World Parents day 2025: માતા પિતા વ્યક્તિના જીવનમાં ખુબ જ મોટી ભૂમિકા ભજવે છે. માતા-પિતાનું સ્થાન બીજી કોઈ લઈ શકતું નથી. દર વર્ષે, 1 જૂન માતાપિતાના પ્રેમ, બલિદાન, સમર્પણ, કરુણા અને યોગદાનને માન આપવા માટે વર્લ્ડ પેરેન્ટ્સ ડે એટલે કે વિશ્વ માતાપિતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
વિશ્વ માતાપિતા દિવસનો ઇતિહાસ અને મહત્વ
વર્ષ 2012માં સંયુક્ત રાષ્ટ્રે સમગ્ર વિશ્વમાં માતાપિતાના બલિદાન, પ્રેમ અને યોગદાનને માન્યતા આપવા માટે 1 જૂન ગ્લોબલ પેરેન્ટ્સ ડે તરીકે જાહેર કર્યો હતો. આ દિવસનો હેતુ પરિવારોને મજબૂત બનાવવાનો, માતાપિતાની ભૂમિકા વિશે જાગૃતિ લાવવાનો પણ છે. આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ બાળકોના સર્વાંગી વિકાસમાં માતાપિતાની ભૂમિકાને ઉજાગર કરવાનો છે.
વિશ્વ માતાપિતા દિવસ નિમિત્તે તેમના માનમાં દેશ-દુનિયામાં અનેક જગ્યાએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે બાળકો પોતાના માતા-પિતાનો આભાર માને છે અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. ઘણા દેશોમાં પારિવારિક એકતાને પ્રોત્સાહન આપવા માટે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
મુક્ત મને વાત કરો
માતાપિતા સાથે મુક્ત સંવાદ જાળવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમની સાથે વાત કરો અને તેમની સાથે તમારા વિચારો અને લાગણીઓ શેર કરો. તમે તમારા માતાપિતાને બહાર ફરવા લઈ જઈ શકો છો. આનાથી તમે તેમને સમય પણ આપી શકશો. તમે દરેક નાના કાર્યમાં તેમની મદદ કરો, તેનાથી તેમને ખૂબ સારું લાગશે.