-
Gujarat Heavy Rain : ગુજરાતમાં ચોમાસા ને પગલે આજે ભરૂચ, નર્મદા, તાપી, અમરેલી, આણંદ, નવસારી, છોટા ઉદેપુર, વડોદરા, અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધારે વરસાદ આણંદના બોરસદ, વડોદરા તથા નર્મદાના તીલકવાડામાં જોવા મળ્યો છે. આ સિવાય ભરૂચ અને તાપી જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક રોડ રસ્તાઓ બંધ થયા છે, તો અનેક સ્થળોએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
-
હવામાન વિભાગે આજે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. જેમાં મધ્ય ગુજરાતમાં આણંદ, વડોદરા, છોટા ઉદેપુર તથા દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં પણ અતિભારે વરસાદની આગાહી કરી છે. આ બાજુ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને દેવ ભૂમિ દ્વારકામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો જોઈએ હાલ ક્યાં કેવો માહોલ છે.
-
તાપી જિલ્લામાં ઘોડાપૂર, 87 જેટલા માર્ગો બંધ થયા – તાપી જિલ્લામાં વ્યારા, સોનગઢ સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે, તો ડેમમાં પાણીની આવકથી છલકાવવાના આરે છે. જેને પગલે તંત્ર દ્વારા અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. વ્યારા શહેર તેમજ જિલ્લાની અનેક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લામાં મોડી રાત્રીથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. સોનગઢ તાલુકામાં આવેલ ડૉશવડા ડેમ સંપૂર્ણ ભરાયો છે. તંત્ર દ્વારા નીચાણવાળા 15 થી વધુ ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે. ડોસવાડા ડેમ સંપૂર્ણ ભરાતા ખેડૂતોમાં ખુશીની લહેર છે. તો વ્યારા શહેર માંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે. વ્યારા શહેર કાનપુરા નજીક જતા રોડ પાસે આવેલ મંદિર ના પટાંગણ માં પાણી ફરી વળ્યા છે.
-
આ બાજુ વ્યારા તાલુકા માંથી પસાર થતા ખટાર ફળિયા રોડ પર પાણી ફરી વળ્યા છે. તો સોનગઢ તાલુકાના મોટાબંધરપાડા ગામે મહાકાય વૃક્ષ ધરાશાઈ થયું હતુ, જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. તાપી જિલ્લા માં ધોધમાર વરસાદ વચ્ચે અનેક માર્ગો બંધ થયા છે. વાલોડ તાલુકાના શાહપોર થી ખાંભલા થઈ બારડોલી હાઇવે પર નીકળતા રોડ પર પાણી ફરી વળ્યા છે, ચીક ખાડી માં ભરપૂર પાણી આવતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. ગ્રામીણ વિસ્તાર ના અનેક રસ્તા બંધ થતાં વાહનચાલકોની સમસ્યા વધી છે. જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદને પગલે ઉકાઈ સહિત ડેમોમાં ભરપૂર પાણીની આવક થઈ છે. હાલ ડેમમાં 1,63,668 ક્યુસેક પાણીની આવક, તો જાવક 600 ક્યુસેક જણાવવામાં આવી છે. અને ડેમની સપાટી 315.22 ફૂટ પર પહોંચી ગઈ છે. કહેવાય છે કે, વ્યારા તાલુકાના 22, ડોલવણ તાલુકાના 30, વાલોડ તાલુકાના 20, અને સોનગઢ તાલુકાના 15 માર્ગ બંધ પાણી ભરાતા બંધ થયા છે.
-
ભરૂચ જળબંબાકાર, શાળા-કોલેજો બંધ, રોડ-રસ્તા મકાનો પાણીમાં ગરકાવ – ભરૂચ શહેર તથા જિલ્લામાં પણ અવિરત ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભરૂચ શહેર માં ફુરજા ચાર રસ્તા પર પાણી ફરી વળ્યા, સ્થાનિક વેપારીઓ ની હાલત કફોડી બની છે, દુકાનદારોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. તો ભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટરે શાળા કોલેજો આજે બંધ રાખા આદેશ કરવો પડ્યો છે. તમને જણાવી દઈએ કે, જિલ્લાના જંબુસર, આમોદ, વાગરા, ભરૂચ શહેર ઝગડિયા, અંકલેશ્વર, હાંસોટ, વાલિયા, નેત્રંગ એમ તમામ તાલુકામાં વરસાદ નોંધાય છે. ભરૂચ ના નીચાણવાળા ઇન્દિરા નગરના મકાનોમાં પાણી ભરાઈ ગયા છે.
-
શહેરના મુખ્ય માર્ગ પર આવેલી આ ઝુંપડપટ્ટીમાં 200 પરિવારો રહે છે, સ્થાનિકોના ઘરમાં રહેલ ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. ભરૂચ શહેરના ફાટા તળાવ વિસ્તાર મા પાણી ભરાઈ ગયા છે. તંત્ર દ્વારા રસ્તાને અવરજવર માટે બંધ કરાયો છે. પાટા તળાવથી ચાર રસ્તા મોટી બજાર ઊર્જા બંદર જવાના રસ્તા પર ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. ભરૂચના ચાર રસ્તા થી ફુરજા બંદર સુધી જવાના રોડ ઉપર નદી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અનાજના વેપારીઓ અને દુકાનદારો પરેશાન થયા છે. જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન ને અસર પહોંચી છે. તંત્ર દ્વારા નીચાણ વાળા વિસ્તારોમાં ભરાયેલ પાણી ના નિકાલ સહિત ની કામગીરી માટે વિશેષ ટીમો કાર્યરત છે. ભરૂચના અંકલેશ્વરના આમલાખાડી ઓવરફ્લો થતા ઘોડા પાણીમાં તણાતા ઘોડાપુરની ઉક્તિ સાર્થક થઈ હતી.
-
નવસારી કાવેરી – પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર થોડી દૂર, શાળા-આંગણવાડી બંધ – નવસારી જિલ્લામાં પણ અવિરત વરસાદને પગલે અનેક રોડ રસ્તા, પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આજે પણ હવામાન વિભાગે રેડ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરી છે. જેને પગલે શાળા અને આંગણવાડી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાજુ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદી અંબિકા, કાવેરી, અને પૂર્ણા નદીની જળ સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કાવેરી નદી પોતાની ભયજનક સપાટી 19 ફૂટ વટાવાથી માત્ર 2 ફૂટ દૂર, હાલ કાવેરી નદી 17 ફૂટ વહી રહી છે. જ્યારે પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી 17 ફૂટ વટાવાથી માત્ર 5 ફૂટ દૂર હાલ પૂર્ણા નદી 17 ફૂટ વહી રહી છે.
-
અમરેલીના બગસરા પાણીમાં તરબોળ, ચેકડેમો છલકાયા – અમરેલી જિલ્લામાં પણ વહેલી સવારથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જિલ્લાનુ બગસરા શહેર પાણી પાણી થઈ ગયું છએ. નીચાણવાળા વિસ્તારોમાં પાણીથી તરબોળ બની ગયા છે. બગસરા અમરેલી સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા છે. તો બગસરાના મુંજ્યાસર ડેમમાં 4 ફૂટ નવા નીરની આવક નોંધાઈ છે. આ બાજુ વડિયા પંથકમાં મેઘ મહેર જોવા મળી છે. વહેલી સવારથી જ ધોધમાર વરસાદથી રોડ ઉપર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. શહેરનો પોસ્ટઓફિસ રોડ, પી.જી.વી.સી.એલ. રોડ પાણીમાં ગરકાવ થયો છે. તો વડિયાના સુરગપરા, કૃષ્ણપરા, સદગુરુ નગર વિસ્તાર પણ પાણીમાં તરબતર થયો છે.
-
આ સિવાય વડિયાના ઢુંઢીયા પીપરિયા, તોરી, હનુમાન ખીંજડિયા, ખાન ખીજડિયા, સાકરોળા ગામમાં ધોધમાર વરસાદ વરસતા સકરોળાની નદીમાં પુર આવ્યું છે. બગસરામાં ખારી, વાઘણીયા માં ધોધમાર વરસાદને પગલે ચેકડેમ છલકાયા છે. તો જિલ્લાના ઉપરવાસના ગામો કુકાવાવ, જંગર, વાઘણીયા વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે. રંગપુરની નદીમાં પુર આ્યું છે. રંગપુર જવાના માર્ગ પર પાણી ફરી વળતા વાહનો અટવાયા હતા. આ બાજુ જિલ્લાના સાવરકુંડલા રોડ પર આવેલ શેત્રુંજી નદીમા ઘોડાપૂર જોવા મળ્યું છે. શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થતા અમરેલી પંથકના ખેડૂતોમા ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો ખાંભા ગીરના ઉપરવાસમાં ભારે વરસાદથી ધાતરવડી નદીમાં પુર આવ્યું છે, તો ગીદરડી, તાતણીયા, ઉમરીયા, પીપળવા સહીતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
-
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 11 ઇંચ પલસાણા તાલુકામાં ૧૦ ઇંચ વરસાદ તેમજ નવસારી ખેરગામ તાલુકામાં ૯ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢના વિસાવદર તાલુકામાં ૮ ઇંચ અને સુરત જિલ્લાના કામરેજ અને બારડોલી તાલુકામાં ૮-૮ ઇંચ વરસાદ અને દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં ૮ ઇંચ વરસાદ નોંધાયાના અહેવાલો છે. આ ઉપરાંત ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં ૭ ઇંચ અને તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં ૭ ઇંચ વરસાદ નોંધાયો છે.
-
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૨૪ જુલાઇ, ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૮ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૭૫ ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ ૭૧ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૫૭ ટકા, ઉત્તર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૨૫ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે. જ્યારે વાસંદા, માંગરોળ, નવસારી, સુરત શહેર, જોડિયા, માંડવી-કચ્છ, મહુવા, ડાંગ-આહવા, મુન્દ્રા, ડોલવણ, મળીને કુલ ૧૦ તાલુકામાં છ-છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જલાલપોર, સોનગઢ, સુબીર, નખત્રાણા, સાગબારા અને કેશોદ મળીને કુલ છ તાલુકાઓમાં પાંચ-પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
-
આ ઉપરાંત ભાણવડ, ગણદેવી, ચિખલી, માંડવી, ચૌર્યાસી, રાપર, ધોરાજી, વલસાડ, વાલોદ, ધરમપુર મળીને કુલ ૧૦ તાલુકામાં ચાર-ચાર ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે. બગસારા, અંજાર, ધોળકા, વંથલી, વાલિયા, તલાલા, માણાવદર, કપરાડા, ઝગડીયા, લખપત, કોડીનાર અને જામજોધપુર મળીને કુલ ૧૨ તાલુકામાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે માંગરોળ, જૂનાગઢ, જૂનાગઢ શહેર, પાટણ-વેરાવળ, ખંભાલીયા, જામનગર, જેતપુર, ગીર ગઢડા, ડેડીયાપાડા, વાપી, ઉપલેટા, કલ્યાણપુર અને સુત્રાપાડા મળીને કુલ ૧૩ તાલુકાઓમાં બે-બે ઇંચ વરસાદ નોંધાયો છે.