-
અમદાવાદના પ્રસિદ્ધ મંદિર અને તીર્થધામ
અમદાવાદમાં ફરવા લાયક ઘણા સુંદર સ્થળો છે. હાલ ચોમાસાના વરસાદમાં લોકોને લોંગ ડ્રાઇવ પર ફરવા જવાનો અને કુદરતી નજારો જોવાની વધારે ઇચ્છા થાય છે. અહીં અમદાવાદ નજીક આવેલા બે સુંદર સ્થળો વિશે જાણકારી આપી છે, જ્યાં તમે મિત્રો, પાર્ટનર કે પરિવાર સાથે ફરવા જઇ શકો છો. અહીં ચોમાસાના વરસાદ, જંગલ, હરિયાળી અને નદીનો સુંદર નજારો જોવા મળે છે. (Photo: Freepik) -
મીની અમરનાથ મંદિર
મીની અમરનાથ મંદિર અમદાવાદથી 50 કિમી અને ગાંધીનગરથી 24 કિમી દૂર અમરાપુર ગામમાં આવેલું ધાર્મિક સ્થળ છે. સ્વપ્ન સૃષ્ટિ વોટરપાર્કની નજીક ગાંધીનગર મહુડી રોડ પર આવેલું મીની અમરનાથ મંદિર સાબરમતી નદીની કોતરમાં કુદરતી સાનિધ્યનો અહેસાસ કરાવે છે. ચોમાસાના વરસાદમાં નયનરમ્ય વાતાવરણ મુલાકાતીઓને આનંદ આપે છે. શ્રાવણ માસ ઉપરાંત શનિ રવિના રજાઓ દરમિયાન મીની અમરનાથ મંદિરમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે. (Photo: Social Media) -
મીની પાવાગઢ
અમદાવાદ નજીક મીની પાવાગઢ પણ આવેલું છે. ગાંધીનગરના માણસા તાલુકામાં અંબોડ ગામમાં 600 વર્ષ કરતા વધુ જૂનું અને પ્રાચીન મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. લોક માન્યતા મુજબ 15મી સદીમાં સાબરમતી નદીના કિનારે ત્રણ પથ્થરના ગોખમાં મહાકાળી માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. હાલ અહીં પ્રાચીન મંદિરનો જીણોદ્ધાર કરવામાં આવ્યો છે. અહીં ઉંચા ટેકરા પર અને નદીના કિનારે એમ માતાજીના બે મંદિરના દર્શન થાય છે. નવરાત્રીમાં મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવામ આવે છે. (Photo: Social Media) -
માતા વૈષ્ણોદેવી મંદિર
માતા વૈષ્ણોદેવીના ભક્તોએ હવે જમ્મુ કાશ્મીર જવાની જરૂર નથી. અમદાવાદમાં પણ મીની માતા વૈષ્ણોદેવી મંદિર આવેલું છે. અમદાવાદમાં એસજી હાઇવે પર ગોતા નજીક માતા વૈષ્ણોદેવી મંદિર આવેલું છે. જમ્મુના મૂળ માતા વૈષ્ણોદેવી મંદિરના આબેહૂબ આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભક્તો પહાડ ચઢીને ગુફામાંથી પસાર થઇ માતા વૈષ્ણોદેવીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. નવરાત્રી, શનિ રવિ અને તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે. (Photo: Social Media) -
તિરૂપતિ બાલાજી મંદિર
તિરૂપતિ બાલાજી મંદિર અમદાવાદ એસજી હાઇવે પર નિરમા યુનિવર્સિટીની સામે આવેલું છે. જે લોકો મૂળ તિરૂપતિ બાલાજી મંદિર જઇ શકતા નથી તેઓ અહીં સરળતાથી ભગવાનના દર્શન કરી શકે છે. દક્ષિણ ભારતીય સ્થાપત્ય શૈલીમાં નિર્મિત આ તિરૂપતિ બાલાજી મંદિરમાં ભગવાનની પૂજા પાઠ અને ઉત્સવનું આયોજન મૂળ મંદિરની પરંપરા અનુસાર થાય છે. (Photo: Social Media)