-
સ્વતંત્રતા દિવસની શુભકામના
ભારત 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવે છે. સમગ્ર ભારતમાં સ્વતંત્રતા દિવસ ધામધૂમથી ઉજવાય છે. દર વખતની જેમ 15 ઓગસ્ટના રોજ ઘરે રહેવાના બદલે તમે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે અમૃતસરની ટિકિટ બુક કરાવી આ સુંદર શહેરમાં આઝાદી દિવસની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવીની તક ઝડપી લેવી જોઇએ. (Photo: Freepik) -
સ્વતંત્રતા દિવસ પર અમૃતસરમાં ફરવા લાયક સ્થળો
હકીકતમાં અમૃતસર શરૂઆત થી જ ભારતની આઝાદીની લડાઈ સાથે જોડાયેલું રહ્યું છે અને એવા ઘણા સ્થળો છે જ્યાં તમને ખ્યાલ આવશે કે આઝાદી માટે આપણે કેટલો સંઘર્ષ કર્યો છે અને લોકોએ બલિદાન આપ્યા છે. તો જાણો અમૃતસરના પ્રસિદ્ધ સ્થળો (જલિયાંવાલા બાગની તસવીર) (Photo: amritsar.nic.in) -
વાઘા બોર્ડર (Wagha Border, Amritsar)
અમૃતસરની વાઘા બોર્ડર હકીકતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ છે. દરરોજ સાંજે ભારત અને પાકિસ્તાનની સેનાનું હેંડશેકિંગ અને બીટિંગ રિટ્રીટ થાય છે, જે જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. બંને દેશોના સૈનિકો તેમના રાષ્ટ્રધ્વજને નીચે ઉતારતી વખતે આ પ્રક્રિયા અનુસરે છે. સૂરજ આથમતાંની સાથે રાષ્ટ્રવાદી ઉત્સાહ વધતો જાય છે અને તાળીઓના ગડગડાટ વચ્ચે પ્રજાનો જુસ્સો જોવા જેવો હોય છે. -
જલિયાંવાલા બાગ (Jallianwala Bagh, Amritsar)
જલિયાંવાલા બાગ ભારતની સ્વતંત્રતા લડાઈમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતું સ્મારક છે. જલિયાંવાલા બાગ એ સ્થળ છે ત્યાં 13 એપ્રિલ, 1919ના રોજ એક શાંતિપૂર્ણ જાહેર સભામાં ભેગા થયેલા નિર્દોષ લોકો પર બ્રિટિશ જનરલ માઇકલ ઓ’ડ્વાયરની આદેશ પર અંગ્રેજ સૈનિકોએ ગોળીબાર કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં નિર્દોષ લોકોના મોત થયા હતા. જલિયાંવાલા બાગ ઘટના ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની એક મહત્વપૂર્ણ ઘટના છે. આ દુઃખદ હત્યાકાંડની કહાણી તે સ્થળ પરની શહીદ ગેલેરીમાં રજૂ કરવામાં આવી છે. જલિયાંવાલા બાગની દિવાલો પર ગોળીબારના નિશાનો હજી પણ દેખાય છે. ઉપરાંત જલિયાંવાલા બાગમાં એક કુવો છે, જ્યાં લોકો પોતાનો જીવ બચાવવા માટે કૂદી પડ્યા હતા. (Photo: amritsar.nic.in) -
મહારાજા રણજીતસિંહ મ્યુઝિયમ (Maharaja Ranjit Singh Museum, Amritsar)
મહારાજા રણજીત સિંહ મ્યુઝિયમ અમૃતસરના કંપની બાગમાં આવેલું છે અને તે શીખ સામ્રાજ્યના પ્રથમ રાજા મહારાજા રણજિત સિંહનો ઉનાળુ મહેલ હતો. આ સંગ્રહાલયમાં મહારાજાના જીવન અને સમય તેમજ શીખ સમુદાયના 18મીથી 19મી સદી વચ્ચેના ઇતિહાસ, કલા અને સ્થાપત્યને પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ સંગ્રહાલયમાં મહારાજા રણજીત સિંહનું બખ્તર અને શસ્ત્રોનો સંગ્રહ છે. આ મ્યુઝિયમમાં ભવ્ય પેઇન્ટિંગ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે શીખ રાજાના દરબાર અને છાવણીના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે, અને મ્યુઝિયમમાં સદીઓ પહેલાંની વિવિધ હસ્તપ્રતો અને સિક્કાઓનો સંગ્રહ છે. (Photo: amritsar.nic.in) -
સુવર્ણ મંદિર (Golden Temple, Amritsar)
સુવર્ણ મંદિર, જેને હરમંદિર સાહિબ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અમૃતસરમાં સ્થિત એક પવિત્ર શીખ ગુરુદ્વારા છે. તે શીખ ધર્મનું સૌથી પવિત્ર અને પ્રસિદ્ધ સ્થાન છે, જે સમગ્ર વિશ્વમાંથી લાખો મુલાકાતીઓને આકર્ષે છે. આ મંદિર સફેદ આરસપહાણ અને સોનાથી મઢેલું છે, જેમાં જટિલ ડિઝાઇન અને પેટર્ન છે. મંદિર સંકુલ એક તળાવથી ઘેરાયેલું છે. (Photo: amritsar.nic.in)