ચીનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન એક આકર્ષક દૃશ્ય જોવા મળ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને અન્ય નેતાઓ એક જ મંચ પર જોવા મળ્યા. તિયાનજિનમાં સત્તાવાર સ્વાગત સમારોહ દરમિયાન આ નેતાઓ ફોટો ફ્રેમમાં ઉભા જોવા મળ્યા. હવે આ તસવીર સમગ્ર વિશ્વમાં વધુને વધુ વાયરલ થઈ રહી છે અને રાજકીય વિશ્લેષકો તેનો અર્થ શોધવા લાગ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એક તસવીરે અમેરિકા સહિત અન્ય શક્તિશાળી દેશોને એક મજબૂત સંદેશ આપ્યો છે.
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) એક યુરેશિયન રાજકીય, આર્થિક અને સુરક્ષા સંગઠન છે. તેની સ્થાપના 2001 માં શાંઘાઈમાં રશિયા, ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન દ્વારા કરવામાં આવી હતી. બાદમાં ભારત અને પાકિસ્તાન 2017 માં પૂર્ણ સભ્ય બન્યા, જ્યારે ઈરાન 2023 માં જોડાયું. SCO નો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાદેશિક સુરક્ષા, આતંકવાદ સામે સહયોગ, અલગતાવાદ અને ઉગ્રવાદ, આર્થિક વિકાસ, વેપાર અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનો છે. આ સંગઠન સભ્ય દેશો વચ્ચે લશ્કરી સહયોગ, સંયુક્ત કવાયત અને ગુપ્ત માહિતીની આપ-લે પર ભાર મૂકે છે. SCOનું મુખ્ય મથક બેઇજિંગમાં છે અને તેની સત્તાવાર ભાષાઓ રશિયન અને ચીની છે.
પીએમ મોદી અને શી જિનપિંગની મુલાકાત
અગાઉ પીએમ મોદી અને શી જિનપિંગે સરહદ વિવાદના નિષ્પક્ષ, ઉચીત અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ તરફ કામ કરવા પર ભાર મૂક્યો હતો. વૈશ્વિક વેપારને સ્થિર કરવા માટે પણ કામ કરવાનો સંકલ્પ કર્યો હતો. SCO સમિટની બાજુમાં વાતચીત દરમિયાન મોદી અને જિનપિંગ સંમત થયા હતા કે બંને દેશો હરીફ નથી પરંતુ વિકાસમાં ભાગીદાર છે. તેમણે એ પણ ભાર મૂક્યો હતો કે બંને પક્ષો વચ્ચેના તફાવતો વિવાદોમાં ફેરવાવા જોઈએ નહીં. બંને નેતાઓએ યુએસ ટેરિફ નીતિને કારણે સર્જાયેલી આર્થિક ઉથલપાથલ વચ્ચે વૈશ્વિક વેપારને સ્થિર કરવામાં તેમની અર્થવ્યવસ્થાઓની ભૂમિકાને પણ સ્વીકારી.