World Animal Day 2024, વિશ્વ પ્રાણી દિવસ : પ્રાણીઓના રક્ષણ અંગે જનજાગૃતિ કેળવવા તેમજ પ્રાણી કલ્યાણને પ્રાધાન્ય આપવાના શુભ આશયથી દર વર્ષે 4 ઓક્ટોબરના રોજ વિશ્વ પ્રાણી દિવસ (વર્લ્ડ એનિમલ ડે)ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે પ્રાણીઓના અધિકારો અને તેમના કલ્યાણ સંબંધિત વિવિધ કારણોની સમીક્ષા કરવામાં આવે છે. પ્રાણીઓની વિવિધ પ્રજાતિઓ તેમના સંરક્ષણ અને લુપ્ત થતા રક્ષણ વિશે ચર્ચા કરવામાં આવે છે.
વિશ્વ પ્રાણી દિવસ થીમ
દર વર્ષે આ દિવસે કોઇના કોઇ થીમ રાખવામાં આવે છે. આ વર્ષે પ્રાણી દિવસની ઉજવણી ધ વર્લ્ડ ઈઝ ધેઈર હોમ ટૂ ની થીમ સાથે થઇ રહી છે, જેનો અર્થ થાય છે કે, આ વિશ્વ તેમનું (પ્રાણીઓનું) પણ ઘર છે.
વિશ્વ પ્રાણી દિવસ ઇતિહાસ
વિશ્વ પ્રાણી દિવસ અસિસીના સેન્ટ ફ્રાન્સિસના જન્મદિવસ પર તેની યાદમાં ઉજવવામાં આવે છે, જે પ્રાણી પ્રેમી અને પ્રાણીઓના મહાન આશ્રયદાતા હતા. જર્મનીના બર્લિનમાં સ્પોર્ટ્સ પેલેસ ખાતે 24 માર્ચ, 1925ના રોજ વિશ્વ પ્રાણી દિવસનું આયોજન સૌપ્રથમવાર હેનરિક જિમરમેન દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ વર્ષ 1929થી આ દિવસ 4 ઓક્ટોબરના રોજ ઉજવવાનું શરૂ થયો હતો. ઇવેન્ટની સ્થાપનાનો ઉદ્દેશ્ય પ્રાણીઓની સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ લાવવા, કરુણાપૂર્ણ સારવારને પ્રોત્સાહન આપવા અને તેમના અધિકારોની હિમાયત કરવા માટે સમર્પિત દિવસ બનાવવાનો હતો.
વિશ્વ પ્રાણી દિવસ મહત્વ
વિશ્વ પ્રાણી દિવસ વિભિન્ન જાનવરો સંબંધિત મુદ્દા વિશે જાગરુકતા વધારવાના એક મંચના રુપમાં કાર્ય કરે છે. જેમાં પશુ ક્રૂરતા, લુપ્તપ્રાય પ્રજાતિઓ, વસવાટની ખોટ અને પ્રાણી સામ્રાજ્ય પર માનવ પ્રવૃત્તિઓની અસર સામેલ છે. આ મુદ્દાઓ વિશે પોતાને અને અન્ય લોકોને શિક્ષિત કરવા પ્રોત્સાહિત કરે છે. આ દિવસ પ્રાણીઓના અધિકારો અને કલ્યાણ માટે હિમાયતને પ્રોત્સાહિત કરે છે. તે આ વિચારને પ્રોત્સાહન આપે છે કે પ્રાણીઓ સાથે દયા અને આદર સાથે વર્તવું જોઈએ અને કાયદા હેઠળ તેમના અધિકારોનું રક્ષણ કરવું જોઈએ.
ગુજરાત સરકારની કરુણા એમ્બ્યુલન્સની સુવિધા
પક્ષીઓ કે પ્રાણીઓ ઈજાગ્રસ્ત થાય તો તેમણે સારવાર આપી સુરક્ષિત કરી શકાય તે માટે ગુજરાત સરકારે પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવી “કરુણા એમ્બ્યુલન્સ”ની સુવિધા વિકસાવી છે. રાજ્યમાં કોઈપણ સ્થળે ઈજાગ્રસ્ત પ્રાણી જોવા મળે તો, માત્ર 1962 ટોલ-ફ્રી નંબર ડાયલ કરવાથી સ્થળ પર પહોંચી કરુણા એમ્બ્યુલન્સ ઈજાગ્રસ્ત પશુઓને ત્વરિત સારવાર પૂરી પાડે છે.