના ચાર ગૃહ રાષ્ટ્રો (ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડ) પણ અલગ ટીમો મોકલે છે.

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રદર્શન

કોમનવેલ્થ ગેમ્સમાં ભારત સતત પોતાનું પ્રદર્શન સુધારી રહ્યું છે. 2002થી ભારતે આ રમતોમાં ટોચના પાંચ દેશોમાં સતત પોતાનું સ્થાન મેળવ્યું છે. 2010 ની દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 101 મેડલ સાથે અત્યાર સુધીનું શ્રેષ્ઠ બીજું સ્થાન પણ મેળવ્યું હતું. ભારતે છેલ્લે 2022માં બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો. જેમાં ભારતે 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ સાથે 61 મેડલ જીત્યા અને મેડલ ટેલીમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 564 મેડલ જીત્યા છે. જેમાં 203 ગોલ્ડ, 190 સિલ્વર અને 171 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.

Web Title: Ahmedabad commonwealth games 2030 know history and india performance ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×