-
Gujarat Rain and Weather News : ગુજરાતમાં ચોમાસું 2024 ની એન્ટ્રી થઈ ગઈ છે. ચોમાસુ નવસારી ટકરાયા બાદ હવામાન વિભાગ સહિત આગાહીકારોએ ચોમાસુ થોડુ નબળુ પડ્યું હોવાના સંકેત આપ્યા હતા. આ બધા વચ્ચે હવામાન વિભાગે થોડા રાહતના સમાચાર આપ્યા છે, અને કહ્યું છે કે, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને પડોશી રાજ્યોમાં ચક્રવાતનું પરિભ્રમણ ચાલુ જ છે, હવે તે દરિયાની સપાટીથી 1.5 કિમી અને 5.8 કિમીની ઊંચાઈ સાથે દક્ષિણ તરફ નમતુ જોવા મળી રહ્યું.
-
આજે સવારથી સૈરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. સૌથી વધારે ભાવનગરના ગારિયાધાર વિસ્તાર અને જેસર પંથકમાં વરસાદ ખાબક્યો હતો. તો અમરેલીના લાઠી, અમરેલી શહેર તથા ગ્રામ્ય વિસ્તોરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ બાજુ દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી, વલસાડ, સુરત સહિત તમામ જિલ્લામાં મેઘ મહેર જોવા મળી છે. જેને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
-
અમરેલીના મોટા ગોખરવલા, દેવભૂમિ દેવળીયા, લાપાળીયા, ચાંદગઢ સહિતના ગામોમાં અનરાધાર વરસાદ થયો છે. દેવભૂમિ દેવળીયા ગામના નદી નાળા છલકાયા હતા, તો દેવળીયા ગોખરવાળા ગામની સ્થાનિક નદીમાં આવ્યું પુર, અમરેલીના દેવભૂમિ દ્વારકા ગોખડવાળા સહીત ગામોમાં દોઢ કલાકમાં બે થી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો, અમરેલીના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ
-
આ બાજુ લીલિયા પંથકમાં લીલીયાના આંબા, કણકોટ ગામે ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. કણકોટ ગામની શેરીઓ પાણીમાં તરબતર થઈ હતી. કણકોટના પાદર માંથી પસાર થતા નદીના વોકળા વહેતા જોવા મળ્યા હતા.
-
તો સુરેન્દ્રનગર વઢવાણ શહેરી વિસ્તારો માં વરસાદ જોવા મળ્યો છે. તો ભાવનગરના ગારિયાધાર, જેસર પંથકમાં સાંજે ચાર વાગ્યા બાદ મેઘરાજાએ માજા મુકી હતી અને એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આજે ત્રીજા દિવસે સતત વરસાદ વરસતા પંથકમાં ઠંડકનું મોજુ ફરી વળ્યું હતુ, અને ગરમીમાં રાહત જોવા મળી છે. તો જામનગરમાં પણ મેઘરાજાની પધરામણી જોવા મળી છે.
-
હવામાન વિભાગના આંકડા અનુસાર, આજે સવારથી સાંજના 6 વાગ્યા સુધીમાં ભાવનગરના ગારિયાધારમાં સૌથી વધુ 25 મીમી, જેસરમાં પણ 25 મીમી, તો અમરેલીના લાઠીમાં 18 મીમી, મોરબીના વાંકાનેરમાં પણ 18 મીમી, નવસારીના જલાલપોરમાં 17 મીમી, તાપીના ઉચ્છલમાં 15 મીમી, અમરેલી શહેર, વલસાડના કપરાડા અને નવસારી શહેરમાં પણ 10 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. આ માહિતી સાંજના 6 વાગ્યા સુધીની છે, ત્યારે સમાચાર મળી રહ્યા છે કે, અમરેલી પંથકમાં સાંજ પછી અવિરત વરસાદ જોવા મળ્યો છે.
-
હવામાન વિભાગની આજની આગાહી અનુસાર, આજે અમરેલી, ભાવનગર, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ તથા સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ સહિતના વિસ્તારમાં વરસાદની આગાહી છે. હજુ આજની આગાહી સવારના 6 વાગ્યા સુધી માન્ય રહેશે. (ફોટો – અમદાવાદ હવામાન વિભાગ સોશિયલ મીડિયા)
-
તો આવતીકાલે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, તથા સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં વીજળી અને મેઘ ગર્જના સહિત ભારે પવન સાથે છૂટા છવાયા સ્થળો વરસાદ થઈ શકે છે. (ફોટો – અમદાવાદ હવામાન વિભાગ સોશિયલ મીડિયા)
-
સોમવારે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તથા સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર પંથકમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે મેધ ગર્જના, વીજળી તથા 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપેપવન પણ ફૂંકાઈ શકે છે. (ફોટો – અમદાવાદ હવામાન વિભાગ સોશિયલ મીડિયા)
-
મંગળવારે પણ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે તો સૈરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં મધ્યમથી હળવો પવન અને ઝાપટા સાથે વરસાદ પડી શકે છે. (ફોટો – અમદાવાદ હવામાન વિભાગ સોશિયલ મીડિયા)
-
તો બુધવારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વધારે વરસાદ જોવા મળી શકે છે. આ સિવાય, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, તથા સૌરાષ્ટ્રમાં જૂનાગડ, ગીર સોમનાથ, અમરેલી ભાવનગરમાં વીજળીના કડાકા ભડાકા તથા પવન સાથે ઝાપટા પડી શકે છે. (ફોટો – અમદાવાદ હવામાન વિભાગ સોશિયલ મીડિયા)