Azerbaijan Airline Plane Crash: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કઝાકિસ્તાનમાં અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન ક્રેશ થવા બદલ માફી માંગી છે. તેમણે કહ્યું કે આ મામલે અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ સાથે વાત કરીને આ અકસ્માતને દુ:ખદ ગણાવ્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન ક્રેમલિને બંને દેશોના વડાઓ વચ્ચેની વાતચીતની વિગતો શેર કરી હતી અને કહ્યું હતું કે પુતિને માફી માગી હતી અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના પણ કરી હતી.
અઝરબૈજાન એરલાઇન્સની ફ્લાઇટ જે2-8343ને બુધવારે રશિયન એરસ્પેસમાં એક મોટી દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો, તેને દક્ષિણ રશિયા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. આ વિમાન અકસ્માતમાં 38 લોકોના મોત થયા હતા અને 29 લોકો બચી ગયા હતા. યુક્રેન તરફથી સતત ડ્રોન હુમલા થતા હોવાથી ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી હતી.
રશિયાએ ભૂલથી વિમાન પર હુમલો કર્યો
રશિયાની ડિફેન્સ સિસ્ટમ સતત યુક્રેન તરફથી આવી રહેલા ડ્રોન હુમલાને ધ્વસ્ત કરી રહી હતી. અઝરબૈજાન વિમાન દુર્ઘટના અંગે ક્રેમલિને કહ્યું કે વિમાન પર હુમલો ભૂલથી થયો હતો. સુરક્ષાના કારણોસર આ વિમાનનું ડાયવર્ઝન કરવામાં આવ્યું હતું, કારણ કે ગ્રોન્જી, મોજદોક અને વ્લાદિકાવકાજમાં તે સમયે યુક્રેનના ડ્રોન હુમલા થઈ રહ્યા હતા.
રશિયાને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું હતું
શુક્રવારે અમેરિકાના એક અધિકારી અને અઝરબૈજાનના એક મંત્રીએ આ દુર્ઘટના માટે એક બહારી હથિયારને જવાબદાર ઠેરવ્યું હતું. યુક્રેને આ અકસ્માત માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું હતું. રશિયાએ અગાઉ કોઈપણ પ્રકારની અટકળો ન કરવાની ચેતવણી આપી હતી.
આ પણ વાંચો – VIDEO: અઝરબૈજાનથી રશિયા જઈ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશ
હવે જ્યારે રશિયાના રાષ્ટ્રપતિએ માફી માગી લીધી છે ત્યારે એ વાતની પુષ્ટિ થઈ ચૂકી છે કે યૂક્રેનના ડ્રોન હુમલાની પ્રતિક્રિયા દરમિયાન અઝરબૈજાન એરલાઈન્સ સાથે એક રશિયન હથિયાર ટકરાયું હતું અને આટલો મોટો અકસ્માત થયો હતો.
અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન અઝરબૈજાનની રાજધાની બાકુથી ઉડાન ભર્યા બાદ રશિયાના દક્ષિણ વિસ્તાર ગ્રોન્જી તરફ જઇ રહ્યું હતું, પરંતુ આ વિમાન કઝાકિસ્તાનના એક શહેર નજીક ધડાકા સાથે ક્રેશ થયું હતું.
યુક્રેનના ડ્રોનના જવાબ આપી રહી હતી રશિયન વાયુસેના
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સ્વીકાર્યું છે કે રશિયન હવાઈ સંરક્ષણ દળો યુક્રેનમાં શ્રેણીબદ્ધ ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તે જ સમયે વિમાન રશિયાના ગ્રોન્જીમાં ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું અને તે દરમિયાન વિમાન અનિચ્છનીય અકસ્માતનો ભોગ બન્યું હતું.